કાપડ મંત્રાલય
azadi ka amrit mahotsav

NIFT ગાંધીનગર દ્વારા 23થી 30 ઑક્ટોબર દરમિયાન ‘CHHAAP@Sabarmati 2026’નું આયોજન; મહોત્સવ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


NIFT ગાંધીનગરના નિયામક ડૉ. સમીર સૂદે મહોત્સવની વિશેષતાઓની માહિતી આપી; હસ્તકલાના ક્ષેત્રમાં VR આધારિત અનુભવ સહિત 10 વિશિષ્ટ કાર્યક્રમો યોજાશે

પોસ્ટેડ ઓન: 16 OCT 2026 5:29PM by PIB Ahmedabad

NIFT ગાંધીનગર દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેન્ટ સેન્ટર A ખાતે 23થી 30 ઑક્ટોબર, 2026 દરમિયાન યોજાનારા ‘CHHAAP@Sabarmati 2026’ અંગે માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે NIFT ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડૉ. સમીર સૂદે મહોત્સવની વિશેષતાઓ અને વિવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. ભારતની સમૃદ્ધ હસ્તકલા વિરાસત, સર્જનાત્મકતા અને સમકાલીન ડિઝાઇનની ઉજવણી કરતા આ 8 દિવસીય મહોત્સવમાં દેશભરના NIFTના 20 કેમ્પસના સહયોગથી હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વારસાને પ્રોત્સાહન આપવામાં આવશે.

ડૉ. સમીર સૂદે જણાવ્યું હતું કે CHHAAP@Sabarmati 2026ની થીમ “સ્વર્ણિમ ભારત – વિરાસત અને વિકાસ | Rooted in Heritage. Reimagined for Tomorrow” ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ભવિષ્ય માટેની આકાંક્ષાઓ વચ્ચે અર્થપૂર્ણ સંવાદ સ્થાપિત કરવાની દૃષ્ટિને પ્રતિબિંબિત કરે છે. CHHAAP એ NIFTનો સિગ્નેચર ઇવેન્ટ છે, જે અગાઉ 2024માં દિલ્હીમાં અને 2025માં હૈદરાબાદમાં યોજાયો હતો. આ વર્ષે ગુજરાતમાં અમદાવાદ ખાતે યોજાનારો આ મહોત્સવ હસ્તકલાના ક્ષેત્રે વિશિષ્ટ અનુભવ બની રહેશે. કાર્યક્રમમાં 9થી 10 વિશિષ્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હસ્તકલા ક્ષેત્રે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત અનુભવ રજૂ કરવામાં આવશે. VR ગ્લાસ દ્વારા મુલાકાતીઓ ભારતના વિવિધ રાજ્યોની હસ્તકલા અને સાંસ્કૃતિક પરંપરાઓને ઇમર્સિવ અનુભવના માધ્યમથી જાણી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું, કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ભારતની વસ્ત્ર પરંપરાથી પ્રેરિત ફેશન વૉક યોજાશે. આશરે 14 મિનિટના આ ફેશન વૉક દ્વારા સિંધુ ખીણની સંસ્કૃતિથી ખાદી અને આધુનિક કાપડ ઉદ્યોગ સુધીની ભારતની વસ્ત્ર પરંપરાની સફર તથા વિકસિત ભારતના નિર્માણમાં કાપડ ઉદ્યોગના યોગદાનને રજૂ કરવામાં આવશે. ડૉ. સૂદે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા વિકસિત ભારતના નિર્માણમાં ‘3T’ની ભૂમિકા પર ભાર મૂકે છે અને તેમાં ટેક્સટાઇલ્સને પ્રથમ ‘T’ તરીકે મહત્ત્વ આપે છે. આ ફેશન વૉક દ્વારા ભારતના કાપડ ઉદ્યોગે દેશની પ્રગતિમાં આપેલા યોગદાનને પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત, મહોત્સવમાં હસ્તકલા પ્રદર્શનો, જીવંત નિદર્શન, કાર્યશાળાઓ, માસ્ટરક્લાસ, પેનલ ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

છાપ વિશે

CHHAAP એ NIFTની એક વિશિષ્ટ પહેલ છે, જે ભારતની કલા, વસ્ત્ર પરંપરા, હસ્તકલા અને સાંસ્કૃતિક વારસા પ્રત્યેની સહિયારી સમજ અને પ્રશંસા દ્વારા કારીગરો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ, ડિઝાઇનરો અને સામાન્ય જનતાને એક મંચ પર લાવે છે. અમદાવાદમાં યોજાનારી આ આવૃત્તિમાં 100થી વધુ કારીગરો અને NIFTના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્ટૉલ, NIFT થીમ પેવેલિયન, NIFT ક્રાફ્ટ ક્લસ્ટર ઇનિશિયેટિવ અને આઉટરીચ પ્રદર્શનો, હસ્તકલા પ્રદર્શનો, જીવંત નિદર્શન, પ્રાયોગિક કાર્યશાળાઓ, માસ્ટરક્લાસ, પેનલ ચર્ચાઓ, હસ્તકલા સંવાદો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા ટેક્નોલોજી આધારિત અનુભવો રજૂ કરવામાં આવશે. આ પહેલનો હેતુ પરંપરાગત હસ્તકલાને વ્યાપક ઓળખ અપાવવાનો, કારીગરો અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક વધારવાનો તથા નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ડિઝાઇન આધારિત વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.

ભારતની સર્જનાત્મક વિરાસતની ઉજવણી કરતા 10 વિશિષ્ટ અનુભવો

1. કલા સંધ્યા – ઉદ્ઘાટન સમારોહની વિશિષ્ટ ઉજવણી

23 ઑક્ટોબરની સાંજે યોજાનાર આ ઉદ્ઘાટન સમારોહમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ, વસ્ત્ર વારસો તથા સમકાલીન ડિઝાઈનનો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા 'વંદે માતરમ્'ની પ્રસ્તુતિ, સાબરમતી આરતી, ભારતની વસ્ત્ર પરંપરાથી પ્રેરિત ફેશન પ્રદર્શન અને ડ્રોન શોનો સમાવેશ થાય છે.

2. કલા પ્રદર્શન – હસ્તકલા પ્રદર્શન અને બજાર

મુલાકાતીઓને કારીગરો પાસેથી સીધાં હાથવણાટ અને હસ્તકલાની વસ્તુઓ નિહાળવાની તથા ખરીદવાની તક મળશે. આ માધ્યમથી તેઓ ભારતની હસ્તનિર્મિત પરંપરાઓની વિવિધતા અને દરેક કૃતિ પાછળ જોડાયેલી વાર્તાઓને જાણી શકશે.

3. કલા પ્રત્યક્ષમ્ – જીવંત હસ્તકલા નિદર્શન અને પ્રાયોગિક કાર્યશાળાઓ

કુશળ કારીગરો પરંપરાગત કળા અને તકનીકોનું જીવંત નિદર્શન કરશે. મુલાકાતીઓને સૌદાગીરી બ્લૉક પ્રિન્ટિંગ, બ્લુ પોટરી, માટીકામ, પેપર માશે અને લાખની બંગડીઓ બનાવવાની કળા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે.

4. કલા વિવેચના – પેનલ ચર્ચાઓ

વિચારપ્રેરક ચર્ચાઓ દ્વારા સાંસ્કૃતિક વિરાસત, ડિઝાઇન, વિકાસ, હસ્તકલાની ઓળખ અને સમકાલીન બજારમાં ઉપલબ્ધ તકો વચ્ચેના બદલાતા સંબંધો પર વિચારવિમર્શ કરવામાં આવશે.

5. કલા દર્શન – હસ્તકલાના ઇમર્સિવ અનુભવો

વર્ચ્યુઅલ રિયાલિટી (VR) આધારિત અનુભવો આ મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ રહેશે. આ પહેલ દ્વારા મુલાકાતીઓ ટેક્નોલોજીના માધ્યમથી ભારતની વિવિધ રાજ્યોની હસ્તકલા વિરાસતને નજીકથી જાણી અને અનુભવી શકશે.

6. કલા વાર્તા – હસ્તકલા સંવાદો

આ મંચ પર કારીગરો, ડિઝાઇનરો, વ્યવસાયિક ક્ષેત્રના નિષ્ણાતો અને વિષયના જાણકારો પરંપરાગત કૌશલ્યો, સામગ્રી, કારીગરી અને સર્જનાત્મક પદ્ધતિઓ અંગે પોતાનું જ્ઞાન, અનુભવો અને વિચારો રજૂ કરશે.

7. કલા કુંભ – વસ્ત્રકલાની ઉત્કૃષ્ટ કૃતિઓની ઉજવણી

આ કાર્યક્રમ ભારતની વસ્ત્ર પરંપરાઓની સમૃદ્ધિ, વૈવિધ્ય, કલાત્મકતા અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કરશે.

8. કલા ગુરુકુલ – માસ્ટરક્લાસ

અનુભવી કારીગરો અને નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોજાનારા ઇન્ટરેક્ટિવ લર્નિંગ સત્રોમાં પરંપરાગત તેમજ સમકાલીન સર્જનાત્મક પદ્ધતિઓને સમજવાની અને શીખવાની તક મળશે.

9. કલા નવોનાક્ષમ – NIFT થીમ પેવેલિયન

આ પેવેલિયનમાં ભારતની સાંસ્કૃતિક વિરાસતથી પ્રેરિત અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ નવતર ડિઝાઇન અભિગમો રજૂ કરવામાં આવશે. પરંપરાને સમકાલીન આકાંક્ષાઓ સાથે જોડવામાં ડિઝાઇનની ભૂમિકા અહીં વિશેષ રીતે દર્શાવવામાં આવશે.

10. કલા સમાગમ – સમાપન સમારોહ

30 ઑક્ટોબરે યોજાનારા સમાપન કાર્યક્રમ સાથે આઠ દિવસીય મહોત્સવનું સમાપન થશે. આ પ્રસંગે કારીગરો, ડિઝાઇનરો અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો વચ્ચે પરસ્પર સંવાદ અને વિચારોના આદાન-પ્રદાન માટે મંચ ઉપલબ્ધ થશે.

સમગ્ર સપ્તાહ દરમિયાન જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો

હસ્તકલા બજાર અને જ્ઞાનના આદાન-પ્રદાન માટેનાં સત્રો ઉપરાંત CHHAAP@Sabarmati સાંજના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરશે. કાર્યક્રમોમાં ગુજરાતી ગરબા અને ડાંડિયા, રાજસ્થાની કાલબેલિયા, રાજસ્થાની લોકસંગીત, પંજાબી ભાંગડા અને ગિદ્ધા તથા અમદાવાદ આધારિત ઑર્કેસ્ટ્રાની લાઇવ રજૂઆતનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો મહોત્સવમાં ઉત્સવમય વાતાવરણ ઊભું કરશે અને મુલાકાતીઓને ભારતની વિવિધ લોકકલાઓ તથા સાંસ્કૃતિક પરંપરાઓનો અનુભવ કરાવશે.

વિરાસતને વિકસિત ભારતના વિઝન સાથે જોડતો પ્રયાસ

ભારતની પરંપરાગત હસ્તકલા અને વસ્ત્ર પરંપરાઓમાં પેઢી દર પેઢી સંચિત થયેલું જ્ઞાન, કુશળતા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ સમાયેલી છે. CHHAAP@Sabarmatiનો ઉદ્દેશ કારીગરો અને હસ્તકલા સમુદાયોના યોગદાનને માન્યતા આપવાનો તેમજ આ ક્ષેત્રના ભવિષ્યને મજબૂત બનાવવા માટે ડિઝાઇન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની સંભાવનાઓ તરફ ધ્યાન દોરવાનો છે.

પ્રદર્શનો, જીવંત નિદર્શનો, કાર્યશાળાઓ, ચર્ચાઓ અને ઇમર્સિવ અનુભવો દ્વારા આ કાર્યક્રમ લોકોને દરેક હસ્તકલામાં સમાયેલાં કૌશલ્યો, વાર્તાઓ, તકનીકો અને સાંસ્કૃતિક ઓળખને સમજવા માટે પ્રેરિત કરશે. પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ જાળવી રાખતાં સમકાલીન જરૂરિયાતો અને તકો અનુસાર હસ્તકલાને વિકસિત કરવાની દિશામાં પણ આ મહોત્સવ પ્રોત્સાહન આપશે. કારીગરો અને સમકાલીન સર્જનાત્મક ક્ષેત્રના નિષ્ણાતોને એકસાથે લાવીને CHHAAP@Sabarmati જ્ઞાનના આદાન-પ્રદાન, પરંપરાગત કૌશલ્યોના હસ્તાંતરણ અને ભારતના હાથવણાટ તથા હસ્તકલા ક્ષેત્રો માટે નવી શક્યતાઓ શોધવાનું મંચ પૂરું પાડશે.

જનતા અને મીડિયાને આમંત્રણ

NIFT ગાંધીનગર તમામ મીડિયા સંસ્થાઓ, હસ્તકલા પ્રેમીઓ, ડિઝાઇન ક્ષેત્રના વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ, પરિવારો અને જાહેર જનતાને ભારતની જીવંત સાંસ્કૃતિક વિરાસતની આ ઉજવણીમાં સહભાગી થવા આમંત્રિત કરે છે.

રજિસ્ટ્રેશન લિંક અને ઈ-પાસ માટે:

https://register.chhaap.tech/register 

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2324429) મુલાકાતી સંખ્યા : 45
આ રીલીઝ વાંચો: English