ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય માનક બ્યુરો, અમદાવાદ દ્વારા 14 ઑક્ટોબર, 2026ના રોજ માનક મહોત્સવનું આયોજન અને વિશ્વ માનક દિવસની ઉજવણી

પોસ્ટેડ ઓન: 14 OCT 2026 8:33PM by PIB Ahmedabad

માનકીકરણની પ્રક્રિયામાં વિશ્વભરમાં માનકોના વિકાસ અને અમલીકરણ સાથે સંકળાયેલા હજારો નિષ્ણાતોના સહિયારા પ્રયાસોને યાદ કરવા અને બિરદાવવા માટે ભારતીય માનક બ્યુરો દ્વારા ગાંધીનગર સ્થિત નારાયણી હાઇટ્સ ખાતે માનક મહોત્સવનું આયોજન કરીને વિશ્વ માનક દિવસ 2026ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.

કાર્યક્રમનો પ્રારંભ ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક શ્રી રાહુલ પુષ્કર દ્વારા મુખ્ય અતિથિ તથા વિશિષ્ટ અતિથિને મંચ પર આમંત્રિત કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે વિશ્વ માનક દિવસની આ વર્ષની થીમ અંગે પણ પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ, ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના વૈજ્ઞાનિક-એફ/વરિષ્ઠ નિદેશક અને પ્રમુખ શ્રી અજય કુમાર લાલે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અને કાર્યક્રમના વિશિષ્ટ અતિથિ શ્રી રાજેશભાઈ આર. ગાંધીનું મંચ પર શાલ ઓઢાડીને તથા છોડ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

શ્રી અજય કુમાર લાલ, વૈજ્ઞાનિક-એફ/વરિષ્ઠ નિદેશક અને પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, અમદાવાદે વિવિધ સરકારી વિભાગો, ઉદ્યોગો, ઝવેરીઓ, શૈક્ષણિક જગત અને માનક ક્લબોના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. પોતાના સંબોધનમાં તેમણે ઊર્જાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને ખાસ કરીને સસ્તી તથા સ્વચ્છ ઊર્જા પર ભાર મૂક્યો. તેમણે ગુજરાત રાજ્યના ઉદ્યોગો દ્વારા માનકો અપનાવવા અને તેનો અમલ કરવા માટે થયેલી પ્રગતિ તથા સક્રિય પહેલ અંગે પણ માહિતી આપી.

ત્યારબાદ, સામાન્ય જનતામાં માનકો અંગે જાગૃતિ ફેલાવવામાં યોગદાન આપનાર હિતધારકોને તેમના પ્રયાસો બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા. વધુમાં, પોતાના ઉત્પાદન માટે અખિલ ભારતીય સ્તરે પ્રથમ લાઇસન્સ મેળવનારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ, માનક ક્લબોના માર્ગદર્શકો તથા ભારતીય માનક બ્યુરોના માનક ક્લબોના ક્વિઝ વિજેતા વિદ્યાર્થીઓનું ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના પ્રમુખ શ્રી રાજેશભાઈ આર. ગાંધીએ પોતાના વિશેષ સંબોધનમાં ઉદ્યોગો, સમાજ અને સેવાક્ષેત્ર માટે માનકોના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉદ્યોગજગતના પ્રતિનિધિઓને માનકોનો વધુ વ્યાપક સ્વીકાર કરવા તથા તેમનું પાલન સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાત દેશનાં અગ્રણી રાજ્યોમાંનું એક છે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય માનકોને આંતરરાષ્ટ્રીય માનકો સાથે સુસંગત બનાવવું એ સમયની માંગ બની ગઈ છે.

ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અધ્યક્ષીય સંબોધનમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોના ઉત્પાદન પ્રત્યેની સતત પ્રતિબદ્ધતા બદલ ઉદ્યોગજગતને અભિનંદન પાઠવ્યાં. તેમણે આપણા રોજિંદા જીવનમાં ગુણવત્તાના મહત્ત્વ પર ભાર મૂક્યો. ગુજરાતમાં ગુણવત્તા અને માનકીકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં ભારતીય માનક બ્યુરો, અમદાવાદ એ ભજવી રહેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી. આ ઉમદા કાર્યને આગળ વધારવા માટે ગુજરાત સરકાર સંસ્થાને સંપૂર્ણ સહયોગ આપશે, તેમ પણ તેમણે જણાવ્યું. તેમણે ઉદ્યોગજગતના પ્રતિનિધિઓને પોતાનાં ઉત્પાદનોના વિકાસ અંગે સક્રિય અને જિજ્ઞાસુ રહેવા પ્રોત્સાહિત કર્યા, જેથી ઉત્પાદનો વધુ સ્પર્ધાત્મક અને નિકાસલક્ષી બને તથા વિશાળ વૈશ્વિક બજારની જરૂરિયાતો પૂરી કરી શકે.

કાર્યક્રમ દરમિયાન કૃતજ્ઞતાના પ્રતીકરૂપે મુખ્ય અતિથિ અને વિશિષ્ટ અતિથિને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. ઉદ્ઘાટન સત્રનો અંત વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક શ્રી ઈશાન ત્રિવેદીના આભારવિધિ સાથે આવ્યો. આ કાર્યક્રમમાં 200થી વધુ સહભાગીઓએ હાજરી આપી.

ટેક્નિકલ સત્રની શરૂઆત વિશ્વ માનક દિવસ, 2026ના અવસર પર ISO/IEC/ITU દ્વારા આપવામાં આવેલા સંદેશના વાચનથી થઈ, જે વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક શ્રી અભિષેક નાયડુએ કર્યું. ત્યારબાદ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના નિદેશક પ્રો. મનીષ ગુપ્તાએ પ્રસ્તુતિ આપી. તેમણે ડેટા સંગ્રહ માટેના વૈકલ્પિક જૈવિક સ્ત્રોતો અને ડેટા સંગ્રહના ક્ષેત્રમાં તેમની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સસ્ટેનેબિલિટીના સ્થાપક અને Dr. Skillના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. સુધાંશુ જાંગીરે પોતાની પ્રસ્તુતિમાં સૈદ્ધાંતિક જ્ઞાન ઉપરાંત શૈક્ષણિક અભ્યાસક્રમમાં કૌશલ્ય-આધારિત જ્ઞાનનો સમાવેશ કરવા પર ભાર મૂક્યો. ત્યારબાદ CERCનાં મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. અનિંદિતા મહેતાએ પોતાના સંબોધનમાં વિશ્વ માનક દિવસ નિમિત્તે ભારતીય માનક બ્યુરોને અભિનંદન પાઠવ્યાં. તેમણે ‘ઊર્જા સહયોગ’ વિશે માહિતી આપી, જે સ્વચ્છ ઊર્જા અંગે જાગૃતિ માટે માહિતી પૂરી પાડે છે અને હરિત ઊર્જા સંબંધિત મુદ્દાઓના ઉકેલ માટે એક જ સ્થળે માર્ગદર્શન આપે છે.

વિશાખા રિન્યુએબલ્સ લિમિટેડના ઉપપ્રમુખ શ્રી આજિશ શાહે સૌર ઊર્જાના ક્ષેત્રમાં તેમની સંસ્થાના અનુભવો અને આંતરદૃષ્ટિ રજૂ કરી. ત્યારબાદ iHUB, ગુજરાતના OSD ડૉ. ભવેશ પરમારે માહિતીપ્રદ વિડિયો રજૂ કર્યો, જેમાં સંસ્થા સાથે સંકળાયેલા વિવિધ સ્ટાર્ટ-અપ્સ દ્વારા કરવામાં આવતાં નવીન અને ટેક્નિકલ કાર્યો દર્શાવવામાં આવ્યા.

ત્યારબાદ IIT ગાંધીનગર રિસર્ચ પાર્કમાં ઇન્ક્યુબેટ થયેલા સ્ટાર્ટ-અપ Agrocast Jalkrutiનાં સુશ્રી દિશા જોશીએ પ્રસ્તુતિ આપી. તેમણે સમજાવ્યું કે અદ્યતન ડ્રોન-આધારિત ટેક્નોલોજી, થર્મલ ઇમેજિંગ અને ભૂ-સ્થાનિક માહિતીના ઉપયોગથી વિવિધ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રોમાં સ્માર્ટ મોનિટરિંગ શક્ય બને છે અને નિર્ણય લેવામાં મદદ મળે છે. ટેક્નિકલ સત્રનો અંત GTU Ventures ખાતે AIC-GISC Foundationના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી કલ્પ ભટ્ટની પ્રસ્તુતિ સાથે થયો. તેમણે GTU Ventures સાથે સંકળાયેલા એવા નવીન સ્ટાર્ટ-અપ્સ વિશે માહિતી આપી, જે સસ્તી અને સ્વચ્છ ઊર્જા માટે ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવી રહ્યા છે.

કાર્યક્રમનો અંત આમંત્રિત વક્તાઓના સન્માન અને વૈજ્ઞાનિક-ડી/સંયુક્ત નિદેશક શ્રી વિપિન ભાસ્કરના આભારવિધિ સાથે આવ્યો.


(રીલીઝ આઈડી: 2323574) મુલાકાતી સંખ્યા : 45
આ રીલીઝ વાંચો: English