ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા હિતધારક સંમેલનનું આયોજન

પોસ્ટેડ ઓન: 09 OCT 2026 8:48PM by PIB Ahmedabad

વિશ્વ માનક દિવસ 2026ની ઉજવણીના પૂર્વાર્ધમાં, માનકીકરણની પ્રક્રિયામાં વિશ્વભરના હજારો નિષ્ણાતોના સહયોગી પ્રયાસોને બિરદાવવાના હેતુથી ભારતીય માનક બ્યૂરો દ્વારા 08 ઑક્ટોબર 2026ના રોજ આણંદ સ્થિત હોટેલ બ્લૂ આઇવી ખાતે હિતધારકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા આણંદ ખાતે “વધુ સારા વિશ્વ માટે સહિયારી દૃષ્ટિ – ટકાઉ વિકાસ લક્ષ્ય 7: સસ્તી અને સ્વચ્છ ઊર્જા” વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, ઉદ્યોગો, બિન-સરકારી સંસ્થાઓ (NGO), ઝવેરીઓ, શિક્ષણવિદો તથા માનક ક્લબના વિદ્યાર્થીઓ સહિત 100થી વધુ સહભાગીઓએ હાજરી આપી હતી.

આ પ્રસંગે આણંદ વિધાનસભા મતવિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી યોગેશ આર. પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ભારતીય માનક બ્યૂરો, અમદાવાદના વરિષ્ઠ નિદેશક અને પ્રમુખ શ્રી અજય કુમાર લાલે તમામ મહાનુભાવો અને સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે વિશ્વ માનક દિવસ 2026 નિમિત્તે ભારતીય માનક બ્યૂરો, અમદાવાદ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે આપણા જીવનમાં માનકો અને માનકીકરણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત વર્ષ 2030 સુધીમાં ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રયત્નશીલ છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યની સિદ્ધિમાં ભારતીય માનક બ્યૂરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

માનનીય ધારાસભ્ય શ્રી યોગેશ આર. પટેલે કાર્યક્રમના આયોજન બદલ ભારતીય માનક બ્યૂરોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે દેશની માનકીકરણ અને ગુણવત્તા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં તેમજ આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ભારતીય માનક બ્યૂરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમ દરમિયાન ભારતીય માનક બ્યૂરોના મહત્ત્વપૂર્ણ હિતધારકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. “સસ્તી અને સ્વચ્છ ઊર્જા” વિષય પર અમૂલ, આણંદ પ્લાન્ટના ગુણવત્તા ખાતાના વડા શ્રી ગોકુલ કૃષ્ણન, એસ.વી.આઈ.ટી., વસદના સહાયક પ્રાધ્યાપક શ્રી દીપેન પટેલ તથા ચારુસેટના સહાયક પ્રાધ્યાપકો ડૉ. અક્ષય ચૌહાણ અને ડૉ. અમિત કુમારે ટેકનિકલ પ્રસ્તુતિઓ આપી હતી. આ પ્રસ્તુતિઓમાં માનકીકરણના ક્ષેત્રે ઉદ્યોગજગત અને શિક્ષણવિદોની સક્રિય ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારતીય માનક બ્યૂરો, અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી અભિષેક નાયડુએ સસ્તી અને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં ઉપલબ્ધ વર્તમાન માનકો અંગે માહિતીસભર પ્રસ્તુતિ આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય વિદ્યાલય, ઓએનજીસી, કેમ્બેના વિદ્યાર્થીઓએ ભારતીય માનક બ્યૂરો અંગે સુંદર કાવ્યપઠન કર્યું હતું અને પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. ઊર્જા-બચત ઉત્પાદનોના ક્ષેત્રમાં કાર્યરત એક સ્ટાર્ટઅપે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સત્વાફાયર પ્લાસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શ્રી વસંત મુંગ્રાએ ઇમારતોમાં સ્થાપિત તેમના ઉત્પાદનની ઊર્જા સંરક્ષણમાં રહેલી ભૂમિકા અંગે ટૂંકમાં માહિતી આપી હતી.

કાર્યક્રમનું સમાપન આમંત્રિત વક્તાઓના સન્માન, પ્રશ્નોત્તરી સત્ર તથા ભારતીય માનક બ્યૂરો, અમદાવાદના સહાયક નિદેશક શ્રી રમેશ નાયડુ દ્વારા આભારવિધિ સાથે થયું હતું.

 


 


(રીલીઝ આઈડી: 2321567) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English