સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
‘એક ડાક નેટવર્ક, અનંત સંભાવનાઓ’ની થીમ સાથે વિશ્વ ડાક દિવસની ઉજવણી — 9થી 15 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન: પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
‘એક વિશ્વ–એક ડાક પ્રણાલી’ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874ના રોજ ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ની સ્થાપના થઈ હતી – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
દૈનિક જીવનથી વૈશ્વિક વિકાસ સુધી, પોસ્ટલ સેવાઓની ભૂમિકા અંગે જાગૃતિ વધારે છે ‘વિશ્વ ડાક દિવસ’ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટેડ ઓન:
08 OCT 2026 9:38PM by PIB Ahmedabad
વિશ્વભરમાં 9 ઓક્ટોબરના રોજ ‘વિશ્વ ડાક દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ જ અનુસંધાને ભારતમાં પોસ્ટ વિભાગની બદલાતી ભૂમિકા તથા નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી વિવિધ સેવાઓની વ્યાપકતાને ધ્યાનમાં રાખીને 9થી 15 ઓક્ટોબર દરમિયાન ‘રાષ્ટ્રીય ડાક સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. આ અંગે માહિતી આપતાં ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, આ દરમિયાન પોસ્ટલ સેવાઓમાં ટેકનોલોજી અને નવીનતાના વધતા એકીકરણ સાથે પોસ્ટલ સેવાઓને વધુ સરળ, સુલભ અને સુવિધાજનક બનાવવા માટે વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. નાણાકીય સમાવેશ અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાહક આધારના વિસ્તરણ પર પણ ભાર મૂકવામાં આવશે.
_20261008214258_adcdf3.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ડાક સપ્તાહ દરમિયાન દરરોજ કોઈ વિશેષ ઉત્પાદન અથવા સેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેના અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 9 ઓક્ટોબરે ‘વિશ્વ ડાક દિવસ’, 12 ઓક્ટોબરે ‘ફન વિથ ફિલેટલી દિવસ’, 13 ઓક્ટોબરે ‘નાણાકીય સમાવેશ અને નાગરિક કેન્દ્રિત સેવા દિવસ’, 14 ઓક્ટોબરે ‘મેલ્સ અને પાર્સલ દિવસ’ તથા 15 ઓક્ટોબરે ‘ટેકનોલોજી અને ઇનોવેશન દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ‘વિશ્વ ડાક દિવસ’ની થીમ ‘વિશ્વ ડાક દિવસ: એક ડાક નેટવર્ક, અનંત સંભાવનાઓ’ છે.
‘વિશ્વ ડાક દિવસ’નો હેતુ લોકો તથા વ્યવસાયોના દૈનિક જીવનમાં પોસ્ટ વિભાગની ભૂમિકા તેમજ વૈશ્વિક સામાજિક અને આર્થિક વિકાસમાં પોસ્ટલ સેવાઓના યોગદાન અંગે જાગૃતિ લાવવાનો છે. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે, ‘એક વિશ્વ–એક ડાક વ્યવસ્થા’ની સંકલ્પનાને સાકાર કરવા માટે 9 ઓક્ટોબર, 1874ના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના બર્ન શહેરમાં ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ ની સ્થાપના કરવામાં આવી હતી, જેથી સમગ્ર વિશ્વમાં એકસમાન પોસ્ટ વ્યવસ્થા અમલમાં આવી શકે. ભારત એશિયાનું પ્રથમ રાષ્ટ્ર હતું, જે 1 જુલાઈ, 1876ના રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું સભ્ય બન્યું હતું. ત્યારબાદ વર્ષ 1969માં જાપાનના ટોક્યો ખાતે યોજાયેલી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં 9 ઓક્ટોબરના સ્થાપના દિવસને ‘વિશ્વ ડાક દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ડાક સપ્તાહ દરમિયાન પોસ્ટલ સેવાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર તથા ગ્રાહક સેવા વિસ્તરણ દ્વારા આવકમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવશે. 9 ઓક્ટોબરે ‘વિશ્વ ડાક દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. 12 ઓક્ટોબરે ‘ફન વિથ ફિલેટલી દિવસ’ અંતર્ગત વિદ્યાર્થીઓને પોસ્ટલ સેવાઓ તથા ફિલેટલી સાથે જોડવા માટે ફિલેટેલિક પ્રદર્શન, ‘માય સ્ટેમ્પ’, શાળાઓમાં સંવાદાત્મક તથા જાગૃતિ કાર્યક્રમો, પોસ્ટ ઓફિસ અને ફિલેટેલિક બ્યુરોની મુલાકાત, ક્વિઝ, ‘ઢાઈ આખર પત્ર લેખન સ્પર્ધા’ તથા ‘દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના’ સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. એન-જેન પોસ્ટ ઓફિસમાં ફિલેટેલિસ્ટો સાથે ફિલેટલી વર્કશોપ તથા ગ્રુપ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવશે. 13 ઓક્ટોબરે ‘નાણાકીય સમાવેશ અને નાગરિક કેન્દ્રિત સેવા દિવસ’ અંતર્ગત બચત સેવાઓ, ડાક જીવન વીમા, આધાર કેમ્પ વગેરે અંગે ડાક ચોપાલ તથા શેરી નાટકનું આયોજન કરવામાં આવશે. 14 ઓક્ટોબરે ‘મેલ્સ અને પાર્સલ દિવસ’ નિમિત્તે બલ્ક ગ્રાહકો માટે કસ્ટમર મીટનું આયોજન કરવામાં આવશે, જેથી ગ્રાહકોને મેલ અને પાર્સલ સેવાઓ અંતર્ગત હાથ ધરવામાં આવેલી નવી પહેલો અંગે માહિતી આપી શકાય. તેમજ રેલ મેલ સેવા કચેરીઓમાં કર્મચારીઓ માટે સોર્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. 15 ઓક્ટોબરે ‘ટેકનોલોજી અને ઇનોવેશન દિવસ’ નિમિત્તે કર્મચારીઓ તથા ગ્રાહકો માટે ટેકનોલોજી ક્વિઝનું આયોજન કરવામાં આવશે. આ જ દિવસે ‘એક ડાક નેટવર્ક, અનંત સંભાવનાઓ’ થીમને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી દેશવ્યાપી પોસ્ટાથોન વોક/રનનું આયોજન કરવામાં આવશે.
(રીલીઝ આઈડી: 2321073)
મુલાકાતી સંખ્યા : 10