સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પાટણ ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે કર્યું ઉદ્ઘાટન


ડાક ટિકિટોના માધ્યમથી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાઈ શકશે જેન-ઝેડ અને જેન-આલ્ફા યુવા પેઢી – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

ફિલેટલી ઇતિહાસ અને વર્તમાન વચ્ચે એક સુંદર સેતુનું કાર્ય કરે છે – ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂત

‘પાટણની વિરાસત’ પર વિશેષ ડાક આવરણ જારી – રાણી કી વાવ, રુદ્ર મહાલય, બિંદુ સરોવર, સહસ્રલિંગ તળાવ અને પાટણ પટોળાને મળ્યું સ્થાન

પાટણ જિલ્લામાં પ્રથમવાર યોજાયું ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’, દેશ-વિદેશમાં બહાર પાડવામાં આવેલ વિવિધ ડાક ટિકિટોએ લોકોને આકર્ષ્યા

પોસ્ટેડ ઓન: 05 OCT 2026 4:18PM by PIB Ahmedabad

ડાક ટિકિટ ખરેખર એક નાનકડા રાજદૂત સમાન છે, જે વિવિધ દેશોનો પ્રવાસ કરે છે અને તેમને પોતાની સભ્યતા, સંસ્કૃતિ તથા વિરાસતથી પરિચિત કરાવે છે. દરેક ડાક ટિકિટની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આજની જેન-ઝેડ તથા જેન-આલ્ફા યુવા પેઢીને આ વાર્તાઓ સાથે જોડવાની જરૂર છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે ગુજરાતના પાટણ જિલ્લામાં આયોજિત પ્રથમ બે દિવસીય જિલ્લા કક્ષાના ડાક ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નું 5 ઓક્ટોબર, 2026ના રોજ સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના દીક્ષાંત સભાગૃહમાં ઉદ્ઘાટન કરતાં આ વિચાર વ્યક્ત કર્યા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ સી. રાજપૂતે રિબન કાપીને તથા દીપ પ્રાગટ્ય કરીને  કરીને પ્રદર્શનનો શુભારંભ કર્યો. પ્રદર્શનમાં દેશ-વિદેશમાં જારી થયેલી વિવિધ ડાક ટિકિટો અને ફિલેટલિક સામગ્રીના કુલ 86 ફ્રેમ પ્રદર્શિત કરવામાં આવ્યા. આ પ્રસંગે પોસ્ટ વિભાગ દ્વારા પાટણની વિરાસત અને ગાંધી આશ્રમ, ઝીલિયા પર વિશેષ આવરણ અને વિશેષ વીરૂપણ પણ જારી કરવામાં આવ્યા.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ‘પાટણપેક્સ’ ડાક ટિકિટ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં ફિલેટલી પ્રત્યે રસ પેદા કરવાનો તથા તેમને તેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક મહત્વથી પરિચિત કરાવવાનો છે. પાટણ લાંબા સમય સુધી ગુજરાતની રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. આવી સ્થિતિમાં આજે ‘પાટણની વિરાસત’ પર જારી કરવામાં આવેલા વિશેષ ડાક આવરણમાં રાણી કી વાવ, રુદ્ર મહાલય, બિંદુ સરોવર, સહસ્રલિંગ તળાવ અને પાટણ પટોળાને એકસાથે દર્શાવવામાં આવ્યા છે, જેથી પાટણની આ ગૌરવશાળી વિરાસતો દેશ-વિદેશ સુધી પહોંચી શકે. પાટણ સ્થિત ‘રાણી કી વાવ’ અને ‘પાટણ પટોળા’ પર ભારત સરકાર દ્વારા અનુક્રમે વર્ષ 2017 અને 2002 માં ડાક ટિકિટો જારી કરવામાં આવી ચૂકી છે. શ્રી યાદવે જણાવ્યું કે ફિલેટલીનું શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. ડાક ટિકિટોના માધ્યમથી જેન-ઝેડ અને જેન-આલ્ફા પેઢી ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક ઘટનાઓ, સ્વાતંત્ર્ય સંગ્રામના જાણીતા-અજાણીતા નાયકો, મહાન વ્યક્તિત્વો, સાહિત્ય, કલા અને સ્થાપત્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, આઈ.ટી., જૈવ વિવિધતા, રમતગમત, અંતરિક્ષ સહિત વિવિધ સમકાલીન વિષયો અને ઘટનાઓથી પરિચિત થઈ શકશે. આ યુવા પેઢીને મોબાઇલ અને સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહી ફિલેટલી જેવી સર્જનાત્મક હોબી સાથે જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરશે. ફિલેટલીને ‘કિંગ ઓફ હોબી અને હોબી ઓફ કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે.

સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બળવંતસિંહ સી. રાજપૂતે જણાવ્યું કે, આ પ્રદર્શન ડાક ટિકિટોના માધ્યમથી ભારતની વિવિધતા અને ગૌરવશાળી ભૂતકાળને સમજવાની તક પૂરી પાડે છે. ફિલેટલી ઇતિહાસ અને વર્તમાન વચ્ચે એક સુંદર સેતુનું કાર્ય કરે છે. દેશ અને રાજ્યના સમૃદ્ધ તથા ગૌરવશાળી ઇતિહાસથી પરિચિત થવામાં ડાક ટિકિટોનું મહત્વપૂર્ણ સ્થાન છે. તેમણે પાટણ જિલ્લામાં પ્રથમવાર ડાક ટિકિટ પ્રદર્શનનું આયોજન કરવા તેમજ યુવાનોમાં ફિલેટલીને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ડીન ડૉ. અરવિંદકુમાર ચૌહાણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે ફિલેટલી એક શોખની સાથે જ્ઞાનવર્ધનનું પણ સશક્ત માધ્યમ છે.

પાટણ મંડળના અધિક્ષક શ્રી આર. એ. ગોસ્વામીએ જણાવ્યું કે પ્રદર્શન 5 અને 6 ઓક્ટોબરના રોજ સવારે 10:30થી સાંજે 6:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે પત્રલેખન, પ્રશ્નોત્તરી, ડાક ટિકિટ ડિઝાઇન વગેરે  સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. પોસ્ટલ ટિકિટો પર પોતાની તથા પોતાના પ્રિયજનોની તસવીર છપાવવાની સુવિધા માટે ‘માય સ્ટેમ્પ’નું વિશેષ કાઉન્ટર પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.

આ પ્રસંગે સહાયક નિદેશક અલ્પેશ શાહ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ડીન ડૉ. અરવિંદકુમાર ચૌહાણ અને ડૉ. વિપુલકુમાર ડાભી; મેનેજર ગાંધી આશ્રમ, ઝીલિયા લાલજીભાઈ એમ. દેસાઈ; સહાયક અધિક્ષક કે. બાલાસુબ્રમણ્યમ, બિરંગ શાહ, ડાક નિરીક્ષક શાહનવાઝ ઘાંચી, નેહલ પટેલ અને જિતેન્દ્ર અડાલિયા સહિત અન્ય અધિકારીઓ, ફિલેટલિસ્ટો તેમજ યુનિવર્સિટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.


(રીલીઝ આઈડી: 2319179) મુલાકાતી સંખ્યા : 179
આ રીલીઝ વાંચો: English