ગૃહ મંત્રાલય
CBIએ નીરવ મોદી કેસમાં યુએઈથી વોન્ટેડ ભાગેડુ સંદીપ મિસ્ત્રીને ભારત ડિપોર્ટ કરાવ્યો
પોસ્ટેડ ઓન:
29 SEP 2026 6:06PM by PIB Ahmedabad
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સહયોગથી નીરવ મોદી પીએનબી બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ રેડ નોટિસ ધરાવતા સંદીપ મિસ્ત્રીને યુએઈથી ભારતમાં સફળતાપૂર્વક ડિપોર્ટ કરાવવામાં સફળ રહી છે.

આ શંકાસ્પદ સંદીપ મિસ્ત્રી કાલ્પનિક આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવહારો સાથે સંકળાયેલા બેંક કૌભાંડ કેસમાં તેની સંડોવણી બદલ CBI, બીએસએફબી, મુંબઈ દ્વારા નોંધાયેલા નીરવ મોદી કૌભાંડ કેસમાં વોન્ટેડ છે. તેણે વિવિધ સંસ્થાઓ વચ્ચેની એક મુખ્ય કડી તરીકે કામ કર્યું હતું, તેમના દૈનિક કામકાજની દેખરેખ રાખી હતી અને પુરાવા છુપાવવા માટે ગુપ્ત, સ્વયં-નષ્ટ થઈ જતા સંચાર પ્લેટફોર્મ દ્વારા સૂચનાઓ આપતો હતો. તેણે હીરા, સોનું અને મોતીના દાગીનામાં કાલ્પનિક વેપાર દર્શાવવા માટે બનાવટી આયાત-નિકાસના દસ્તાવેજો તૈયાર કરવામાં પણ મદદ કરી હતી. વધુમાં, તેણે અન્ય આરોપીઓ સાથે મળીને વિદેશી કંપનીઓના ડમી ડિરેક્ટરોની ધરપકડ કરવાની ધમકી આપીને, તેમને અન્ય સ્થળોએ સ્થાનાંતરિત કરીને, તેમના ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરીને અને તેમને કંપનીઓના વાસ્તવિક માલિકો તરીકે ખોટી રીતે દર્શાવતા દસ્તાવેજો પર સહી કરવા માટે મજબૂર કર્યા હતા. તેણે યુએઈમાં ડમી કંપનીઓના બેંક ખાતાઓમાંથી નાણાંની ઉચાપત કરવામાં પણ ભાગ લીધો હતો. આ કેસમાં ચાર્જશીટ સક્ષમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી છે.
CBIની વિનંતી પર, ઈન્ટરપોલ ચેનલો દ્વારા જુલાઈ 2026માં આ શંકાસ્પદ સામે રેડ નોટિસ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારબાદ, યુએઈ સત્તાવાળાઓ દ્વારા શંકાસ્પદનું સ્થાન શોધી કાઢીને તેની ધરપકડ કરવામાં આવી હતી અને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
ખાસ નોંધનીય છે કે, શંકાસ્પદ સામે રેડ કોર્નર નોટિસ જુલાઈ 2026 માં પ્રકાશિત કરવામાં આવી હતી અને નોટિસના પ્રકાશનના માત્ર 2 મહિના જેટલા ટૂંકા ગાળામાં જ તેનો સફળતાપૂર્વક પત્તો લગાવી, તેની અટકાયત કરીને તેને ભારત પરત લાવવામાં આવ્યો હતો, જે સંબંધિત એજન્સીઓ વચ્ચેના ઝડપી અને અસરકારક આંતરરાષ્ટ્રીય સંકલનને દર્શાવે છે.
આ શંકાસ્પદ 28.09.2026ના રોજ 23.55 વાગ્યે મુંબઈ પહોંચ્યો હતો, જ્યાં CBI, બીએસએફબી, મુંબઈના અધિકારીઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ભારતમાં INTERPOL માટેની નેશનલ સેન્ટ્રલ બ્યુરો તરીકે CBI, BHARATPOL મારફતે ભારતમાં આવેલી તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરે છે, જેથી INTERPOLના માધ્યમો દ્વારા સહાય મેળવી શકાય. છેલ્લા કેટલાક વર્ષોમાં INTERPOLના માધ્યમો દ્વારા સંકલન કરીને 175થી વધુ વોન્ટેડ ગુનેગારોને સફળતાપૂર્વક ભારત પરત લાવવામાં આવ્યા છે.
(રીલીઝ આઈડી: 2316590)
મુલાકાતી સંખ્યા : 42