પંચાયતી રાજ મંત્રાલય
કેન્દ્ર સરકાર દેશના દરેક ક્ષેત્ર અને દરેક રાજ્યના સમાન વિકાસ માટે કટિબદ્ધ છે : કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ રંજન સિંહ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ દેશના વિકાસ અને પરિવર્તનના સુવર્ણયુગ સમાન છે : કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલ
આણંદ સ્થિત એનડીડીબી ખાતે પીએમ 'સ્વામિત્વ'યોજના અને મત્સ્યોદ્યોગ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ રંજન સિંહ અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી પ્રો.એસ.પી.સિંહ બઘેલના વરદહસ્તે લાભાર્થીઓને સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા
પોસ્ટેડ ઓન:
17 SEP 2026 10:04PM by PIB Ahmedabad
કેન્દ્રીય પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજે આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ઓડિટોરિયમ ખાતે 'સ્વામિત્વ' (SVAMITVA) યોજના અને મત્સ્યોદ્યોગ યોજનાના લાભાર્થીઓ સાથે વિશેષ સંવાદ તેમજ સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિમાં કેન્દ્રીય પંચાયતી રાજ, મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ તથા અતિથિ વિશેષમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સમગ્ર જીવન ભારતમાતાની સેવા માટે સમર્પિત રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના સફળ કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં પાણીની મોટી સમસ્યાનો કાયમી ઉકેલ લાવીને નર્મદાના નીર ખૂણે-ખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તેમની આ જ વિકાસયાત્રા અને લોકપ્રિયતાને કારણે દેશની જનતાએ 2014માં તેમને દેશનું નેતૃત્વ સોંપ્યું. આજે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ભારત 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દેશના દરેક ક્ષેત્ર અને દરેક રાજ્યના સમાન વિકાસ માટે કટિબદ્ધ છે. કોઈ પણ રાજકીય ભેદભાવ વિના તમામ રાજ્યોને એકસૂત્રમાં બાંધીને દેશને આત્મનિર્ભર બનાવવો એ જ પ્રધાનમંત્રીજીનો મુખ્ય ધ્યેય છે.
_20260917221920_b25731.jpeg)
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં હિંસા અને વિવાદોનું સૌથી મોટું કારણ મિલકત સંબંધિત પ્રશ્નો હતા. પ્રધાનમંત્રીશ્રીની દૂરંદેશીને કારણે 'સ્વામિત્વ યોજના' શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ ડ્રોન સર્વેક્ષણ દ્વારા ગ્રામજનોને તેમની જમીન/મિલકતના અધિકારપત્રો (કાર્ડ) સોંપવામાં આવે છે. હાલમાં સમગ્ર દેશમાં 3 કરોડથી વધુ સ્વામિત્વ કાર્ડ વિતરિત કરી દેવામાં આવ્યા છે. આ કાર્ડના આધારે ગ્રામજનો હવે બેંકોમાંથી સરળતાથી લોન મેળવી શકે છે, જેનાથી તેમને વ્યાજખોરોના શોષણમાંથી મુક્તિ મળી છે. ગુજરાત સહિત દેશભરમાં આ યોજનાના બીજા તબક્કાનું કામ અંતિમ ચરણમાં છે, જે ગામડાઓમાં સામાજિક સૌહાર્દ અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
મત્સ્ય પાલન ક્ષેત્રે થયેલ વિકાસની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશના અંદાજે 6 કરોડ લોકોની આજીવિકા મત્સ્ય પાલન ક્ષેત્ર સાથે જોડાયેલી છે. 2014 પછી કેન્દ્ર સરકારે આ ક્ષેત્ર માટે બ્લુ રિવોલ્યુશન, પીએમ એમએસવાય (PM MSY) અને અલગ મત્સ્ય પાલન મંત્રાલયની રચના જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. વૈશ્વિક આર્થિક પડકારો અને ટેરિફના મુદ્દાઓ વચ્ચે પણ પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મુક્ત વ્યાપાર કરારો (FTA) અને ઊંડા સમુદ્રમાં મત્સ્ય પાલન માટેની નીતિઓ બનાવીને આ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર પહોંચાડવામાં આવ્યું છે.

આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ માત્ર સમયગાળો નથી, પરંતુ તે દેશના વિકાસ અને પરિવર્તનના સુવર્ણયુગ સમાન છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને રોલ મોડેલ બનાવ્યા બાદ, પ્રધાનમંત્રી તરીકે દેશભરમાં ગરીબી દૂર કરવા, વીજળી,આવાસ, શૌચાલય, આયુષ્માન કાર્ડ, મુદ્રા યોજના અને કિસાન સન્માન નિધિ જેવી અનેકવિધ યોજનાઓ દ્વારા કરોડો નાગરિકોના જીવનમાં અજવાળું પથરાવ્યું છે. તેમણે સાબિત કરી દીધું કે રાષ્ટ્રસેવા જ સર્વોપરી છે. તેમના આ શાસનકાળને કારણે ભારત આજે 'ગોલ્ડન એરા ઓફ ઇન્ડિયન પોલિટિક્સ' તરફ આગળ વધી રહ્યો છે.
મંત્રીશ્રીએ ગ્રામીણ ભારતના ઉત્થાનમાં 'સ્વામિત્વ યોજના' અને 'નીલી ક્રાંતિ' એ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ આપીને ગ્રામીણ વિસ્તારોમાં માલિકી હક પૂરો પાડવામાં આવ્યો છે, જેનાથી ભાઈ-ભાઈ વચ્ચેના જમીન વિવાદો અને ઘરગથ્થુ ઝઘડાઓનો અંત આવ્યો છે તેમજ લોકોને આર્થિક સહાય મેળવવામાં સરળતા મળી છે. બીજી તરફ, અલગ મત્સ્યપાલન વિભાગની રચના બાદ નીલી ક્રાંતિના માધ્યમથી મત્સ્ય ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જે ખેડૂતો અને પશુપાલકોની આર્થિક સધ્ધરતાનું પ્રતિક છે તેમ જણાવ્યું હતું.
આ તકે આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ તકે સ્વામિત્વ યોજના અંગેની જાણકારી આપતી એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 25 વર્ષની ઝાંખી સાથે જ પ્રધાનમંત્રીશ્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા નાગરિકોના સંદેશને દર્શાવતો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે 'સ્વામિત્વ' યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ સાથે જ મત્સ્યોદ્યોગ યોજના અને સ્વામિત્વ કાર્ડ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારી યોજનાઓના ફાયદાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સ્વામિત્વ યોજના અને પીએમ મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થીઓ દ્વારા તેઓને થયેલા લાભો વિશે પોતાના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય હરિત વિકાસ બોર્ડના અધ્યક્ષ ડૉ. દિનેશ શાહ, પંચાયતી રાજ વિભાગના સંયુક્ત સચિવ શ્રી અમિત અગ્રવાલ, ડિરેક્ટર ધર્મેન્દ્રજી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મત્સ્ય સંપદા યોજના અને સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2311719)
મુલાકાતી સંખ્યા : 15