શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

ગાંધીનગરમાં શ્રમ કાયદા અને સામાજિક સુરક્ષા પાલન અંગેનો PDUNASS–GNLU એક્ઝિક્યુટિવ કાર્યક્રમ સંપન્ન

પોસ્ટેડ ઓન: 16 SEP 2026 11:56AM by PIB Ahmedabad

શ્રમ કાયદા અને સામાજિક સુરક્ષા પાલન અંગેના એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EPFO at Core)ની પ્રથમ બેચનો 14 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) ખાતે સમાપન અને પ્રમાણપત્ર વિતરણ સમારોહ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની સર્વોચ્ચ તાલીમ સંસ્થા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ એકેડેમી ઑફ સોશિયલ સિક્યુરિટી (PDUNASS) અને GNLU દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા આ ત્રણ મહિનાના એક્ઝિક્યુટિવ કાર્યક્રમમાં ઉદ્યોગ ક્ષેત્રના 60 વ્યાવસાયિકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સઘન હાઇબ્રિડ શિક્ષણ, વ્યવહારુ કેસ સ્ટડી અને લેખિત મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની પરિકલ્પના શ્રી કુમાર રોહિત, એડિશનલ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર (મુખ્યાલય) અને PDUNASSના નિયામક દ્વારા કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ વર્ગખંડમાં અપાતા સૈદ્ધાંતિક જ્ઞાન અને ઉદ્યોગો દ્વારા કરવામાં આવતા વ્યવહારુ પાલન વચ્ચે પ્રવર્તતા અંતરને દૂર કરવાનો હતો. આ પહેલનો હેતુ કોર્પોરેટ ગવર્નન્સમાં રક્ષણાત્મક અને પ્રતિક્રિયાત્મક પાલનમાંથી જાણકારીસભર અને નૈતિક પાલન તરફ સાંસ્કૃતિક પરિવર્તન લાવવાનો છે.

આ વિઝને GNLUના ડાયરેક્ટર પ્રો.(ડૉ.) એસ. શાંથાકુમાર સાથેના સતત સહયોગ દ્વારા સંસ્થાકીય આકાર લીધો, જેમના શૈક્ષણિક નેતૃત્વ અને પ્રતિબદ્ધતાએ સામાજિક સુરક્ષા શિક્ષણ માટે એક વિશેષ મંચ સ્થાપિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. GNLU ના રજિસ્ટ્રાર ડૉ. નિતિન મલિકે સક્રિય સંસ્થાકીય સુવિધા અને વહીવટી સહયોગ પૂરો પાડ્યો હતો.

આ પ્રોગ્રામની મુખ્ય વિશેષતા તેનો ગતિશીલ અને સતત વિકસતો અભ્યાસક્રમ હતો, જે વૈધાનિક સુધારાઓ, તકનીકી પ્રગતિ અને બદલાતા કાર્યસ્થળના વાતાવરણને સતત પ્રતિસાદ આપવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન ચક્ર દરમિયાન, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020 હેઠળ ટ્રાન્સિશન મિકેનિઝમ્સ, સુધારેલા EPF, EPS અને EDLI સ્કીમ ફ્રેમવર્ક અને લાઈવ EPFO ડિજિટલ પોર્ટલ વર્કફ્લો સાથે જોડાયેલી કાર્યકારી પદ્ધતિઓને સામેલ કરવા માટે અભ્યાસક્રમને વાસ્તવિક સમયમાં અપડેટ કરવામાં આવ્યો હતો.

29 મે, 2026ના રોજ શરૂ કરાયેલ આ પ્રોગ્રામ 5 જૂનના રોજ શરૂ થયો હતો અને તેમાં EPFO નીતિ નિર્માતાઓ અને કાનૂની શિક્ષણવિદો સહિત 16 વરિષ્ઠ સંસાધન વ્યક્તિઓ દ્વારા સંચાલિત 23 ઇન્ટરેક્ટિવ સાંજના સત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામ સપ્ટેમ્બર 9 થી 12 સુધી GNLU ખાતે ચાર દિવસીય કેમ્પસ ઇમર્સનમાં પરિણમ્યો હતો, જેમાં વ્યવહારુ કોમ્પ્લાયન્સ કેસ સ્ટડીઝ અને ઔપચારિક લેખિત મૂલ્યાંકનો સામેલ હતા.

સમાપન સમારોહની અધ્યક્ષતા મુખ્ય અતિથિ ડૉ. જસ્ટિસ કે. જે. ઠાકર, ગુજરાત અને અલ્હાબાદ વડી અદાલતના પૂર્વ ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. સામાજિક કલ્યાણના બંધારણીય અને માનવીય પાસાઓ પર પ્રકાશ પાડતા, જસ્ટિસ ઠાકરે અવલોકન કર્યું કે પ્રોવિડન્ટ ફંડ કાયદો ભારતની કાર્યબળ માટે એક પાયાની સુરક્ષા વ્યવસ્થા બનાવે છે. તેમના વ્યાપક ન્યાયિક અનુભવને આધારે, તેમણે સંયુક્ત સંસ્થાકીય પહેલની પ્રશંસા કરી અને એક મહત્વપૂર્ણ પદ્ધતિસરની જરૂરિયાતને ઓળખવા અને તેને એક પ્રભાવશાળી એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામમાં રૂપાંતરિત કરવા માટે શ્રી કુમાર રોહિતને અભિનંદન આપ્યા હતા.

સહભાગીઓને સંબોધતા શ્રી કુમાર રોહિતે જણાવ્યું હતું કે "આ પહેલ એન્ટરપ્રાઇઝ ગવર્નન્સમાં બચાવ, ચેકલિસ્ટ કોમ્પ્લાયન્સથી માહિતગાર, નૈતિક કોમ્પ્લાયન્સ તરફ સંક્રમણ કરીને એક સ્થાયી સાંસ્કૃતિક પરાવર્તન લાવવા માટે બનાવવામાં આવી છે. જ્યારે સ્ત્રોત પર જ ચોકસાઈ સાથે કોમ્પ્લાયન્સ હાથ ધરવામાં આવે છે, ત્યારે રિટર્ન સ્વચ્છ હોય છે, વહીવટી ઘર્ષણ દૂર થાય છે અને સામાજિક સુરક્ષાના હકો કાર્યકર સુધી ઝડપથી અને ગૌરવ સાથે પહોંચે છે. પ્રથમ બેચ તરીકે, તમારી પાસે ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં આ ધોરણના પ્રેક્ટિશનરો અને રૂપાંતરના દૂતો બનવાની જવાબદારી છે."

આ સમારોહમાં શ્રી સુદીપ્ત ઘોષ, એડિશનલ CPFC (ગુજરાત) અને શ્રી મનોરંજન કુમાર, RPFC-I, PDUNASS સહિતના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ડૉ. હાર્દિક પરીખે પ્રોગ્રામનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં તેના શૈક્ષણિક પરિણામો અને સહભાગીઓના પ્રદર્શનની રૂપરેખા આપવામાં આવી હતી.

આ પ્રથમ પ્રોગ્રામને દેશભરમાંથી મળેલા ભારે પ્રતિસાદને ધ્યાનમાં રાખીને, PDUNASS અને GNLU એ જાહેરાત કરી કે બીજી બેચ માટેના પ્રવેશો ટૂંક સમયમાં ખુલશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2310764) મુલાકાતી સંખ્યા : 16
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी