પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026ના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

પોસ્ટેડ ઓન: 08 SEP 2026 8:14PM by PIB Ahmedabad

આરબીઆઈના ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાજી, ગ્લોબલ ફિનટેક ફેસ્ટના ચેરમેન ક્રિસ ગોપાલકૃષ્ણનજી, ફિનટેક વર્લ્ડના તમામ ઇનોવેટર્સ, લીડર્સ અને ઇન્વેસ્ટર્સ, દેવીઓ અને સજ્જનો.

ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં દેશ-વિદેશથી આવેલા તમામ અતિથિઓ અને ડેલિગેટ્સનું હું અભિનંદન કરું છું. મને ખુશી છે કે આજે અહીં એક બીજી હેટ્રિક લાગી છે. એક હેટ્રિક તો 2024માં ત્રીજી વખત સરકાર બનવાથી લાગી હતી, અને એક હેટ્રિક આપ સૌની વચ્ચે આવવા સાથે જોડાયેલી છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં સતત આ મારું ત્રીજું વર્ષ છે. આ હેટ્રિક દર્શાવે છે કે વિકસિત ભારત માટે આપ કેટલા મહત્વપૂર્ણ છો, આપનું કામ કેટલું મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

દરેક વખતે જ્યારે હું અહીં આવું છું, તો મને પહેલાં કરતાં વધુ યુવાનો જોવા મળે છે, પહેલાં કરતાં વધુ ઊર્જા અનુભવાય છે. મને શક્યતાઓનો દાયરો વિસ્તરતો દેખાય છે. એ સ્પષ્ટપણે લાગે છે કે રિસ્ક લેવાની ક્ષમતા વધી રહી છે, સપનાઓ વધુ બોલ્ડ થઈ રહ્યા છે. અને એટલા માટે, વિકસિત ભારતના ભવિષ્યને લઈને મારો વિશ્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે.

સાથીઓ,

ફિનટેકની આ ઊર્જા વચ્ચે જ મુંબઈમાં સાંસ્કૃતિક ઊર્જા પણ આ દિવસોમાં ચરમસીમા પર છે. થોડા જ દિવસોમાં મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. અમારે ત્યાં દરેક શુભ કાર્ય પહેલાં ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે. હું ગણપતિ બાપ્પાને નમન કરતાં, આપ સૌને ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 માટે ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

સાથીઓ,

દુનિયાની સ્થિતિ શું છે, એ આપ સૌ ભલીભાંતિ જાણો છો. દુનિયા સંઘર્ષો અને અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઊર્જા અને કોમોડિટીઝની સપ્લાય ચેઈન પર દબાણ છે, વેપારને લઈને પણ તણાવ છે. અને આ પરિસ્થિતિઓ કેટલાય મહિનાઓથી બનેલી છે. આમાં પણ એપ્રિલથી જૂનનો ક્વાર્ટર સૌથી પડકારજનક રહ્યો છે. અને આમાં પણ જ્યારે ભારત, 7.8 ટકાના દરે ગ્રો કરે છે, તો દુનિયાને એક નવો ભરોસો મળે છે. અને આ જે વિશ્વાસ છે, તે હું અહીં આપ સૌના ચહેરા પર પણ સ્પષ્ટપણે જોઈ રહ્યો છું.

સાથીઓ,

ભારત પર આ વધતા વિશ્વાસનું એક બીજું ઉદાહરણ આપણી સોવરેન રેટિંગ્સ પણ છે. તાજેતરમાં જ, જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સીએ ભારતની સોવરેન રેટિંગ્સને A-કેટેગરીમાં અપગ્રેડ કરી છે. અપગ્રેડ થવું તો ખુશીની વાત છે, પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ સૌભાગ્ય ત્રણ દાયકા પછી આવ્યું છે, ત્રીસ વર્ષ પછી. આ દર્શાવે છે કે ભારતના ગ્રોથ મોમેન્ટમ, આપણી મેક્રો-ઈકોનોમિક સ્ટેબિલિટી, અને જે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ વીતેલા વર્ષોમાં કર્યા છે, તે બધાને લઈને દુનિયા કેટલી આશ્વસ્ત છે. અને હું ફરી કહીશ કે ભારતની આ રિફોર્મ એક્સપ્રેસ વધુ તેજ ગતિથી આગળ વધશે.

સાથીઓ,

ભારતની ફિનટેક સ્ટોરી અદ્ભુત રહી છે. અને એનો એક મોટો ચેમ્પિયન છે- આપણું UPI. મેં ગયા વર્ષે પણ આની ચર્ચા કરી હતી. પરંતુ આ એટલું મોટું ટ્રાન્સફોર્મેશન છે કે જ્યારે પણ ફિનટેકની ચર્ચા થશે, તો તે UPI વિના અધૂરી જ રહેશે.

સાથીઓ,

હજુ થોડા દિવસો પહેલાં, 25 ઓગસ્ટે UPI એ પોતાના 10 વર્ષ પૂરા કર્યા છે. 10 વર્ષ પહેલાં જ્યારે હું કહેતો હતો કે આપણું બેંક ખાતું આપણી આંગળીના ટેરવે હશે, તો કેટલાક લોકોને આ અશક્ય લાગતું હતું અને હું વેલ ઈન્ફોર્મ્ડ લોકોની વાત કરી રહ્યો છું, ચહેરો યાદ કરી લો. હું એ કરોડો ભારતીયોની વાત નથી કરી રહ્યો, જેમના ત્યારે બેંક એકાઉન્ટ પણ નવા-નવા ખુલ્યા હતા. તેમની તો અનેક પેઢીઓએ બેંકનો દરવાજો પણ જોયો નહોતો. પરંતુ આજે 10 વર્ષ પછી જુઓ, એ જ કરોડો લોકો, જે પેઢીઓથી બેંકિંગ સિસ્ટમથી બહાર હતા, તેઓ ભારતમાં ફિનટેક ગ્રોથના મોટા ડ્રાઈવર બની ગયા છે.

સાથીઓ,

આજે એકલા ઓગસ્ટ મહિનામાં જ UPI થી ચોવીસ સો કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. એટલે કે આપણે અહીં જેટલી વારથી બેઠા છીએ, માત્ર 10 મિનિટમાં જ, સરેરાશ 50 લાખથી વધુ UPI ટ્રાન્ઝેક્શન્સ દેશભરમાં થઈ ચૂક્યા હશે. આ જ ઈમ્પેક્ટ છે જેના કારણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ કહ્યું, તેમણે કહ્યું હતું કે UPI માત્ર એક ટેક સ્ટોરી નથી, આ એક સિવિલાઈઝેશનલ સ્ટોરી છે.

અને સાથીઓ,

UPI હવે માત્ર ભારત સુધી સીમિત નથી. કેટલાક વર્ષો પહેલાં અહીં કોઈ કહેત કે વિદેશમાં પણ ભારતના બેંક એકાઉન્ટથી પેમેન્ટ કરી દેશે, તો ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરત. પરંતુ આજે, આ એક હકીકત છે. ભારતનું UPI હવે દુનિયાના 11 દેશોમાં લાઈવ છે. આ અદ્ભુત આંકડા છે, જે આપણને બતાવે છે કે આપણે કેટલી લાંબી સફર પુરી કરી છે. પરંતુ હવે સવાલ એ છે કે શું આપણે આ સફરથી સંતુષ્ટ થઈ જઈએ? શું ભારતમાં ફિનટેકની સફળતાને જ ફાઈનલ માની લેવામાં આવે?

સાથીઓ,

પોલિસી અને ગવર્નન્સથી જોડાયેલા ઈકોસિસ્ટમમાં મને હવે 25 વર્ષ પૂરા થવા આવ્યા છે. અને જેણે પણ મને આ વર્ષોમાં જોયો છે, તેઓ જાણે છે, મોદી એક પડાવ પર પહોંચીને, જશ્ન મનાવીને સંતુષ્ટ થનારાઓમાંથી નથી. જ્યારે એક લક્ષ્ય પ્રાપ્ત થાય છે, તો હું એનાથી પણ મોટા લક્ષ્યની તૈયારીમાં લાગી જાઉં છું.

સાથીઓ,

આજે આપણું UPI કેટલાય દેશોમાં પહોંચ્યું છે. પરંતુ આ ફર્સ્ટ સ્ટેપ છે. હવે એ દેશોના પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડાવું આપણું આગળનું લક્ષ્ય હોવું જોઈએ. સિંગાપુર સાથે આપણે આ કરી ચૂક્યા છીએ. આનાથી ભારત અને સિંગાપુર વચ્ચે ટ્રાન્ઝેક્શન એમ જ થઈ રહ્યા છે, જેમ એક જ શહેરના બે મહોલ્લાઓ વચ્ચે થાય છે. આ જ કનેક્શન આપણે, અન્ય દેશો, અન્ય બજારોમાં પણ બિલ્ડ કરવાનું છે, આ જ લક્ષ્યને લઈને આગળ વધવું પડશે. જ્યાં પણ ભારતીયો મોટી સંખ્યામાં રહે છે, જ્યાં પણ ભારત, મોટા પાયે વેપાર કરે છે, દુનિયાનો જે પણ દેશ આપણી સાથે ચાલવા તૈયાર છે, આપણે એ બધાને જોડવા માટે કામ કરવું પડશે.

સાથીઓ,

આ એટલા માટે પણ જરૂરી છે, કારણ કે વિદેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે. અને દુનિયામાં સૌથી વધુ ભારતીયો જ વિદેશથી પૈસા મોકલે છે. પરંતુ આજે એ પૈસાનો એક હિસ્સો, ટ્રાન્ઝેક્શન કોસ્ટમાં જતો રહે છે. UPI, ભારતીયોને આમાં પણ બચત કરાવી શકે છે, અને પૈસા ઝડપથી ભારતીય પરિવારો પાસે પહોંચી શકે છે.

સાથીઓ,

આજે આપ ભારતમાં કાર્ડથી પેમેન્ટ કેવી રીતે કરો છો? આ સિસ્ટમ એ સ્ટાન્ડર્ડ્સ પર ચાલે છે, જે ક્યાંક બીજે ડિઝાઈન કરવામાં આવ્યા હતા. આપણે એ સ્ટાન્ડર્ડ્સ અને નિયમોને અપનાવ્યા, જે બીજાઓએ બનાવ્યા હતા. એ સમયે, આપણી પાસે આપણો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ હવે આપણી પાસે આપણો વિકલ્પ છે, હવે આપણે આપણા પોતાના નિયમો અને સ્ટાન્ડર્ડ બનાવી શકીએ છીએ, અને તેમને દુનિયા સાથે જોડી શકીએ છીએ. મને આપ સૌ પર પૂરો ભરોસો છે કે આપ આ કરી શકો છો.

સાથીઓ,

ટેકનોલોજી, ઈન્ક્લુઝનનું સૌથી પ્રભાવશાળી સાધન છે. અને UPI એ આ કરીને બતાવ્યું છે. જ્યારે ફિનટેકની વાત આવે છે, તો એનું યુનિક ફીચર જ ત્યાં પહોંચવાનું હોવું જોઈએ, જ્યાં ટ્રેડિશનલ મોડલ નથી પહોંચી શક્યા. જ્યાં પરંપરાગત બેંકો નથી પહોંચી શકી, જ્યાં બેંક બ્રાંચ નથી પહોંચી શકી, UPI એ બેંકિંગ વ્યવસ્થાને એ સ્થાન, એ વ્યક્તિ સુધી પહોંચાડી દીધી છે.

સાથીઓ,

આજે ફિનટેક બજારનો એક મોટો હિસ્સો માત્ર પેમેન્ટ્સનો છે. પરંતુ હવે આપણે, અહીંથી નેક્સ્ટ લેવલ પર જવાનું છે, ઝડપથી જવાનું છે. હવે ફિનટેક માર્કેટમાં, પેમેન્ટ્સની સાથે-સાથે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન્સનો હિસ્સો પણ વધવો જોઈએ, ઈન્સ્યોરન્સનો હિસ્સો વધવો જોઈએ, સેવિંગ્સ, ઈન્વેસ્ટમેન્ટ્સ અને પેન્શનનો હિસ્સો વધવો જોઈએ.

સાથીઓ,

હું સમજુ છું ફિનટેક દેશની એ તાકાતને ઉભારી શકે છે, જે હજુ ટ્રેડિશનલ ફાઈનાન્શિયલ મોડલ્સની પહોંચથી બહાર છે, અથવા એ પ્રકારે એડ્રેસ નથી થઈ રહી. વિકસિત ભારત માટે, આ તાકાતનું ઉભરવું ખૂબ જરૂરી છે.

સાથીઓ,

આની ઈમ્પેક્ટ શું થાય છે, આ આપણે હમણાં પીએમ સ્વાનિધિની સફળતાથી જોઈ જ રહ્યા છીએ. આપણા સ્ટ્રીટ વેન્ડર્સ શહેરોની કરોડરજ્જુ છે. પરંતુ આ દેશની બેંકિંગ સિસ્ટમથી, ફોર્મલ ક્રેડિટ સિસ્ટમથી બહાર હતા. પીએમ સ્વાનિધિએ, દેશના લાખો સ્ટ્રીટ વેન્ડર્સને ફોર્મલ સિસ્ટમ સાથે જોડ્યા. અને હવે આ સાથીઓ પાસે પણ સ્વાનિધિ ક્રેડિટ કાર્ડ છે, એટલે કે એમની પાસે, એક ફોર્મલ ક્રેડિટ એક્સેસનું ટૂલ છે. અને અભ્યાસો બતાવે છે, કે સ્વાનિધિના આ લાભાર્થીઓની એવરેજ એન્યુઅલ ઈનકમ વીસ ટકાથી વધુ વધી છે. એટલું જ નહીં, આનાથી આ પરિવારોના હાઉસિંગ, ન્યુટ્રિશન, હેલ્થકેર એક્સેસ અને બાળકોના એજ્યુકેશન, આમાં પણ ખૂબ સુધારો થયો છે. એટલા માટે સરકારે આ સ્કીમને 2030 સુધી લંબાવવાનો નિર્ણય પણ લીધો છે.

સાથીઓ,

પીએમ સ્વાનિધિને આ સફળતા હાસિલ જ ન થઈ હોત, જો UPI જ ન હોત. આ સ્કીમની સફળતામાં UPIની એક ખૂબ મોટી ભૂમિકા છે. આ જ અનુભવથી શીખતા આપણે ફિનટેકની તાકાતથી ઈકોનોમિક એક્ટિવિટીઝને વધુ વધારવાની છે. હું તમને કેપિટલ અને ક્રેડિટની દુનિયામાંથી એક ઉદાહરણ આપું છું. એક બહેન છે, જે એક નાની દુકાન ચલાવે છે. એને દરરોજ ડિજિટલ પેમેન્ટ મળે છે. હવે એની ઈનકમ અને ખર્ચમાં એક ક્લિયર પેટર્ન દેખાય છે. એનો બિઝનેસ કાફી સારો ચાલી રહ્યો છે. એ એ લેવલથી આગળ વધી ચૂકી છે, જ્યાં ઓછી કેપિટલ પણ કાફી હતી. હવે એને પોતાના બિઝનેસને સ્કેલ-અપ કરવા માટે, સામાન જોઈએ, ઈક્વિપમેન્ટ્સ જોઈએ, અને આના માટે થોડા વધુ પૈસાની જરૂર છે. આ ખૂબ મોટો ક્રેડિટ નથી. અને એ બહેનનો બિઝનેસ હજુ પણ એટલો નાનો છે, કે ટ્રેડિશનલ ક્રેડિટ મોડલ, એને એફિશિયન્ટ સર્વિસ નથી આપી શકતા. આ પ્રકારના બિઝનેસ છે, જેમના જરૂરિયાતોને ફિનટેક, એનાલાઈઝ, એન્ટિસિપેટેડ અને એડ્રેસ કરી શકે છે. અને આવા બિઝનેસીસની સંખ્યા ખૂબ મોટી છે.

સાથીઓ,

ટેકનોલોજી આપણને આવા બિઝનેસીસની ઈકોનોમિક એક્ટિવિટીઝને સ્ટડી કરવા અને તેમના માટે ક્યુરેટેડ મોડલ ડિઝાઈન કરવામાં ખૂબ કામ આવી શકે છે. મારું માનવું છે કે ફિનટેકનું નેક્સ્ટ ચેપ્ટર, અહીં જ લખવામાં આવશે. આપણે પેમેન્ટ્સમાં સ્પીડ અને સ્કેલ બતાવ્યા છે. હવે, આપણે નોન-પેમેન્ટ્સ ટ્રાન્ઝેક્શન્સનો શેર વધારવામાં મદદ કરવી પડશે. જેમ કે કોઈ ડિલિવરી પાર્ટનર છે, અથવા પોતાનું કોઈ નાનું-મોટું કામ કરવા વાળી વ્યક્તિ છે, એ દર મહિને કમાય છે, પરંતુ એને સેવિંગ્સ અને પેન્શન પ્રોડક્ટ્સ જેવી સર્વિસીસ સુધી એક્સેસ જોઈએ. આવા લોકોની જરૂરિયાતોને ફિનટેક એડ્રેસ કરી શકે છે. એવા જ ફિનટેક, ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ અને અન્ય ફાઈનાન્શિયલ સર્વિસીસ સુધી પણ એક્સેસ સરળ બનાવી શકે છે. આ બધું પણ એટલું જ સરળ, સહજ અને સુલભ થઈ શકે છે, જેટલું આસાન, આજે ક્યુઆર કોડથી પેમેન્ટ કરવાનું છે.

સાથીઓ,

21મી સદીનો પહેલો ક્વાર્ટર પૂરો થઈ ચૂક્યો છે. હવે આપણે સાલ 2026માં છીએ. હવે બીજો ક્વાર્ટર આપણા માટે વધુ નવી શક્યતાઓ લઈને આવ્યો છે. Agentic AI, Tokenisation, Quantum, એવી ટેકનોલોજીસ ફાઈનાન્શિયલ સેક્ટરમાં નવી શક્યતાઓના દ્વાર ખોલી રહી છે. હવે આપણી સામે પડકાર છે, આ શક્યતાઓને વાસ્તવિક ઈમ્પેક્ટમાં કેવી રીતે બદલીએ. અને આના માટે, હું ઈચ્છું છું, આપણી ફિનટેક કંપનીઓ સાથે મળીને કેટલાક ટાસ્ક પોતાના માટે સેટ કરે. અને આના માટે હું કેટલાક સૂચનો પણ આપની વચ્ચે રાખવા માગું છું. પહેલું- આપણે ભારતમાં સાયબર સિક્યોરિટીને ટોપ નોચ બનાવવાની છે. બીજું- આપણી ઈન્ડસ્ટ્રી પાસે પોતાના ઈથિકલ ડેટા પ્રોટેક્શન સ્ટાન્ડર્ડ્સ હોવા જોઈએ. ત્રીજું- આપણે એક મજબૂત, ફિનટેક રેગ્યુલેટર ઈન્ડસ્ટ્રી ઈનોવેશન ઈકોસિસ્ટમ બનાવવાનું છે. અને ચોથું, આપણી પાસે એક, ફિનટેક કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈન્ડેક્સ હોવો જોઈએ. જેના આધારે દરેક કંપનીનું પારદર્શી રેટિંગ થઈ શકે. જો આપણે આ કસોટીઓ પર પોતાને કસીશું, તો ભારતનું ફિનટેક સેક્ટર અસંખ્ય શક્યતાઓનું ગેટવે બની શકે છે. આપણી પાસે અનુભવ પણ છે, એને જમીન પર ઉતારવાનો રસ્તો પણ છે. એટલા માટે આપણે તેજીથી કામ કરવાનું છે.

સાથીઓ,

ડિજિટલ ઈન્ડિયાની સક્સેસ સ્ટોરી હવે એક નવા અધ્યાય માટે તૈયાર છે. આપણી ફિનટેક સક્સેસ સ્ટોરીની અત્યાર સુધીની સફળતા, સ્કેલ છે, સ્કોપ છે, સિક્યોર સિસ્ટમ્સ છે, ડેમોક્રેટાઈઝેશન ઓફ ટેકનોલોજી છે, અને જનતાનો ટ્રસ્ટ છે. આ જ કોર વેલ્યુઝને ધ્યાનમાં રાખતા, ફિનટેક સેક્ટરે, નેક્સ્ટ જનરેશન ઈનોવેશન પર ફોકસ કરવાનું છે. આ જ આગ્રહ સાથે, આપ સૌને એક વાર ફરીથી ખૂબ-ખૂબ શુભકામનાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2308063) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , हिन्दी