રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) દ્વારા ગાંધીનગર ખાતે કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કરાયું
પોસ્ટેડ ઓન:
03 SEP 2026 8:35PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે 2 અને 3 સપ્ટેમ્બર 2026 ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે પૂર્ણ આયોગ કેમ્પ સિટિંગ અને ઓપન હિયરિંગનું આયોજન કર્યું હતું.
02.09.2026 ના રોજ, NHRC ના અધ્યક્ષ શ્રી જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યન, સભ્યો ડૉ. જસ્ટિસ વિદ્યુત રંજન સારંગી અને શ્રીમતી વિજયા ભારતી સયાની સાથે 45 કેસોની સુનાવણી કરી હતી. આ સુનાવણીમાં ફરિયાદીઓ, રાજ્યના સત્તાધિકારીઓ અને સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી, જે પારદર્શિતા અને જવાબદારી પ્રત્યે આયોગની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

કાર્યવાહી દરમિયાન, પક્ષકારોને સાંભળ્યા પછી અને પાલન અહેવાલોની સમીક્ષા કર્યા પછી આયોગે 27 કેસો બંધ કર્યા હતા. ઘણા કિસ્સાઓમાં, વળતર ચુકવણીના પુરાવા સબમિટ કરવામાં આવ્યા હતા, જે પીડિતો અને તેમના પરિવારો માટે પ્રત્યક્ષ રાહત દર્શાવે છે. માનવ અધિકારોના ઉલ્લંઘન માટે ન્યાય અને નિવારણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ચિહ્નિત કરતા, કુલ મળીને આશરે 3.5 કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
માનવ અધિકાર ઉલ્લંઘનના કેટલાક ગંભીર બાબતો હાથ ધરવામાં આવી હતી. એક કેસમાં જ્યાં એક મહિલાની યોગ્ય નોટિસ વિના કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, ત્યાં રૂ. 7.5 લાખના વળતરની ભલામણ કરવામાં આવી છે.

કસ્ટડીમાં મોત, નાગરિક બેદરકારીને કારણે થતા મૃત્યુ અને પોલીસ અત્યાચારની બાબતો ઉપરાંત, બાળકોને આવરી લેતા દુઃખદ કેસો પણ સાંભળવામાં આવ્યા હતા. એક કેસમાં જ્યાં એક બાળકને કૂતરો ઉપાડી ગયો હતો પરંતુ તે ક્યારેય મળ્યો ન હતો, વગેરે કેસોમાં પરિવારો માટે વળતરની ભલામણ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતની ફેક્ટરીઓમાં કામદારોના મોતને લગતા કેસો પણ સાંભળવામાં આવ્યા હતા. ભરૂચમાં, એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ અને વિસ્ફોટ બાદ, પાંચ કામદારોએ જીવ ગુમાવ્યા હતા અને તેમના પરિવારોને વળતર મળ્યું હતું. દહેજમાં એક કેમિકલ પ્લાન્ટમાં બનેલી અન્ય એક દુઃખદ ઘટનામાં, ઝેરી ગેસ શ્વાસમાં જવાથી ચાર કામદારોના મોત થયા હતા, અને તેમના પરિવારોને કુલ રૂ. 2 કરોડથી વધુની રકમનું વળતર આપવામાં આવ્યું હતું. તેવી જ રીતે, અમદાવાદમાં, એક મોટું જાહેરાતનું હોર્ડિંગ ધરાશાયી થતાં ત્રણ કામદારોના મોત થયા હતા, જેમાં જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જોકે વળતરની વિગતો પેન્ડિંગ છે. આ કેસો આયોગના દ્રઢ વલણને પ્રતિબિંબિત કરે છે કે ઔદ્યોગિક બેદરકારીને કારણે થતા જાનમાલના નુકસાન સામે જવાબદારી અને પીડિત પરિવારો માટે અર્થપૂર્ણ નિવારણ બંને હોવા જોઈએ.
આયોગે શાળાના માળખાકીય સુવિધાઓની નિષ્ફળતા અને અનુસૂચિત જાતિ સમુદાયો માટે સ્મશાનગૃહના અભાવના મુદ્દાઓ પણ હાથ ધર્યા હતા, અને સુધારાત્મક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
03.09.2026 ના રોજ, માનનીય અધ્યક્ષ, NHRC એ કથિત બંધુઆ મજૂરીના 27 કેસો સાંભળ્યા હતા. શ્રમ સચિવ, ગુજરાત અને સંબંધિત જિલ્લાના કલેક્ટરશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોગે કલેક્ટરશ્રીઓની રજૂઆતો સાંભળી હતી અને કેસોમાં મળેલા અહેવાલો પર વિચારણા કરવામાં આવી હતી. માનનીય અધ્યક્ષશ્રીએ મહિલાઓ અને બાળકો સહિતના પરિવારો સાથે વ્યવહાર કરતી વખતે સંવેદનશીલ અને દયાળુ રહેવા સત્તાધિકારીઓને સંવેદનશીલ બનાવ્યા હતા, અને આવી ફરિયાદોનો નિકાલ કરતી વખતે ગેરકાયદે મજૂરીના લક્ષણો ધ્યાનમાં લેવાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આયોગની ડિવિઝન બેન્ચ જેમાં સભ્યો, જસ્ટિસ (ડૉ.) વિદ્યુત રંજન સારંગી અને શ્રીમતી વિજયા ભારતી સયાનીનો સમાવેશ થાય છે, તેમણે 57 કેસોની સુનાવણી કરી હતી, જેમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની અન્ય ફરિયાદો અને પાલનની બાબતોનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન, પક્ષકારોને સાંભળ્યા પછી અને મૃતકના નજીકના સગાને રૂ. 27 લાખના વળતરની ચુકવણીના પુરાવા સાથેના પાલન અહેવાલોની સમીક્ષા કર્યા પછી આયોગે 46 કેસો બંધ કર્યા હતા. અન્ય બાબતોમાં, સત્તાધિકારીઓ પાસેથી વધુ અહેવાલો માગવામાં આવ્યા છે.
આયોગે NGO/CSO ના પ્રતિનિધિઓ અને માનવ અધિકાર રક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનું વધુ સારું અમલીકરણ, POCSO સર્વાઇવર્સને ન્યાય, નાની વયની છોકરીઓ માટે સંસ્થાકીય સંભાળ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, અસંગઠિત ક્ષેત્રમાં POSH એક્ટ 2013 ના અમલીકરણ સંબંધિત મુદ્દાઓ વગેરે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સહભાગીઓ NHRC સાથે વધુ સારું સંકલન ઇચ્છતા હતા જેનો NHRC ના અધ્યક્ષ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જ્યાં અહેવાલો રજૂ ન કરવા, ગેરકાયદે મજૂરીના મુદ્દાઓ પર સત્તાધિકારીઓને સંવેદનશીલ બનાવવાની જરૂરિયાત, પોલીસ દ્વારા માનવ અધિકારોનું ઉલ્લંઘન, દારૂબંધીના કાયદાના યોગ્ય અમલીકરણનો અભાવ વગેરે જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રીએ અધિકારીઓનો તેમના સહયોગ બદલ આભાર માન્યો હતો જેનાથી પીડિતોને રાહત આપવામાં મદદ મળી હતી.
કેમ્પ સિટિંગ/ઓપન હિયરિંગનો અંત મીડિયા બ્રીફિંગ સાથે થયો હતો.
(રીલીઝ આઈડી: 2306575)
મુલાકાતી સંખ્યા : 8