માનવ સંસાધન વિકાસ મંત્રાલય
આઈઆઈટી ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશને એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને સહયોગ આપવા માટે હાથ મિલાવ્યા
આઈઆઈટીજીએનના 13 મહિલા વિદ્યાર્થીઓને ‘રૂપા રાહુલ બજાજ સ્કોલરશીપ’ મળી; સ્કોલરશીપ અને સ્કોલર-ડેવલપમેન્ટ પહેલોને મજબૂત કરવા માટે MoU પર હસ્તાક્ષર
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 4:18PM by PIB Ahmedabad
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) ની તેર મહિલા વિદ્યાર્થીઓ 'રૂપા રાહુલ બજાજ સ્કોલરશીપ ફોર વુમન ઈન એન્જિનિયરિંગ' (RRBSWE) ના પ્રાપ્તકર્તાઓમાં સામેલ છે. આ કાર્યક્રમનો હેતુ અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ શિક્ષણ મેળવતી તેજસ્વી મહિલાઓને સહાય કરવાનો અને એન્જિનિયરિંગ તથા મેન્યુફેક્ચરિંગ કારકિર્દીમાં મહિલાઓની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે.
આ સ્કોલરશીપ મેન્ટરશીપ, ઈન્ડસ્ટ્રી એક્સપોઝર, પ્રોફેશનલ ડેવલપમેન્ટ, લીડરશીપ ડેવલપમેન્ટ, વેલબીઇંગ સપોર્ટ અને એચિવર પૂર્વ વિદ્યાર્થીઓના જોડાણની તકો સાથે નાણાકીય સહાય પૂરી પાડે છે.

આ પ્રસંગે સ્કોલરશીપ કાર્યક્રમ હેઠળ ભાગીદારીને મજબૂત કરવા માટે ઓગસ્ટ 27, 2026 ના રોજ IITGN અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. MoU એક સહયોગી માળખું સ્થાપિત કરે છે જેમાં સ્કોલરશીપ જાગરૂકતા અને આઉટરીચ, વિદ્યાર્થી અરજી સહાય, વિદ્યાર્થી અને શૈક્ષણિક માહિતીનું સત્યાપન, સ્કોલરશીપ વિતરણ અને નવીકરણ સંબંધિત સમન્વય, અને સ્કોલર જોડાણ તથા વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં સ્કોલરશીપ પ્રાપ્તકર્તાઓ અને IITGN તથા બજાજ ઓટો ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી, જેમાં પ્રો. રજત મુના, નિયામક, IITGN; પ્રો. પ્રતીક મુથા, ડીન, ઇન્સ્ટિટ્યૂશનલ એડવાન્સમેન્ટ, IITGN; પ્રો. મનીષ કુમાર, ડીન, સ્ટુડન્ટ અફેર્સ, IITGN; અને શ્રી સુધાકર ગુડીપાટી, વાઇસ પ્રેસિડેન્ટ - સીએસઆર, બજાજ ગ્રુપનો સમાવેશ થાય છે.

ભાગીદારી પાછળના સહિયારા મૂલ્યો પર પ્રકાશ પાડતા, IITGN ના નિયામક પ્રો. રજત મુનાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ અને મહિલાઓની ભાગીદારી પ્રત્યે બજાજની કટિબદ્ધતા એવા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે જે અમે IIT ગાંધીનગરમાં મજબૂત રીતે ધરાવીએ છીએ. સંસ્થાએ મહિલાઓ માટે વધુ તકો ઊભી કરવા માટે સભાન પ્રયાસ કર્યો છે. અમે આ ભાગીદારીને ઊંડાણપૂર્વક મૂલ્ય આપીએ છીએ અને તેને પરસ્પર સહાયક સંબંધ તરીકે જોઈએ છીએ, જેમાં આખરી લાભાર્થી વિદ્યાર્થીઓ છે.”
આ પહેલ પાછળના વિઝન પર પ્રકાશ પાડતા, બજાજ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ – સીએસઆર શ્રી સુધાકર ગુડીપાટીએ જણાવ્યું હતું કે, “અમે તેજસ્વી મહિલા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ટેકો આપવા અને વધુ મહિલાઓને આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવા માગતા હતા. વ્યાપક સંશોધન પછી, અમને એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપમાં, ખાસ કરીને જેઓ તેજસ્વી છે તેમના માટે એક અંતર (ગેપ) જોવા મળ્યું. આ કાર્યક્રમ દ્વારા, અમારો ઉદ્દેશ્ય તેમના શિક્ષણમાં રોકાણ કરવાનો, તેમને વ્યાપક એક્સપોઝર આપવાનો અને દેશના ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે આ કાર્યક્રમનો વિસ્તાર થશે અને આગામી વર્ષોમાં ઘણા વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાશે.”

ભાગીદારી વિશે વાત કરતા, IITGN ના ડીન (ઇન્સ્ટિટ્યૂશનલ એડવાન્સમેન્ટ) પ્રો. પ્રતીક મુથાએ મહિલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને વ્યાવસાયિક સફરમાં સપોર્ટ કરવામાં સ્કોલરશીપની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. પ્રો. મનીષ કુમાર, ડીન (સ્ટુડન્ટ અફેર્સ), IITGN એ વિદ્યાર્થીઓને નાણાકીય અડચણો દૂર કરવા અને તેમની આકાંક્ષાઓ સાકાર કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાયના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
આ ઇવેન્ટે સ્કોલરશીપ પ્રાપ્તકર્તાઓને તેમના અનુભવો શેર કરવા માટે અને IITGN તથા બજાજ ઓટો ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સાથે જોડાવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ એમ્બેસેડરનું સન્માન અને પ્રમાણપત્ર વિતરણ શામેલ હતું, ત્યારબાદ સ્કોલર્સ માટે બજાજ ઓટો ફાઉન્ડેશન દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
પોતાનો અનુભવ શેર કરતા, IITGN માં BTech સેકન્ડ-યર મિકેનિકલ એન્જિનિયરિંગની વિદ્યાર્થીની અને સ્કોલરશીપ પ્રાપ્તકર્તા શાંભવી કુમારીએ જણાવ્યું હતું કે, “આ સ્કોલરશીપ મેળવીને મને ગર્વ અને મૂલ્યવાન અનુભવ થાય છે. જેણે મારા પરિવાર પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે અને, સૌથી મહત્ત્વની વાત એ છે કે, મને આત્મવિશ્વાસ આપ્યો છે કે કોઈ મારી ક્ષમતામાં વિશ્વાસ રાખે છે. હું એન્જિનિયરિંગ દ્વારા સમાજ અને રાષ્ટ્રમાં યોગદાન આપવાની આશા રાખું છું.”
IITGN માં BTech, સેકન્ડ-યર ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વિદ્યાર્થીની, સ્કોલરશીપ પ્રાપ્તકર્તા અને આ સ્કોલરશીપ પ્રોગ્રામ માટે સ્ટુડન્ટ એમ્બેસેડર અલ્કા કુશવાહાએ જણાવ્યું હતું કે, “સ્કોલરશીપ મેળવવાથી મને આત્મવિશ્વાસની લાગણી થઈ કે કોઈ મારા શિક્ષણમાં વિશ્વાસ રાખે છે અને મને આગળ વધતી જોવા માગે છે. મારા બીજા વર્ષમાં ફરીથી પસંદગી થવી, અને બાદમાં રૂપા રાહુલ બજાજ સ્કોલરશીપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ થવાથી આ સફર વધુ અર્થપૂર્ણ બની છે. મારી સફરનો હિસ્સો બનવા બદલ હું બજાજની ખરેખર આભારી છું.”
(રીલીઝ આઈડી: 2304246)
મુલાકાતી સંખ્યા : 26