ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં 9મી બે-દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના (NSS) પરિષદ-2026નું ઉદ્ઘાટન કર્યું
प्रविष्टि तिथि:
24 AUG 2026 9:40PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં 9મી બે-દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના (NSS) પરિષદ-2026 નું ઉદ્ઘાટન કર્યું હતું.

ઉદ્ઘાટન પહેલાં, કેન્દ્રીય ગૃહમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાની રક્ષા કરવા માટે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ઇન્ટેલિજન્સ બ્યુરોના બહાદુર કર્મચારીઓની યાદમાં શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
હાઇબ્રિડ મોડમાં યોજાયેલી આ પરિષદમાં દેશભરમાંથી 850 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. ગૃહ રાજ્ય મંત્રીઓ, કેન્દ્રીય ગૃહ સચિવ, ડેપ્યુટી NSA, CAPFs/CPOs ના વડાઓ દિલ્હીમાં આ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના DGsP, ગ્રાઉન્ડ લેવલે કામ કરતા યુવા પોલીસ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો વર્ચ્યુઅલ મોડ દ્વારા પરિષદમાં જોડાયા હતા.

પરિષદના પ્રથમ દિવસે, રાષ્ટ્રીય સુરક્ષાના જટિલ પાસાઓ પર ચર્ચા કેન્દ્રિત રહી હતી, જેમાં આતંકવાદ વિરોધી પડકારોનો સામનો કરવો, મલ્ટી એજન્સી સેન્ટર (MAC) દ્વારા ગુપ્ત માહિતીનું સંકલન, વિશ્લેષણ અને અમલીકરણ, નશીલા દ્રવ્યોના નિયંત્રણ પરનું વિઝન ડોક્યુમેન્ટ, ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ઓળખ અને ડિપોર્ટેશન, સાયબર ગુનાઓ અને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત પ્રોક્સી વોરફેર સામે લડવા માટે નીતિગત માળખું સામેલ છે.
આતંકવાદ અને કટ્ટરપંથનો અસરકારક સામનો કરવા માટે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે MHA ની 'પ્રહાર' (PRAHAAR) યોજનાના અમલીકરણ માટે તાલીમ આપવા, ભાગેડુઓને પાછા લાવીને કેસનો ઝડપી નિકાલ કરવા અને ગેરહાજરીમાં ટ્રાયલ (trial in absentia) ની જોગવાઈઓનો ઉપયોગ કરવા તેમજ UAPA કેસોની તપાસ કરતી વખતે વ્યાપક અને એકીકૃત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગૃહમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે વિવિધ રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે SOPs બનાવવાના હેતુથી MAC પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીનું AI-આધારિત વિશ્લેષણ કરવામાં આવે. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ એજન્સીઓને ઘૂસણખોરી સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

પરિષદના બીજા દિવસે સબ-એરિયલ સિસ્ટમ્સના જોખમો અને તેના ઉકેલો તૈયાર કરવા, બ્લુ ઇકોનોમીને સુરક્ષિત કરવા, માહિતી યુદ્ધ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અને બાયો-સિક્યુરિટી ફ્રેમવર્કની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિર્દેશોને અનુસરીને, ક્ષેત્રના નિષ્ણાતોના સહયોગથી ગ્રાઉન્ડ લેવલે કામ કરતા અધિકારીઓના વ્યાપક અનુભવનો ઉપયોગ કરીને મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા પડકારોના ઉકેલો શોધવાના ઉદ્દેશ્ય સાથે 2021 થી દર વર્ષે હાઇબ્રિડ મોડમાં NSSC નું આયોજન કરવામાં આવે છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2302953)
आगंतुक पटल : 10