માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

IIT ગાંધીનગર ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી

प्रविष्टि तिथि: 15 AUG 2026 4:31PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા 15 ઓગસ્ટ, 2026ના રોજ સંસ્થાન સમુદાયના સભ્યોની ભાગીદારી સાથે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રની મુસાફરી પરના વિચારો અને સંશોધન, શિક્ષણશાસ્ત્ર તથા સંસ્થાકીય સેવામાં પ્રદાનની માન્યતા (સન્માન) સાથે થઈ હતી.

ઉજવણીની શરૂઆત સંસ્થાન સમુદાયના એકત્રીકરણ સાથે થઈ હતી, ત્યારબાદ 'વંદે માતરમ'નું ગાન અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ રાષ્ટ્રગીત સાથે આગળ વધ્યો હતો.

આ પ્રસંગે બોલતા, IIT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રજત મૂનાએ સ્વાતંત્ર્ય દિવસના મહત્વ અને રાષ્ટ્ર પ્રત્યે શૈક્ષણિક તથા સંશોધન સંસ્થાઓની જવાબદારીઓ વિશે વાત કરી હતી. તેમણે સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશનની પ્રગતિમાં IIT ગાંધીનગર જેવી સંસ્થાઓની ભૂમિકા દર્શાવી હતી. તેમણે કહ્યું, "જેમ જેમ ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ આપણા જેવી સંસ્થાઓની જવાબદારી વધતી જાય છે. સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સસ્ટેનેબલ એનર્જી કે પબ્લિક હેલ્થમાં પણ આપણું કાર્ય સીધું જ આત્મનિર્ભર ભારતના વિઝનમાં યોગદાન આપનારું હોવું જોઈએ - એક એવું આત્મનિર્ભર ભારત જે અલગતાથી નહીં પણ સ્વદેશી તાકાત દ્વારા વિશ્વ મંચ પર પોતાનું સ્થાન મેળવે છે."

તેમણે ભારતના ભવિષ્યને આકાર આપવામાં યુવા પેઢીની ભૂમિકા વિશે પણ વાત કરી હતી અને એક મજબૂત, વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતમાં યોગદાન આપતી વખતે તેમને સેવા, નિષ્ઠા અને જવાબદારીના મૂલ્યોને આગળ ધપાવવા આગ્રહ કર્યો હતો.

કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ ઈન્સ્ટિટ્યૂટ પ્રોસેસ ઓટોમેશન સિસ્ટમ (IPAS)નું લોન્ચિંગ હતું, જે સંસ્થાકીય પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવાની એક પહેલ છે.

આ સિસ્ટમ વિશે બોલતા, IITGN ના એક્ટિંગ રજિસ્ટ્રાર પ્રોફેસર નિતિન વી જ્યોર્જે જણાવ્યું હતું કે IPAS નો ઉદ્દેશ્ય હાલની સંસ્થાકીય પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાનો છે. આ સિસ્ટમમાં એક વ્યક્તિગત ડેશબોર્ડનો સમાવેશ થાય છે જે બાકી મંજૂરીઓ, તાજેતરની પ્રવૃત્તિઓ અને કેલેન્ડરને એક જ જગ્યાએ લાવે છે, જેમાં આગામી તબક્કાઓમાં વધુ સુધારાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉજવણીમાં પુરસ્કારોની શ્રેણી દ્વારા IITGN સમુદાયના સભ્યોના સમર્પણ અને સિદ્ધિઓની પણ સરાહના કરવામાં આવી હતી. લોંગ સર્વિસ એવોર્ડ્સે સંસ્થાન પ્રત્યેની તેમની સમર્પિત સેવા માટે પ્રોફેસર અતુલ દીક્ષિત (2015), ડૉ નીલધરા મિશ્રા (2015), ડૉ વિનીત વશિષ્ઠ (2015), ડૉ દિલીપ સુંદરવાસરામ, ડૉ મનોજ ગુપ્તા (2016), ડૉ કૌસ્તુભ રાણે (2016), પ્રોફેસર ઋષિ સિંહ (2016), શ્રી નિર્મલ કુમાર ઝા (2016), શ્રી હેમંત કુમાર ગુપ્તા, અને શ્રીમતી ઈન્દુ શુક્લા (2016)નું સન્માન કર્યું હતું.

ભલોડિયા-ખેતાન સમર રિસર્ચ એક્સેલન્સ એવોર્ડ્સે સંસ્થાનના સમર રિસર્ચ પ્રોગ્રામ દરમિયાન હાથ ધરવામાં આવેલા ઉત્કૃષ્ટ સંશોધનની સરાહના કરી હતી. આ એવોર્ડ્સ હ્યુમેનિટિઝ એન્ડ સોશિયલ સાયન્સ કેટેગરીમાં સૌમ્યા કાનસરા, સાયન્સ કેટેગરીમાં વૈશાલી ચૌહાણ અને એન્જિનિયરિંગ કેટેગરીમાં રથિન મહેશ ઘીવારીને એનાયત કરવામાં આવ્યા હતા.

UG રિસર્ચ શોકેસ બેસ્ટ પોસ્ટર એવોર્ડ્સે શોકેસમાં રજૂ કરવામાં આવેલા વિદ્યાર્થીઓના સંશોધનની સરાહના કરી હતી. એવોર્ડ વિજેતાઓમાં કેમિકલ એન્જિનિયરિંગમાંથી ઓમ ગુપ્તા; કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાંથી સુહાની; અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી શાહ નિહાર ધર્મેશ, પ્રચંડ આદિત્ય પ્રશાંત અને પવિત્ર ચંદવાણી હતા.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરીની સરાહનારૂપે ડીન્સ લિસ્ટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમનું સમાપન અલ્પહાર અને IITGN સમુદાયના સભ્યોના ઔપચારિક મિલન સાથે થયું હતું.

આ ઉજવણીએ સ્વાતંત્ર્ય દિવસને ચિહ્નિત કરવા અને સંશોધન, શિક્ષણ અને IIT ગાંધીનગરના સતત વિકાસ તરફ તેના ફેકલ્ટી, સ્ટાફ અને વિદ્યાર્થીઓના યોગદાનની સરાહના કરવા માટે તેના વિદ્યાર્થી નેતૃત્વ સહિત સંસ્થાન સમુદાયને એકસાથે લાવ્યો હતો.


(रिलीज़ आईडी: 2299893) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English