માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

CBSE અને IIT ગાંધીનગર દ્વારા કોમ્પ્યુટેશનલ થિંકિંગ, AI અને STEM પર 3030 Eklavyaની નવી સીઝનનું લોન્ચિંગ


નવી આઠ ભાગની ઓનલાઈન શ્રેણી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે AI, મશીન લર્નિંગ અને કોમ્પ્યુટેશનલ થીંકિંગને સુલભ બનાવવા માટે દિવાસળીના બોક્સ (માચિસ) જેવી રોજિંદી વસ્તુઓનો ઉપયોગ કરશે

प्रविष्टि तिथि: 13 AUG 2026 5:26PM by PIB Ahmedabad

અગાઉના STEM કાર્યક્રમોની નોંધપાત્ર સફળતા બાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE), IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL)ના સહયોગથી, 3030 Eklavyaને કોમ્પ્યુટેશનલ થિંકિંગ (CT), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને STEM પર આધારિત નવી સીઝન સાથે ફરી રજૂ કરી રહ્યું છે. આઠ ભાગની ઓનલાઈન શ્રેણી 15 ઓગસ્ટ, 2026થી શરૂ થશે અને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી દ્વારા સરળ પ્રાયોગિક પ્રવૃત્તિઓના માધ્યમથી AI અને કોમ્પ્યુટેશનલ થિંકિંગને સરળતાથી સમજવા અને શીખવા માટે સુલભ બનાવવાનો હેતુ ધરાવે છે. આ પહેલ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં AI સાક્ષરતા તથા કોમ્પ્યુટેશનલ થિંકિંગને પ્રોત્સાહન આપવાના CBSEના રાષ્ટ્રીય અભિયાનનો એક ભાગ છે.

આ નવી સીઝન 3030 Eklavyaની અગાઉની આવૃત્તિઓને મળેલા અદ્ભુત પ્રતિસાદને અનુસરે છે. તેના સૌથી વધુ ચર્ચાયેલા એપિસોડ્સમાંના એક, 'કોમ્પ્યુટિંગ વિથ સોપ' (સાબુ સાથે કોમ્પ્યુટિંગ)માં કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે તેની સાથે જોડાયેલા વિચારો દર્શાવવા માટે સાબુની સામાન્ય ગોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એપિસોડને લોકોનું ઘણું પ્રોત્સાહન મળ્યું અને ઇન્ટરનેટ પર વ્યાપકપણે શેર કરવામાં આવ્યો, જેણે પરંપરાગત વર્ગખંડની બહારના શ્રોતાઓ માટે અનુભવજન્ય વિજ્ઞાન શિક્ષણનું આકર્ષણ સફળતાપૂર્વક સાબિત કર્યું.

3030ની સફર કોવિડ-19 મહામારી દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે શાળાઓ બંધ હતી તે સમયે આ કાર્યક્રમ એક ઓનલાઈન STEM લર્નિંગ પહેલ તરીકે ઉભરી આવ્યો હતો. સમય જતાં, તે એક સાપ્તાહિક શિક્ષણ અનુભવમાં વિકસિત થયો જેણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પરિવારોને એકસાથે લાવ્યા, જેમાં સહભાગીઓ અવલોકન, ચર્ચા અને પ્રયોગો દ્વારા વૈજ્ઞાનિક ખ્યાલોની શોધ કરતી વખતે ઘરે પ્રવૃત્તિઓ કરતા હતા.

તેના સાર્વજનિક રૂપે ઉપલબ્ધ 3030 STEM  અને 3030 એકલવ્ય પ્રસારણોમાં, આ શ્રેણીએ યુટ્યુબ (YouTube) પર લગભગ 50 લાખ વ્યૂઝ એકત્રિત કર્યા છે, જે સુલભ અને રસપ્રદ વિજ્ઞાન શિક્ષણમાં વધતી રસરૂચિને પ્રતિબિંબિત કરે છે.

નવી સીઝનની શરૂઆત 15 ઓગસ્ટના રોજ સાંજે 4:00 વાગ્યેમેચબોક્સ સાથે કોમ્પ્યુટેશનલ થિંકિંગ અને AI શીર્ષક ધરાવતા એપિસોડથી થશે. આ એપિસોડમાં સમજાવવામાં આવશે કે માચીસની પેટી જેવી સરળ વસ્તુનો ઉપયોગ આધુનિક કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાછળના મૂળભૂત વિચારો સમજાવવા માટે કેવી રીતે કરી શકાય.

રમતો, દિવાસળીના બોક્સ, કાર્ડ્સ અને કોયડાઓ દ્વારા, સહભાગીઓ અલ્ગોરિધમ્સ, સર્ચિંગ, પેટર્ન રેકગ્નિશન, રિઇનફોર્સમેન્ટ લર્નિંગ, ઈમેજ રેકગ્નિશન, AI બાયસ (પક્ષપાત) અને નૈતિકતા જેવા ખ્યાલોનું અન્વેષણ કરશે. બનાવીને, રમીને, પરીક્ષણ કરીને અને વિચારણા કરીને, શીખનારાઓ મોંઘા સાધનો કે અત્યાધુનિક લેબ્સની જરૂર વગર મશીન લર્નિંગની સહજ અને સાહજિક સમજ મેળવશે.

3030 એકલવ્યના મૂળ ફિલસૂફીને અનુરૂપ છે કે જો જટિલ વૈજ્ઞાનિક અને તકનીકી વિચારો સાથે સરળ સામગ્રી અને હાથવગા અનુભવો દ્વારા સક્રિય રીતે જોડાઈ શકાય, તો તેને શીખનારાઓ માટે સુલભ બનાવી શકાય છે.

STEM, AI અને સર્જનાત્મક અન્વેષણના આઠ રવિવાર

આઠ લાઈવ સત્રો દરમિયાન, સહભાગીઓ STEM ના વ્યાપક ક્ષેત્રો સાથે કોમ્પ્યુટેશનલ થીંકિંગ અને AI ને જોડતી આંતરશાખાકીય થીમ્સનું અન્વેષણ કરશે. સત્રોમાં નીચેના વિષયો આવરી લેવામાં આવશે:

  • સોલર કુકર અને કુદરતી જળ શુદ્ધિકરણ દ્વારા ક્લાઇમેટ એક્શન (આબોહવા કાર્ય)
  • સૂર્યમુખી અને ટાઇલીંગમાં ગાણિતિક પેટર્ન
  • ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અને હાઇડ્રોજન
  • સ્ટ્રિંગ આર્ટ અને વણાટ
  • જૈવવિવિધતા
  • DIY કોમ્પ્યુટર અને લોજિક ગેટ્સ
  • કેમેરા, માઇક્રોસ્કોપ અને ઓપ્ટિક્સ

આ કાર્યક્રમ શીખનારાઓને મોડેલ બનાવવા, કોયડાઓ ઉકેલવા, પ્રવૃત્તિઓ હાથ ધરવા અને ઘરમાં અથવા શાળાઓમાં સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ઘટનાઓની તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરશે. તેનો ઉદ્દેશ્ય માત્ર વૈચારિક સમજને મજબૂત કરવાનો નથી પરંતુ સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા ઉકેલવાના કૌશલ્યોને પ્રોત્સાહન આપવાનો પણ છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું

આ કાર્યક્રમ ધોરણ VI અને તેથી ઉપરના ધોરણના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે. રજીસ્ટ્રેશન મફત અને ફરજિયાત છે. 15 ઓગસ્ટ, 2026ના રોજ પ્રથમ સત્રથી શરૂ કરીને દર રવિવારે સાંજે 4:00 વાગ્યે લાઈવ સત્રો યોજાશે. સત્રો હિન્દીમાં હશે અને પ્રસારણ પછી અંગ્રેજી સબટાઇટલ્સ ઉપલબ્ધ થશે.

જો તમે એવા સહભાગી છો જે વધુ શીખવા માંગો છો, તો તમે અસાઇનમેન્ટ અને પ્રોજેક્ટ કરી શકો છો તથા પ્રમાણપત્ર મેળવી શકો છો. CBSE સાથે સંલગ્ન શાળાઓના શિક્ષકો, જે જરૂરી પ્રમાણપત્ર પૂર્ણ કરશે, તેમને દરેક એપિસોડ માટે ત્રણ કન્ટિન્યુઇંગ પ્રોફેશનલ ડેવલપમેન્ટ (CPD) કલાક આપવામાં આવશે, એટલે કે આઠ એપિસોડની સમગ્ર શ્રેણી માટે કુલ 24 CPD કલાક આપવામાં આવશે.

3030 એકલવ્ય પરિચિત વસ્તુઓ અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા શક્તિશાળી વૈજ્ઞાનિક વિચારોને જીવંત બનાવીને STEM શિક્ષણને વધુ રસપ્રદ, સુલભ અને અર્થપૂર્ણ બનાવી રહ્યું છે. નવી સીઝન એક સરળ વિચાર પર આધારિત છે: ટેક્નોલોજી અને નવીનતાને સમજવા માટે મોંઘા સાધનો કરતાં જિજ્ઞાસા વધુ મહત્વપૂર્ણ શરૂઆત બની શકે છે.

એક નજરે કાર્યક્રમ:

વિગત

માહિતી

કાર્યક્રમ

3030 એકલવ્ય: કોમ્પ્યુટેશનલ થીંકિંગ, AI અને STEM

આયોજક

સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ, IIT ગાંધીનગરના સહયોગથી CBSE

પ્રથમ એપિસોડ

15 ઓગસ્ટ, 2026, સાંજે 4:00 વાગ્યે

ત્યારબાદ

દર રવિવારે, સાંજે 4:00 થી 5:00 વાગ્યે

શ્રોતાઓ/સહભાગીઓ

ધોરણ VI અને તેથી ઉપરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ

રજીસ્ટ્રેશન

મફત અને ફરજિયાત – eklavya.iitgandhinagar.ac.in

CPD માન્યતા

પ્રમાણિત એપિસોડ દીઠ 3 કલાક; આઠ એપિસોડમાં કુલ 24 કલાક

પૂછપરછ માટે

eklavya@iitgn.ac.in


(रिलीज़ आईडी: 2299040) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English