સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
માનસિક બીમારી શરમજનક નથી, તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ – ડૉ. અખિલેશ શુક્લા
ગુજરાતના પત્રકારોએ રાષ્ટ્રીય માનસિક આરોગ્ય પુનર્વસન સંસ્થા (NIMHR)ની મુલાકાત લીધી
प्रविष्टि तिथि:
06 AUG 2026 12:45AM by PIB Ahmedabad
પીઆઇબી અમદાવાદ દ્વારા આયોજિત મીડિયા અભ્યાસ પ્રવાસ દરમિયાન ગુજરાતના પત્રકારોના પ્રતિનિધિમંડળે મધ્ય પ્રદેશના સિહોર ખાતે આવેલી ભારત સરકારની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માનસિક આરોગ્ય પુનર્વસન સંસ્થા (NIMHR)ની વિશેષ મુલાકાત લીધી હતી. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અંતર્ગત કાર્યરત આ સંસ્થા દેશની નવમી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા છે. ભારત સરકારે દિવ્યાંગતાના જુદા જુદા ક્ષેત્રો માટે શારીરિક દિવ્યાંગતા, દ્રષ્ટિહીનતા, શ્રવણ અને વાચા સંબંધિત સમસ્યાઓ તથા બૌદ્ધિક દિવ્યાંગતા માટે વિવિધ સંસ્થાઓ સ્થાપી છે, પરંતુ NIMHR દેશની એકમાત્ર એવી વિશિષ્ટ સંસ્થા છે જે સંપૂર્ણપણે માનસિક સ્વાસ્થ્ય, સારવાર, પુનર્વસન, તાલીમ, સંશોધન અને જનજાગૃતિ માટે સમર્પિત રીતે કાર્ય કરે છે.

આ મુલાકાત દરમિયાન સંસ્થાના નિયામક ડૉ. અખિલેશ શુક્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માનસિક બીમારીથી શરમાવું કે તેને છુપાવવું નહીં પણ તેની યોગ્ય સારવાર અને પુનર્વસન કરાવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે અહીં માનસિક આરોગ્ય સંબંધિત કાઉન્સેલિંગ, મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન, ન્યુરો-સાયકોલોજિકલ પરીક્ષણ, વિશેષ તાલીમ અને સમુદાય આધારિત પુનર્વસન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય માનસિક આરોગ્ય પુનર્વસન સંસ્થા વિવિધ ડિપ્લોમા, પ્રમાણપત્ર અને અનુસ્નાતક અભ્યાસક્રમો દ્વારા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકિયાટ્રિક નર્સિંગ અને સ્પેશિયલ એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં કુશળ માનવબળનું નિર્માણ કરી રહી છે. વર્તમાનમાં ભારતીય પુનર્વસન પરિષદ (RCI) અને બરકતુલ્લા યુનિવર્સિટી, ભોપાલ દ્વારા માન્યતા પ્રાપ્ત વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તથા RCI માન્ય કન્ટિન્યુઇંગ રિહેબિલિટેશન એજ્યુકેશન (CRE) કાર્યક્રમોનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે. આગામી સમયમાં ક્લિનિકલ સાયકોલોજી અને સોશિયલ વર્કમાં બેચલર તથા માસ્ટર કક્ષાના પદવી અભ્યાસક્રમો પણ શરૂ થવા જઈ રહ્યા છે.

શ્રી શુક્લાએ ઉમેર્યું હતું કે લોકોમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જાગૃતિ અભિયાન, સ્ક્રીનિંગ કેમ્પ અને આઉટરીચ કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા દિવ્યાંગજનો માટે રેલવે ભરતી બોર્ડ અને એસએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિઃશુલ્ક કોચિંગ પૂરું પાડવામાં આવે છે, જેના થકી તાજેતરમાં એક વિદ્યાર્થીએ સફળતા મેળવી છે. દિવ્યાંગજનોમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા 'પર્પલ મેળા'નું આયોજન કરાય છે. આ ઉપરાંત, 0 થી 6 વર્ષના બાળકો માટે ક્રોસ ડિસેબિલિટી અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર કાર્યરત છે. માનસિક આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને સુલભ બનાવવા સંસ્થાએ એમ્સ ભોપાલ, સહિત દેશની અગ્રણી 10 થી વધુ સંસ્થાઓ સાથે એમઓયુ પણ કર્યા છે.

સંસ્થાની મુલાકાતે આવેલા મીડિયા પ્રતિનિધિઓએ સંસ્થાની આધુનિક સુવિધાઓ અને માનસિક આરોગ્ય ક્ષેત્રે થઈ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.

(रिलीज़ आईडी: 2295290)
आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English