માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

IIT ગાંધીનગર દ્વારા ચાર સપ્તાહના ફાઉન્ડેશન પ્રોગ્રામ સાથે BTech ની નવી બેચને આવકાર


આ ચાર સપ્તાહના ઇમર્સિવ પ્રોગ્રામનો હેતુ BTech ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, નેતૃત્વ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાની સાથે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે તૈયાર કરવાનો છે

प्रविष्टि तिथि: 21 JUL 2026 7:10PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) 21 જુલાઈ, 2026 ના રોજ તેના ફ્લેગશિપ ફાઉન્ડેશન પ્રોગ્રામના પ્રારંભ સાથે BTech ના નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. પ્રોગ્રામ 15 ઓગસ્ટ, 2026 સુધી ચાર સપ્તાહ દરમિયાન ચાલશે અને IITGN ના જીવનનો ઇમર્સિવ પરિચય આપશે, જે વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રા માટે તૈયાર કરશે અને વ્યક્તિગત વિકાસ, નેતૃત્વ તથા સંશોધનાત્મક ભાવનાને પોષશે.

ફાઉન્ડેશન પ્રોગ્રામ શિક્ષણ પ્રત્યે IITGNના સર્વાંગી અભિગમને દર્શાવે છે, જેનો હેતુ એવા બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા નાગરિકો તૈયાર કરવાનો છે જેઓ માત્ર તકનીકી રીતે સક્ષમ નહીં પરંતુ સામાજિક રીતે જાગૃત, નૈતિક મૂલ્યો ધરાવતા, શારીરિક રીતે સક્રિય અને સર્જનાત્મક રીતે પ્રેરિત હોય.

ઉદ્ઘાટન સમારોહ દરમિયાન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત IIMAGESના લેખક, માર્ગદર્શક, કોચ અને સુવિતામાના પ્રમુખ શ્રી સલિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, "તમે દેશના સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓમાંના એક છો, પરંતુ તમારી યાત્રા હવે શરૂ થાય છે. તમારા પોતાના રસના ક્ષેત્રને અનુસરો, તમારા નિર્ણયોની જવાબદારી લો અને ભૂલો કરવાથી ડરશો નહીં કારણ કે વાસ્તવિક શિક્ષણ તેમાંથી મળે છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા મહત્વપૂર્ણ છે, પરંતુ તેટલું મહત્વપૂર્ણ અલગ રીતે વિચારવું અને તમારી પોતાની ઓળખ બનાવવી છે. IIT ગાંધીનગરમાં તમારા સમયનો ઉપયોગ અન્વેષણ કરવા અને તમે જે વ્યક્તિત્વ બનવાની ખરેખર ઈચ્છા રાખો છો તે બનવા માટે કરો."

ફાઉન્ડેશન પ્રોગ્રામના ઉદ્ઘાટન દરમિયાન IIT ગાંધીનગરના નિયામક પ્રો. રજત મૂનાએ 350 થી વધુ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું અને તેમને સંસ્થાના જીવંત શિક્ષણ પર્યાવરણનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિશ્વને જોવા, લોકો સાથે વાત કરવા અને વસ્તુઓનો અનુભવ કરવા તેમજ એન્જિનિયરિંગ પ્રત્યે વ્યવહારુ અભિગમ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકોમાં પ્રવીણતા મેળવવા કરતાં ઘણું વધારે છે.

તેમણે ઉમેર્યું હતું કે, "IIT ગાંધીનગરમાં, અમારું માનવું છે કે લગભગ 60 થી 70 ટકા શિક્ષણ વર્ગખંડોની બહાર થાય છે. તમારી પોતાની અંતઃપ્રેરણા અને ઝનૂન પર વિશ્વાસ રાખો, સંસ્થા પાસે જે તકો છે તેનો મહત્તમ ઉપયોગ કરો અને જ્ઞાન માટે તમારી આંખો અને મન ખુલ્લા રાખો."

મૂલ્યો અને નૈતિકતા, સર્જનાત્મકતા, ટીમ વર્ક, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિઓ તેમજ રમતગમત - પાંચ મુખ્ય સ્તંભોની આસપાસ રચાયેલ પ્રોગ્રામ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) માટે વિદ્યાર્થીઓ જે સખત શૈક્ષણિક તૈયારીમાંથી પસાર થાય છે તેમાંથી તાજગીભર્યો વિરામ આપે છે. ચાર સપ્તાહ દરમિયાન, વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, રમતગમત, કલા, સામાજિક પ્રવૃત્તિઓ અને પ્રાયોગિક સર્જનાત્મક વર્કશોપ સહિતની વિવિધ પ્રકારની આકર્ષક પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.

અનુભવો દ્વારા, IITGN તેના વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, સહાનુભૂતિ, નેતૃત્વ અને જિજ્ઞાસાની ભાવના કેળવવાનો ધ્યેય રાખે છે. પ્રોગ્રામમાં વિચારશીલ નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સંશોધકો દ્વારા પ્રેરણાદાયી વ્યાખ્યાનો પણ સામેલ છે, જે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોના અગ્રણી વ્યક્તિત્વો સાથે વાર્તાલાપ કરવાની અને તેમની પાસેથી શીખવાની તકો પૂરી પાડે છે.

BTech ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓ માટે ફાઉન્ડેશન પ્રોગ્રામના પ્રારંભ સાથે, IIT ગાંધીનગરે હવે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ મેળવનાર તમામ નવા બેચનું સ્વાગત કરી લીધું છે. અગાઉ, 17 જુલાઈ, 2026 ના રોજ, સંસ્થાએ 500 થી વધુ નવપ્રવેશિત અનુસ્નાતક (પોસ્ટગ્રેજ્યુએટ) અને પીએચડી (PhD) વિદ્યાર્થીઓ માટે તેનો 15-દિવસીય ઓરિએન્ટેશન પ્રોગ્રામ 'આરોહણ 2026' શરૂ કર્યો હતો. ફાઉન્ડેશન પ્રોગ્રામ અને આરોહણ 2026 બંને તમામ સ્તરે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્કૃતિ, શિક્ષણ પ્રત્યેનો આંતરશાખાકીય (ઇન્ટરડિસિપ્લિનરી) અભિગમ, સંશોધન ઇકોસિસ્ટમ, કેમ્પસ પર ઉપલબ્ધ સંસાધનો અને નવીનતા, નેતૃત્વ, કલ્યાણ તેમજ વ્યક્તિગત વિકાસની તકોથી માહિતગાર કરીને મજબૂત પાયો નાખવાની IITGN ની કટિબદ્ધતાના પ્રતીક છે.


(रिलीज़ आईडी: 2287323) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English