નાગરિક ઉડ્ડયન મંત્રાલય
azadi ka amrit mahotsav

દમણ માટે ઐતિહાસિક સીમાચિહ્ન: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજારાપુજી દ્વારા નમો (NAMO) એરપોર્ટથી નવી દિલ્હીની પ્રથમ વ્યાવસાયિક ફ્લાઇટને લીલી ઝંડી બતાવાઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 5 જૂન 2026ના રોજ ઉદ્ઘાટન કરાયેલ નમો (NAMO) એરપોર્ટ પર નિર્ધારિત વ્યાવસાયિક કામગીરી શરૂ થઈ

એલાયન્સ એર દ્વારા દમણ-દિલ્હી-દમણ સેવાનો પ્રારંભ; મુંબઈ-દમણ-અમદાવાદ રૂટ ટૂંક સમયમાં શરૂ થશે

ઉન્નત હવાઈ કનેક્ટિવિટીથી પ્રવાસન, વેપાર, રોકાણ, રોજગારી અને પ્રાદેશિક વિકાસને વેગ મળશે

प्रविष्टि तिथि: 16 JUL 2026 9:29PM by PIB Ahmedabad

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશ માટે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટનામાં, નમો (NAMO) એરપોર્ટ, દમણથી નવી દિલ્હીની પ્રથમ વ્યાવસાયિક (કોમર્શિયલ) ફ્લાઇટને આજે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજારાપુ દ્વારા ઔપચારિક રીતે લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

નિર્ધારિત વ્યાવસાયિક કામગીરીનું ઉદ્ઘાટન દમણના લોકોની લાંબા સમયથી સેવાયેલી આકાંક્ષાની પૂર્તિ દર્શાવે છે અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉડ્ડયન, પ્રવાસન અને આર્થિક વિકાસમાં એક નવો અધ્યાય શરૂ કરે છે.

કામગીરીની શરૂઆતના ભાગરૂપે, એલાયન્સ એરે તેની નિર્ધારિત દમણ-દિલ્હી-દમણ સેવા શરૂ કરી છે, જે દર સોમવારે અને બુધવારે સંચાલિત થશે. મુંબઈ-દમણ-અમદાવાદ રૂટ પણ ટૂંક સમયમાં શરૂ થવાનો છે, જે દમણને દેશના મુખ્ય વ્યાવસાયિક અને વહીવટી કેન્દ્રો સાથે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.

સભાને સંબોધતા, કેન્દ્રીય મંત્રી શ્રી રામમોહન નાયડુ કિંજારાપુએ દમણ અને નવી દિલ્હી વચ્ચે સીધી હવાઈ કનેક્ટિવિટીની શરૂઆતને એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી હતી, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ પ્રાદેશિક કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે ભારત સરકારની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે નવી હવાઈ સેવા પ્રવાસન, વેપાર, રોકાણ અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે અને સાથે સાથે રહેવાસીઓ તથા મુલાકાતીઓ માટે મુસાફરીને ઝડપી, સુરક્ષિત અને વધુ અનુકૂળ બનાવશે.

જનમેદનીને સંબોધતા, પ્રશાસક શ્રી પ્રફુલ પટેલે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણો દ્વારા છેલ્લા 10 વર્ષોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં જોવા મળેલા અસાધારણ પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દમણને વૈશ્વિક કક્ષાનું ઉડ્ડયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની માટે સીધી ફ્લાઇટ્સ શરૂ થવાથી કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે, પ્રવાસન અને રોકાણને પ્રોત્સાહન મળશે, વ્યવસાય સરળ બનશે અને સર્વસમાવેશક તેમજ ટકાઉ સામાજિક-આર્થિક વિકાસ માટે નવા માર્ગો ખુલશે.

સમારોહમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારતીય વિમાનમથક પ્રાધિકરણના વરિષ્ઠ અધિકારીઓ, એલાયન્સ એરના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ, કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના અધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને મીડિયાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

નમો (NAMO) એરપોર્ટ પરથી નિર્ધારિત વ્યાવસાયિક ફ્લાઇટ સેવાઓનો પ્રારંભ દમણની રાષ્ટ્રીય સ્તરે જોડાયેલા સ્થળ બનવા તરફની સફરમાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ છે અને દેશભરમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા, પ્રાદેશિક કનેક્ટિવિટીમાં સુધારો કરવા અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવાના ભારત સરકારના વિઝનને વધુ મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 5 જૂન 2026 ના રોજ તેમની દમણ મુલાકાત દરમિયાન નમો (NAMO) એરપોર્ટનું ઉદ્ઘાટન કેન્દ્રશાસિત પ્રદેશની વિકાસ યાત્રામાં એક પરિવર્તનકારી સીમાચિહ્નરૂપ છે. 25 એપ્રિલ 2023 ના રોજ સિવિલ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યા પછી, પ્રધાનમંત્રીએ માત્ર ત્રણ વર્ષના પ્રભાવશાળી સમયગાળામાં પૂર્ણ થયેલ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, જે સમયબદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે સરકારની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિઝનને વધુ મજબૂત બનાવતા, સંરક્ષણ મંત્રાલયે મે 2026 માં નમો (NAMO) એરપોર્ટ માટે રનવે વિસ્તરણ યોજનાને મંજૂરી આપી દીધી છે, જેનાથી મોટા સંરક્ષણ વિમાનો તેમજ એરબસ A320-ક્લાસના નાગરિક વિમાનોના સંચાલન માટેનો માર્ગ મોકળો થયો છે. વ્યૂહાત્મક વિસ્તરણ પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે, રાષ્ટ્રીય સુરક્ષા સજ્જતાને મજબૂત કરશે અને પ્રવાસન, વેપાર, રોકાણ અને આર્થિક વૃદ્ધિ માટે નવી તકોના દ્વાર ખોલશે, જે દમણને ભારતના પશ્ચિમ કિનારા પર ઝડપથી ઉભરી રહેલા ઉડ્ડયન અને પ્રવાસન હબ તરીકે સ્થાપિત કરશે.


(रिलीज़ आईडी: 2285568) आगंतुक पटल : 42
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English