યુવા બાબતો અને રમત મંત્રાલય
ઝંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સ તરફ મીટ માંડી, હજુ વધુ સારું પ્રદર્શન કરવા વચનબદ્ધ
प्रविष्टि तिथि:
14 JUL 2026 5:00PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ઝંડુ કુમાર, જેઓ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા બે પેરા પાવરલિફ્ટર્સમાંના એક હશે, તેઓ SAI (સાઈ), નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCoE), ગાંધીનગર ખાતે આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ માટે ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છે. તેઓ આ ચતુર્વર્ષીય ઈવેન્ટમાં ભાગ લેવા માટે આતુર છે અને સ્પર્ધા દરમિયાન પોતાનું સર્વસ્વ આપવાનું વચન આપે છે.
પોતાના નામે 206 કિગ્રા વજન ઉપાડવાનો રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવતા ઝંડુએ SAI મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ આનાથી પણ વધુ સારું પ્રદર્શન કરવા સક્ષમ છે.

"મેં ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2025 માં 206 કિગ્રા વજન ઉપાડ્યું હતું, ભવિષ્યમાં તમે મને મારો જ રેકોર્ડ સુધારતા જોશો. મેં તાલીમ દરમિયાન 210 કિગ્રા સુધીનું વજન ઉપાડ્યું છે અને હું મારી ક્ષમતાને જેટલી બને તેટલી વધારવા માટે સખત મહેનત કરી રહ્યો છું. મારા માટે મોટું લક્ષ્ય 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ છે, આ બધું શિસ્ત અને તાલીમ પર આધારિત છે."
જ્યારે પૂછવામાં આવ્યું કે ગ્લાસગો CWG ગેમ્સમાં કયા દેશની ટુકડીને હરાવવી અઘરી હશે, ત્યારે 29 વર્ષીય ઝંડુએ ભારપૂર્વક કહ્યું કે, આ પડકાર અન્ય લોકોને હરાવવા અંગે નથી પરંતુ પોતાની જાત પર વિજય મેળવવા અંગે છે.
"આ હરીફ અંગે નથી, આ પોતાની જાત પર વિજય મેળવવા અંગે છે, પોતાની જાત પરની જીત અંગે છે, તમારી શંકાઓ અને ડર પર વિજય મેળવવા વિશે છે. મેં ભૂતકાળમાં પણ મારી જાત પર વિજય મેળવ્યો છે અને હું ભવિષ્યમાં પણ મારી જાત પર વિજય મેળવીશ."

પેરા પાવરલિફ્ટિંગ તરફ વળતા પહેલા શૉટ પુટ, ડિસ્કસ અને જેવલિન થ્રો અપનાવનાર ઝંડુએ પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી. તેમણે યાદ કર્યું કે કેવી રીતે તેમના કોચ રાજેન્દ્ર સિંહ રાહેલુએ તેમની કિસ્મત બદલી નાખી.
"હું બટાકા વેચતો હતો, ત્યારબાદ કોવિડ રોગચાળા દરમિયાન મેં ટોટો (ઈ-રિક્ષા) ચલાવી હતી. 2022 માં હું શાકભાજી વેચતી વખતે પણ નેશનલ્સ રમ્યો હતો અને તેમ છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પછી દિલ્હીમાં 2023 ના નેશનલ્સ આવ્યા, મારી મુસાફરી અને ડાયેટ માટે મારી પાસે પૈસા ખૂટી ગયા હતા, તેથી મારે મારી ટોટો વેચી દેવી પડી હતી. આ બધું કરવાં છતાં હું તે સ્પર્ધામાં ખરાબ રીતે નિષ્ફળ ગયો, પરંતુ ત્યાં હું મારા કોચ રાજેન્દ્ર સિંહ રાહેલુ સરને મળ્યો. તેમણે મને સાંત્વના આપી, પ્રેરિત કર્યો અને ખાતરી આપી કે મારી પસંદગી SAI માં થશે. તેઓ મારા કપરાં સમયમાં મારી સાથે ઉભા રહ્યાં અને 2023 માં ગાંધીનગરના SAI સેન્ટરમાં મારો પ્રવેશ કરાવ્યો. ત્યારથી મેં સરની તાલીમ અને તેમની શિસ્તનું પાલન કર્યું અને મારા પ્રદર્શનમાં સુધારો થયો."
અર્જુન એવોર્ડ વિજેતા રાજેન્દ્ર સિંહ રાહેલુ ભારતના ટોચના પેરા પાવરલિફ્ટિંગ કોચમાંના એક છે. એક રમતવીર તરીકે તેમણે 2004 ની સમર પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ, 2014 ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ સહિત અન્ય સિદ્ધિઓ મેળવી છે. રાહેલુ પાવરલિફ્ટિંગ ઈવેન્ટમાં ભારત માટે સૌપ્રથમ મેડલ વિજેતા હતા.
ઝંડુ ઉપરાંત, તેમના દ્વારા પ્રશિક્ષિત અન્ય એક રમતવીર- રાષ્ટ્રીય રેકોર્ડ ધારક જસપ્રીત કૌર આગામી CWG માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
29 વર્ષીય ઝંડુ, જેઓ કોમનવેલ્થ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારા બિહારના પ્રથમ પેરા એથ્લેટ બનશે, તેમણે અનુભવ્યું કે આ પૂર્વીય રાજ્યમાં રમત-ગમત ઉપર તરફ આગળ વધી રહી છે.
"સ્થિતિ સારી થઈ રહી છે કારણ કે રાજ્ય સરકાર હવે રમત-ગમતને પ્રોત્સાહન આપી રહી છે. હવે આપણી પાસે 'ઉત્કર્ષ' જેવી યોજનાઓ છે જ્યાં રમતવીરોને રૂ. 20 લાખ આપવામાં આવે છે, 'ઉડાન' યોજના હેઠળ રાષ્ટ્રીય સ્તરના રમતવીરોને રૂ. 5 લાખ મળે છે, રાજ્ય સ્તરના રમતવીરોને રૂ. 3 લાખ મળે છે, તેથી હું બિહારી ખેલાડીઓને સખત મહેનત કરવા અને પોતાની જાતમાં વિશ્વાસ રાખવાની સલાહ આપીશ, સરકાર તેમની પાછળ ઊભી છે."
SAI સેન્ટર ખાતે તાલીમ શરૂ કર્યા પછી, નાલંદાના હરનૌતના આ પાવરલિફ્ટરના પ્રદર્શનમાં ભારે સુધારો થયો છે. 2025 નું વર્ષ ખાસ કરીને ફળદાયી રહ્યું હતું, તેમણે ચીનના બેઇજિંગમાં યોજાયેલા વર્લ્ડ પેરા-પાવરલિફ્ટિંગ વર્લ્ડ કપમાં 80 કિગ્રા કેટેગરીમાં 192 કિગ્રા નું પ્રભાવશાળી વજન ઉપાડીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો, નવી દિલ્હીમાં યોજાયેલી ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ (206 કિગ્રા) સ્થાપિત કર્યો હતો અને ઇજિપ્તના કૈરોમાં યોજાયેલી વર્લ્ડ પેરા પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 માં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. (તેમણે 198 કિલો વજન ઉપાડ્યું હતું).
તેમણે SAI, NCoE, ગાંધીનગરનો પણ આભાર વ્યક્ત કર્યો: "અહીં મને એક પ્લેટફોર્મ મળ્યું, હું તેમનો આભારી છું, તેમના પ્રયાસોને લીધે જ હું આટલું બધું હાંસલ કરી શક્યો છું અને હવે મારી પસંદગી કોમનવેલ્થ ગેમ્સ માટે થઈ છે."
(रिलीज़ आईडी: 2284507)
आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English