સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે (1 જુલાઈ): વિશ્વભરમાં પોસ્ટ કર્મચારીઓના અતૂટ સમર્પણને સન્માન


ભારતીય પોસ્ટ માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

પોસ્ટેડ ઓન: 30 JUN 2026 2:04PM by PIB Ahmedabad

આજે ભારતીય પોસ્ટ માત્ર સંદેશા પહોંચાડવાનું માધ્યમ નથી, પરંતુ દેશના દરેક નાગરિક સુધી વિશ્વાસ, સુવિધા અને સરકારી સેવાઓ પૂરી પાડવા માટે એક શક્તિશાળી તંત્ર બની ગયું છે. વિવિધ સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી સેવાઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવામાં પણ ટપાલ કર્મચારીઓ સરકાર અને જનતા વચ્ચે એક મજબૂત તથા વિશ્વસનીય સેતુ તરીકે ઉભરી આવ્યા છે. ટપાલ કર્મચારીઓ લાંબા સમયથી સમાજની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને દર વર્ષે 1 જુલાઈએ ઉજવાતો 'નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે' તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે ઉજવવામાં આવે છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ‘નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ ની કલ્પના અમેરિકામાંથી આવી છે, જ્યાં વોશિંગટન રાજ્યના સીએટલ શહેરમાં વર્ષ 1997માં કર્મચારીઓના સન્માનમાં આ વિશિષ્ટ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ધીમે ધીમે તે ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉજવવા લાગ્યો. આ દિવસ સમગ્ર વિશ્વમાં પોસ્ટ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાના માનમાં ઉજવવામાં આવે છે. જેઓ આપણા સમુદાયોને જોડે રાખે છે.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે સંચાર ક્ષેત્રમાં ડિજિટલીકરણથી વ્યાપક પરિવર્તન આવ્યું હોવા છતાં ટપાલ કર્મચારીઓ આજે પણ વિતરણ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. પ્રતિકૂળ હવામાન અને કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ દરરોજ લાંબા અંતર કાપીને પત્રો, સ્પીડ પોસ્ટ, પાર્સલ, ઈ-કોમર્સ ઉત્પાદનો અને તબીબી સામગ્રીની સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે. ભારતમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક ચેકબુક, એટીએમ કાર્ડ, પીએમ વિશ્વકર્મા ટૂલ કીટ, પરીક્ષા સામગ્રી, વિવિધ મંદિરોના પ્રસાદ, ગંગાજળ સહિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને આવશ્યક સામગ્રીનું વિતરણ પોસ્ટમેન દ્વારા કરવામાં આવે છે. “પોસ્ટ સેવા, જન સેવા”ના સંકલ્પ સાથે ભારતીય પોસ્ટ ગામડે-ગામડે અને શહેરે-શહેરે પોતાની સેવાઓ પહોંચાડી લોકોનું જીવન વધુ સરળ અને સુવિધાસભર બનાવી રહી છે.

ગુજરાત પોસ્ટલ સર્કલમાં, 3,300થી વધુ પોસ્ટમેન તથા 8,000થી વધુ ગ્રામિણ પોસ્ટ સેવકો દરરોજ નાગરિકોના ઘર સુધી પહોંચી ટપાલ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. તેમના માધ્યમથી દર મહિને સરેરાશ 52 લાખથી વધુ સ્પીડ પોસ્ટ અને પાર્સલ તેમજ 1.55 કરોડથી વધુ સાધારણ પત્રોનું વિતરણ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-2025 માં, સમગ્ર ભારતમાં 3.92 અબજથી વધુ ટપાલ લેખોનું પરિવહન (મેઇલ ટ્રાફિક) નોંધાયો હતો.

ભારતીય ટપાલ સેવાના વરિષ્ઠ અધિકારી તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટમેન ભારતીય ટપાલ વિભાગનો સૌથી જાણીતો અને વિશ્વસનીય ચહેરો છે. 'ડાકિયા ડાક લાયા' સાથે હવે 'ડાકિયા બેંક લાયા' પણ એટલું જ લોકપ્રિય બન્યું છે. આજે પોસ્ટમેન પોતાના ટપાલ બેગમાં પત્રો સાથે સ્માર્ટફોન આધારિત ડિજિટલ ઉપકરણ પણ લઈને ફરે છે. ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક અને સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવા માટે, પોસ્ટમેન અને ગ્રામીણ પોસ્ટ સેવકો મોબાઇલ એટીએમ તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ ડીબીટી, ઈ-કેવાયસી, જન સુરક્ષા યોજનાઓ, આધાર સેવાઓ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ઈ-શ્રમ કાર્ડ, વાહન વીમા તથા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જેવી અનેક સેવાઓ લોકોના ઘર સુધી પહોંચાડી રહ્યા છે. તેઓ પાંચ વર્ષ સુધીના બાળકોનું આધાર નોંધણી તથા ઘર-ઘર જઈ મોબાઇલ નંબર અપડેટ કરવાની સેવા પણ પૂરી પાડી રહ્યા છે. આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી દ્વારા નાગરિકોને તેમના વિવિધ બેંક ખાતાઓમાંથી ઘર બેઠાં રોકડ ઉપાડવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગ્રામ્ય, આદિવાસી, પર્વતીય અને દૂરદરાજના વિસ્તારોમાં, જ્યાં ડિજિટલ અથવા ખાનગી કુરિયર સેવાઓ ઉપલબ્ધ નથી, ત્યાં આજે પણ પોસ્ટમેન લોકો માટે સૌથી વિશ્વસનીય સંપર્કસૂત્ર અને આવશ્યક સેવાઓ પહોંચાડવાનું મુખ્ય માધ્યમ છે. ભારતીય પોસ્ટ વિશ્વાસ, સંવાદ અને સુવિધાને દેશના દરેક ઘર સુધી પહોંચાડીને સતત રાષ્ટ્ર નિર્માણમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2279316) મુલાકાતી સંખ્યા : 48
આ રીલીઝ વાંચો: English