માનવ સંસાધન વિકાસ મંત્રાલય
આઈઆઈટી ગાંધીનગરની એક્સપ્લોરર ફેલોશિપ 2026 એ રેકોર્ડ સંખ્યામાં વિદ્યાર્થીઓની ભાગીદારી આકર્ષી
આ ફેલોશિપ વિદ્યાર્થીઓને દેશના છ રાજ્યોમાં પ્રવાસ કરવાની અને ભારતભરના વાસ્તવિક જીવનના દૃશ્યો સાથે જોડાવાની તક આપે છે, જે તેમની વચ્ચે ટીમવર્ક (સહકાર્ય), અનુકૂલનક્ષમતા અને સાથીદારો સાથે અર્થપૂર્ણ સંબંધો વિકસાવે છે
આઈઆઈટી (IITs) સ્તરે પોતાની પ્રકારની આ પ્રથમ પહેલ છે, આ છ અઠવાડિયાની યોજના એવા બહુમુખી વિદ્યાર્થીઓ તૈયાર કરે છે જેઓ સામાજિક રીતે જાગૃત, સાંસ્કૃતિક રીતે જાણકાર અને કોઈપણ નવા વાતાવરણમાં પ્રવેશવા માટે આત્મવિશ્વાસ ધરાવતા હોય
प्रविष्टि तिथि:
03 JUN 2026 5:37PM by PIB Ahmedabad
પોતાની વિશિષ્ટ રીતે આયોજિત એક્સપ્લોરર ફેલોશિપ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ની એક્સપ્લોરર ફેલોશિપ 2026 વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના અનુભવો દ્વારા ભારતને નજીકથી જાણવાની અને અન્વેષણ કરવાની તક પ્રદાન કરે છે.
વર્ષ 2015 માં શરૂ કરાયેલી IITGN ની એક્સપ્લોરર ફેલોશિપ એક અનોખો કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓને પરિચિત વાતાવરણમાંથી બહાર નીકળવા, વિવિધ પૃષ્ઠભૂમિના લોકો સાથે વાર્તાલાપ કરવા અને સ્થિતિસ્થાપકતા, અનુકૂલનક્ષમતા અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. પોતાના વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે, IITGN એક સુવ્યવસ્થિત ઓછા બજેટવાળા પ્રવાસ માળખા હેઠળ નાણાંકીય સહાય પૂરી પાડે છે, જેથી વિદ્યાર્થીઓ સંસાધનોનું જવાબદારીપૂર્વક સંચાલન કરવાનું શીખવાની સાથે દેશભરમાં પ્રવાસ કરી શકે.

આ અનોખા છ અઠવાડિયાના કાર્યક્રમની 2026 ની આવૃત્તિ માટે 63 વિદ્યાર્થી ટીમો તરફથી અરજીઓ મળી છે. એક સુવિધાજનક પસંદગી પ્રક્રિયાને અનુસરીને, આ આવૃત્તિ માટે 56 ટીમોની પસંદગી કરવામાં આવી છે.
આ અનોખી પહેલ વિશે વાત કરતા IITGN ના ડીન (સ્ટુડન્ટ અફેર્સ) પ્રો. મનીષ કુમારે જણાવ્યું હતું કે, "IITs માં પોતાની પ્રકારની આ પ્રથમ પહેલ વિદ્યાર્થીઓને કેમ્પસની બહારના લોકો, સમુદાયો અને વાસ્તવિકતાઓ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારતભરમાં પ્રવાસ કરીને અને અજાણી પરિસ્થિતિઓનો સામનો કરીને, વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ, સહાનુભૂતિ, સ્વાયત્તતા અને વધુ સારી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી શિક્ષણ પ્રત્યે IITGN ની સતત પ્રતિબદ્ધતાનો એક ભાગ છે."
18 વર્ષથી વધુ ઉંમરના IITGN ના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી આ ફેલોશિપના સહભાગીઓએ ભારતના છ રાજ્યોની મુસાફરી કરવી જરૂરી છે, જેમાં ઉત્તર-પૂર્વ (નોર્થ-ઈસ્ટ) નું ઓછામાં ઓછું એક રાજ્ય, દક્ષિણ (સાઉથ) નું એક અને ઉત્તર (નોર્થ) ના એક રાજ્યનો સમાવેશ થવો અનિવાર્ય છે. તેઓએ ટ્રેનના સ્લીપર ક્લાસના કોચ અથવા સરકારી બસોનો ઉપયોગ કરીને મુસાફરી કરવાની રહેશે અને યુથ હોસ્ટેલ તથા હોમસ્ટે જેવા સસ્તા રહેઠાણોમાં રોકાવવાનું રહેશે.

આ અનુભવ વિદ્યાર્થીઓને ટીમવર્ક, અનુકૂલનક્ષમતા અને સાથીદારો સાથે અર્થપૂર્ણ સંબંધો વિકસાવવાની સાથે ભારતભરની વાસ્તવિક પરિસ્થિતિઓ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમની મુસાફરી દરમિયાન, વિદ્યાર્થીઓ સ્થાનિક સંસ્કૃતિઓ, હસ્તકલા અને હેન્ડલૂમ પરંપરાઓ, પ્રાદેશિક વાનગીઓ, હેરિટેજ સ્થળો, સામુદાયિક સાહસો અને વિવિધ સામાજિક-આર્થિક પરિદ્રશ્યોની શોધખોળ કરે છે, જે આ ફેલોશિપને વર્ગખંડની બહાર એક અનોખો શિક્ષણ અનુભવ બનાવે છે.
IITGN ના એક્સપ્લોરર ફેલોશિપ પ્રોગ્રામના કન્વીનર પ્રો. ચેતન ડી. પહલાજાનીએ જણાવ્યું હતું કે, "ફેલોશિપ કાર્યક્રમમાં અમને ખરેખર આનંદ આપતી બાબતોમાંની એક એ છે કે દર વર્ષે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા જોવી, જેમાં તેઓ નવીન થીમ્સ લાવે છે જેના આધારે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરે છે. આ થીમ્સ આર્કિટેક્ચર (સ્થાપત્ય), ડેમ (બંધો) અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સથી લઈને રાંધણકળામાં પ્રાદેશિક વિવિધતાઓ અને પોશાકની પસંદગીઓ સુધીની રહી છે."
BTech ’24, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, IITGN ના વિદ્યાર્થી અને 2025 ની બેચના ફેલો શ્રી રજની મીનાએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, "હું ભારતના વિવિધ ભાગોની શોધખોળ કરવા અને મારી જાતને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ધકેલવા માંગતો હતો. સૌથી યાદગાર અનુભવોમાંનો એક શિલોંગના પર્વતોની મુલાકાત લેવાનો હતો જ્યાં જ્યારે અમે નીચે જોયું ત્યારે વાદળો અમારી નીચે દેખાતા હતા; તે ખરેખર અવિસ્મરણીય હતું. મર્યાદિત બજેટમાં મુસાફરી કરવાથી મને પૈસાનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું, વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે અનુકૂળ થવું અને એ સમજવાનું શીખવ્યું કે પ્રવાસ એ આરામ કરતાં વધુ અનુભવો વિશે છે. આ ફેલોશિપે મને વધુ આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી. હવે, હું ગર્વથી કહી શકું છું કે હું મારા દેશને જાણું છું."
એક્સપ્લોરર ફેલોશિપની 2024 ની બેચના અન્ય એક ફેલો, કેમિકલ એન્જિનિયરિંગ, IITGN માં BTech ’23 ના વિદ્યાર્થી શ્રી અંતરિક્ષ મિલિંદ ડોંગરેએ જણાવ્યું હતું કે, “મેં એક્સપ્લોરર ફેલોશિપ માટે અરજી કરી કારણ કે હું પાઠ્યપુસ્તકો અને સોશિયલ મીડિયાથી પર રહીને ભારતનો અનુભવ કરવા માંગતો હતો. મુસાફરીના સૌથી યાદગાર ભાગોમાંનો એક ગ્રામીણ દક્ષિણ ભારતમાં પ્રવાસ કરવાનો હતો, જ્યાં ભાષાના અવરોધોને કારણે ઘણીવાર વાતચીત કરવી મુશ્કેલ બનતી હતી. તેમ છતાં, તૂટક સંવાદ, ઇશારાઓ અને થોડા સામાન્ય શબ્દો દ્વારા લોકો અત્યંત આત્મીય, સહયોગી અને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. મર્યાદિત બજેટમાં પ્રવાસ કરવાથી મને આરામ કરતાં અનુભવોને મૂલ્ય આપવાનું અને અજાણ્યા લોકોની દયાળુતાની પ્રશંસા કરવાનું શીખવ્યું. આ ફેલોશિપે મને ભારતની સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી છે, જ્યારે વાસ્તવિક જીવનના અનુભવો દ્વારા મારી વાતચીત, અનુકૂલનક્ષમતા, સમસ્યા હલ કરવાની અને ટીમવર્કની કુશળતાને મજબૂત બનાવી છે.”
એક્સપ્લોરર ફેલોશિપ એવા બહુમુખી વિદ્યાર્થીઓ તૈયાર કરવા પ્રત્યે IITGN ના સમર્પણનું ઉદાહરણ છે જેઓ સામાજિક રીતે જાગૃત અને સાંસ્કૃતિક રીતે જાણકાર હોય, તેમજ તેઓ જે પણ નવા વાતાવરણમાં પ્રવેશે ત્યાં આત્મવિશ્વાસ ધરાવતા હોય. આ વર્ષે અરજીઓમાં વધારો થયો છે, જે અનુભવ અને સંશોધન દ્વારા શીખવાની વિદ્યાર્થીઓની ઇચ્છા વિશે ઘણું કહી જાય છે.
IIT ગાંધીનગર આગામી 5 જૂન 2026 ના રોજ યોજાનાર JEE ઓપન હાઉસ (જુઓ https://iitgn.ac.in/openhouse) જેવી પહેલો દ્વારા સંભવિત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે જોડાવાનું ચાલુ રાખે છે, જે સંસ્થાના શૈક્ષણિક કાર્યક્રમો, વિદ્યાર્થી જીવન અને એક્સપ્લોરર ફેલોશિપ જેવી અનન્ય તકો વિશે વધુ જાણવાની તક પૂરી પાડે છે. એક્સપ્લોરર ફેલોશિપ પ્રોગ્રામ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને નીચેની લિંકની મુલાકાત લો: https://sites.iitgn.ac.in/explorer.
(रिलीज़ आईडी: 2268493)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English