ગૃહ મંત્રાલય
સીબીઆઈ (CBI) એ લોન્ચ કરી 'અભય' (ABHAY)- એઆઈ (AI) સંચાલિત નોટિસ વેરિફિકેશન સિસ્ટમ
નાગરિકોને સીબીઆઈ નોટિસની ચકાસણી કરવા અને ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડને હરાવવા સક્ષમ બનાવવું
પોસ્ટેડ ઓન:
15 MAY 2026 6:57PM by PIB Ahmedabad
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સીબીઆઈ નોટિસની પ્રમાણભૂતતા માટે એઆઈ-આધારિત હેલ્પબોટ 'અભય' (ABHAY- an AI-Based Helpbot for Authentication of CBI notices) લોન્ચ કર્યું છે- જે સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ કૌભાંડોના વધતા જતા જોખમથી નાગરિકોને બચાવવા માટે રચાયેલી પોતાની પ્રકારની પ્રથમ રિયલ-ટાઇમ નોટિસ વેરિફિકેશન સિસ્ટમ છે.
સાયબર-સક્ષમ છેતરપિંડી ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી સામે એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડીપ ફેક જેવી ટેકનોલોજીની ઝડપી પ્રગતિએ સામાન્ય નાગરિકો માટે શું વાસ્તવિક છે અને શું બનાવટી છે તે વચ્ચેનો તફાવત પારખવાનું વધુને વધુ મુશ્કેલ બનાવ્યું છે.
સાયબર છેતરપિંડીનું એક ખાસ કરીને કપટપૂર્ણ સ્વરૂપ - 'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડ - પીડિતના મનમાં તીવ્ર ડર પેદા કરીને કામ કરે છે. તેની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) એક કપટપૂર્ણ નોટિસથી શરૂ થાય છે જે કાયદેસરની કાયદા અમલીકરણ એજન્સી દ્વારા જારી કરવામાં આવી હોય તેવી દેખાય છે. નોટિસમાં પીડિત પર ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો ખોટો આરોપ મૂકવામાં આવે છે. એકવાર પીડિતને છેતરીને પાલન કરવા માટે તૈયાર કરવામાં આવે, પછી છેતરપિંડી કરનારાઓ એક નકલી કાનૂની પ્રક્રિયા શરૂ કરે છે, અને 'ડિજિટલ અરેસ્ટ' ના બહાના હેઠળ પીડિતને દિવસો સુધી દેખરેખ હેઠળ રાખે છે — એક એવો ખ્યાલ કે જેનું ભારતીય કાયદામાં કોઈ કાનૂની અસ્તિત્વ નથી.
નાગરિકોને ઘણીવાર સત્તાવાર નોટિસની પ્રમાણભૂતતા નક્કી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી, સીબીઆઈએ 'અભય' (ABHAY) વિકસાવ્યું છે- જે ચકાસણીની સત્તા દરેક નાગરિકના હાથમાં આપે છે. નાગરિકો સીબીઆઈની સત્તાવાર વેબસાઇટ www.cbi.gov.in દ્વારા કોઈપણ સમયે 'અભય' નો ઉપયોગ કરી શકે છે. ચકાસણી પ્રક્રિયા સરળ છે. સીબીઆઈના નામે નોટિસ મેળવનાર વ્યક્તિએ સીબીઆઈની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ, મુખ્ય વેબપેજ પર 'અભય' (ABHAY) લોગો પર ક્લિક કરવાનું રહેશે. વપરાશકર્તાએ તેના/તેણીના મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને OTP વેરિફિકેશન પ્રક્રિયા કરવાની રહેશે અને પછી મળેલી નોટિસની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાની રહેશે. ચેટબોટ 'અભય' નોટિસની પ્રમાણભૂતતા વિશે માહિતી આપશે અને તેને કાં તો અસલી અથવા સંભવિત રીતે કપટપૂર્ણ જાહેર કરશે.
નાગરિકોને કપટપૂર્ણ યોજનાઓ, ખાસ કરીને સો-કોલ્ડ (કહેવાતી) “ડિજિટલ અરેસ્ટ” યુક્તિઓ સામે સજાગ રહેવાની સલાહ આપવામાં આવે છે. સીબીઆઈ ભારપૂર્વક જણાવે છે કે “ડિજિટલ અરેસ્ટ” નો કોઈ કાનૂની ખ્યાલ નથી. નાગરિકોને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ ગભરાય નહીં અથવા આવા કોલનું પાલન ન કરે. જાહેર જનતાને કપટપૂર્ણ રોકાણ યોજનાઓ અને કાયદા અમલીકરણ અથવા નિયમનકારી એજન્સીઓના નામે કરવામાં આવતા ફેક (રૂપ બદલીને કરાતા) કોલ સામે વધુ સાવધ કરવામાં આવે છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓ અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર જાણ કરવી જોઈએ.
બેંકિંગ અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દુરુપયોગની મંજૂરી આપીને સાયબર ગુનેગારોને મદદ કરતી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કડક કાનૂની પગલાં લેવા માટે સીબીઆઈ તેની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.
(રીલીઝ આઈડી: 2261548)
મુલાકાતી સંખ્યા : 96