નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
ભારતના ક્લીન એનર્જી પુશનો આધાર 'આત્મનિર્ભરતા' છે, CII સમિટમાં શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું
સ્કેલ, સ્પીડ અને આત્મનિર્ભરતા દ્વારા 500 GW નોન-ફોસિલ ક્ષમતાનું લક્ષ્ય પહોંચમાં છે: કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી
ભારતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક નેતૃત્વ માટે નવીનીકરણીય ઊર્જા કેન્દ્રસ્થાને: શ્રી જોશી
પોસ્ટેડ ઓન:
12 MAY 2026 7:22PM by PIB Ahmedabad
ભારતના વિકસતા વિકાસના દૃષ્ટિકોણને સ્પષ્ટ રીતે રજૂ કરતા, કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશનું ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન (સ્વચ્છ ઊર્જા તરફ પ્રયાણ) હવે માત્ર આબોહવા પરિવર્તનની પ્રતિબદ્ધતાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે હવે ભારતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા, વ્યાપાર સ્થિતિ અને લાંબા ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતા ઘડવામાં કેન્દ્રસ્થાને છે.
આજે અહીં 'CII એન્યુઅલ બિઝનેસ સમિટ 2026' ને સંબોધતા મંત્રીશ્રીએ હાઇલાઇટ કર્યું હતું કે, 500 GW બિન-અશ્મિભૂત ઈંધણ (non-fossil fuel) ક્ષમતા તરફની ભારતની સફર સાથે સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, નવીનતા આધારિત અને આત્મનિર્ભર ઊર્જા ઇકોસિસ્ટમનો પાયો નાખી રહી છે.
શ્રી જોશીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભરતાનો ખ્યાલ સ્થિતિસ્થાપક અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત માળખા તરીકે વિકસિત થયો છે. તેમણે નોંધ્યું હતું કે કોવિડ-19 મહામારી દરમિયાન ભારતનો પ્રતિસાદ, ખાસ કરીને 'વેક્સિન મૈત્રી' પહેલ દ્વારા, દર્શાવે છે કે કેવી રીતે સ્થાનિક ક્ષમતા વૈશ્વિક જવાબદારીમાં પૂરક બની શકે છે. તેમણે વધુમાં હાઇલાઇટ કર્યું કે UPI સહિત ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે, જ્યારે બ્રહ્મોસ મિસાઇલ્સ અને LCA તેજસ એરક્રાફ્ટ જેવી સંરક્ષણ ઉત્પાદન નિકાસ વધતી જતી તકનીકી આત્મનિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આત્મનિર્ભરતા એટલે અલગતા નથી; તે આત્મવિશ્વાસ, ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા વિશે છે.”
મંત્રીશ્રીએ નોંધ્યું હતું કે થોડા દિવસો પહેલા જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સાત અપીલ કરી હતી, જેમાં જીવન જીવવાની અને કામ કરવાની વધુ જવાબદાર અને આત્મનિર્ભર રીતો અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે આ સંદેશ તે દિશા દર્શાવે છે જેમાં ભારત અને વિશ્વ બંને આગળ વધી રહ્યા છે, જ્યાં ટકાઉપણું (sustainability) અને આત્મનિર્ભરતા ભવિષ્યના વિકાસના માર્ગો માટે કેન્દ્રસ્થાને બની રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ અવલોકન કર્યું કે વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં, ઊર્જા નીતિ હવે ઔદ્યોગિક અને વ્યાપાર નીતિનો પર્યાય બની ગઈ છે. તેમણે ધ્યાન દોર્યું કે કાર્બન-લિંક્ડ ટ્રેડ રેગ્યુલેશન જેવા વિકસતા વૈશ્વિક માળખા આંતરરાષ્ટ્રીય બજારોને નવો આકાર આપી રહ્યા છે. શ્રી જોશીએ નોંધ્યું હતું કે ભારતીય ઉદ્યોગો માટે નવીનીકરણીય ઊર્જા અપનાવવી હવે વૈકલ્પિક નથી પરંતુ નિકાસ સ્પર્ધાત્મકતા જાળવી રાખવા અને ભવિષ્યના ખર્ચના દબાણને સંચાલિત કરવા માટે આવશ્યક છે.
ભારતની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે દેશમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી વિસ્તરણ નોંધાયું છે. તેમણે બિન-અશ્મિભૂત ઊર્જા, સૌર અને પવન ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ તેમજ સોલર મોડ્યુલ્સ અને સેલ્સના સ્થાનિક ઉત્પાદનમાં થયેલી મોટી પ્રગતિને ટાંકી હતી. તેમણે એમ પણ નોંધ્યું હતું કે નવીનીકરણીય ઊર્જાએ ભારતીય રેકોર્ડબ્રેક પીક પાવર ડિમાન્ડને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જે 256 GW ની અત્યાર સુધીની સૌથી વધુ માંગના લગભગ ત્રીજા ભાગમાં યોગદાન આપે છે.
તેમણે વધુમાં હાઇલાઇટ કર્યું કે જ્યારે વૈશ્વિક નવીનીકરણીય ઊર્જા રોકાણમાં લગભગ 7 ટકાનો ઘટાડો થયો છે, ત્યારે ભારતમાં મજબૂત રોકાણ પ્રવાહ આકર્ષવાનું ચાલુ રહ્યું છે, જે તેના સ્વચ્છ ઊર્જા માર્ગમાં વધતા વૈશ્વિક વિશ્વાસને રેખાંકિત કરે છે. શ્રી જોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પ્રગતિ સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ઊંડી અને અસરકારક ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે, જે ભારતના નવીનીકરણીય ઊર્જા વિસ્તરણને આગળ વધારવામાં નિમિત્ત બની છે.
શ્રી જોશીએ નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને મજબૂત કરવા માટે લેવામાં આવેલા મુખ્ય નીતિગત પગલાંની રૂપરેખા આપી હતી, જેમાં લાંબા ગાળાના રિન્યુએબલ કન્ઝમ્પશન ઓબ્લિગેશન (RCO) ના માર્ગોની સૂચના, કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટ રેગ્યુલેશન્સ, 2026 ની રજૂઆત, લાંબા ગાળાના ગ્રીન એમોનિયા પ્રોક્યોરમેન્ટ એગ્રીમેન્ટ્સ, સોલર પીવી (PV) મોડ્યુલ્સ માટે પ્રમાણિત વોરંટી ફ્રેમવર્ક, રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટ ઇમ્પોર્ટ મોનિટરિંગ સિસ્ટમ અને સ્થાનિક ઉત્પાદનને ટેકો આપતા ટેક્સ અને ડ્યુટી સુધારાઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ પગલાંનો ઉદ્દેશ્ય લાંબા ગાળાની નીતિગત સ્થિરતા પૂરી પાડવાનો, રોકાણકારોનો વિશ્વાસ વધારવાનો અને સ્થાનિક મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવાનો છે.
મંત્રીશ્રીએ હાઇલાઇટ કર્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ, કેમિકલ્સ, ઓટોમોટિવ અને ટેક્સટાઇલ જેવા મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા માટે નવીનીકરણીય ઊર્જા એક નિર્ણાયક પરિબળ બની રહી છે. તેમણે આગામી તબક્કાના વિકાસમાં ગ્રીન હાઇડ્રોજન, બેટરી સ્ટોરેજ, પમ્પ્ડ હાઇડ્રો, ઓફશોર વિન્ડ અને રાઉન્ડ-ધ-ક્લોક રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ જેવા ઉભરતા ક્ષેત્રોના મહત્વ પર ભાર મૂક્યો હતો.
શ્રી જોશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઈંધણ ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવાના સાચા માર્ગ પર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી તબક્કામાં જનરેશન, સ્ટોરેજ અને ટ્રાન્સમિશન સિસ્ટમ્સના ઊંડા એકીકરણની સાથે ગ્રીડની મજબૂતી વધારવાની જરૂર પડશે. તેમણે વિકાસની ગતિ જાળવી રાખવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સતત સહયોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતની બિન-અશ્મિભૂત ઈંધણ ક્ષમતા 2014માં 81 GW હતી જે વધીને અત્યારે 288 GW થઈ છે, જે (256 %) થી વધુની વૃદ્ધિ દર્શાવે છે. સૌર ઊર્જા ક્ષમતા 2.8 GW થી વધીને 155 GW થઈ છે, જ્યારે પવન ઊર્જા ક્ષમતા 21 GW થી વધીને 56.4 GW થઈ છે.
ઉદ્યોગના હિસ્સેદારોની ભૂમિકાને સ્વીકારતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી પ્રગતિ મજબૂત પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપનું પરિણામ છે. તેમણે કહ્યું કે, “સરકાર અને ઉદ્યોગ વચ્ચેની વહેંચાયેલી પ્રતિબદ્ધતા વધુ મહત્વની બની રહેશે કારણ કે આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, તકનીકી રીતે અદ્યતન અને સર્વસમાવેશક ઊર્જા પ્રણાલી બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ.” તેમણે ઉદ્યોગના હિસ્સેદારો અને વૈશ્વિક રોકાણકારોને આ વર્ષના અંતમાં યોજાનાર આગામી 'રિન્યુએબલ એનર્જી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ' માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
શ્રી જોશીએ વિશ્વાસ વ્યક્ત કરીને વાત પૂર્ણ કરી હતી કે સ્કેલ, સ્પીડ, સ્કિલ અને આત્મનિર્ભરતા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત માત્ર તેના ક્લીન એનર્જી લક્ષ્યાંકો જ હાંસલ કરશે નહીં, પરંતુ ટકાઉ ઔદ્યોગિક પરિવર્તન માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે પણ ઉભરી આવશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2260463)
મુલાકાતી સંખ્યા : 9