નાગરિક ઉડ્ડયન મંત્રાલય
દેશમાં એરક્રાફ્ટ લિઝિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસીસ સેન્ટર ઓથોરીટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ભારતની કોમર્શિયલ ફ્લીટ આગામી 10 વર્ષમાં ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સિવિલ એવિએશન માર્કેટ બનાવશે – કેન્દ્રીય મંત્રી શ્રી રામ મોહન નાયડુ
ભારતીય ઉડ્ડયનના ઈતિહાસમાં “મોડિફાઇડ ઉડાન (UDAN) સ્કીમ” મહત્વપૂર્ણ સુધારાઓમાંના એક તરીકે ઉભરશે - શ્રી રામ મોહન નાયડુ
પોસ્ટેડ ઓન:
08 MAY 2026 3:09PM by PIB Ahmedabad
આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે આયોજિત ઈન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0ને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ એ ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વનું પાસું છે. અત્યાર સુધી આપણી એરલાઈન્સ કંપનીઓને એરક્રાફ્ટ લીઝ પર લેવા માટે વિદેશી નાણાકીય કેન્દ્રો પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગિફ્ટ સિટીમાં જે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર એટલે કે IFSC કાર્યરત થયું છે, તેણે આ દિશામાં નવા દ્વાર ખોલ્યા છે. તેમણે ઉમેર્યુ હતું કે ગુજરાત સરકાર ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. અમે રાજ્યમાં એર કનેક્ટિવિટી વધારવા અને એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર સતત ધ્યાન આપી રહ્યા છીએ અને પ્રધાનમંત્રીશ્રીના 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને સાકાર કરવામાં એવિએશન સેક્ટરમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુએ સંબોધન કરતા કહ્યું હતું કે સમગ્ર દેશ અને વિશ્વભરમાંથી મળેલા અસાધારણ પ્રતિસાદને કારણે આ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. મંત્રીશ્રીએ ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે, એક વર્ષ પહેલાં આપણે આ જ કક્ષમાં બેસીને એક ખૂબ જ સાહસિક પ્રશ્ન પૂછ્યો હતો: "શું ભારત એરક્રાફ્ટ લીઝિંગ (વિમાન ભાડાપટ્ટે આપવાની પ્રક્રિયા) ને સ્વદેશ લાવી શકે છે?" આજે, હું અત્યંત આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે આપણે તે પ્રશ્નનો મક્કમતાપૂર્વક 'હા' માં જવાબ આપવાના માર્ગ પર સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પરિવર્તનકારી વિઝન વિના આ સિદ્ધિ શક્ય ન હોત. પ્રધાનમંત્રીના "મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ" ના આહ્વાન અને ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે સ્થાપિત કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ ઉડ્ડયન સહિતના દેશના દરેક ક્ષેત્રને એક નવો હેતુ અને દિશા આપ્યા છે. તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત માત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક જ નથી બન્યું, પરંતુ તે એક એવા રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે જેની તરફ આજે સમગ્ર વિશ્વ પ્રેરણા, ભાગીદારી અને નેતૃત્વ માટે આશાસ્પદ નજરે જોઈ રહ્યું છે.
શ્રી નાયડુએ 'સબકા સાથ, સબકા વિકાસ' ના મંત્રનો ઉલ્લેખ કરતા ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલ ભારતનો સંયુક્ત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ્સ પરનો પેસેન્જર ટ્રાફિક 191 Million સુધી પહોંચી ગયો છે. ભારતની કોમર્શિયલ ફ્લીટ 2027 સુધીમાં 1,100 એરક્રાફ્ટ સુધી પહોંચી જશે અને આગામી 10 વર્ષોમાં તે ત્રણ ગણી વધીને 2,250 એરક્રાફ્ટ સુધી પહોંચવાની સંભાવના છે, જે ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સિવિલ એવિએશન માર્કેટ બનાવશે. ભારતીય ડોમેસ્ટિક કેરિયર્સ દ્વારા મૂકવામાં આવેલા વિશાળ ઓર્ડર્સનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ઇન્ડિગો દ્વારા એરબસ સાથે કુલ 1,330 એરક્રાફ્ટના ઓર્ડર અને એર ઇન્ડિયા દ્વારા આશરે 570 વિમાનોના ઓર્ડર આપવામાં આવ્યા છે. અન્ય નવી એરક્રાફ્ટ કંપનીઓ પણ આ ક્ષેત્રમાં જોડાઈ રહી છે. આ માત્ર વિસ્તરણ નથી પરંતુ ભારતના ઉડ્ડયન ભવિષ્યમાં વિશ્વાસની જાહેરાત છે.

નાગરિક ઉડ્ડયન મંત્રીએ માર્ચ 2025 માં યોજાયેલી અગાઉની સમિટ પછીથી અત્યાર સુધીમાં હાંસલ કરાયેલી સીમાચિહ્નરૂપ પ્રગતિ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા અત્યંત પ્રતિષ્ઠિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ્સ – નવી મુંબઇ અને જેવરનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગત વર્ષે 23 નવેમ્બરના રોજ ભારતે એક જ દિવસમાં 5.3 લાખથી વધુ ઘરેલું મુસાફરોની સંખ્યા સાથે સર્વોચ્ચ રેકોર્ડ નોંધાવ્યો હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી સતત એવા ઘણા દિવસો આવ્યા છે જેમાં દરરોજ 5 લાખથી વધુ મુસાફરોએ પ્રવાસ કર્યો છે.
વધુમાં મંત્રીશ્રીએ કહયું હતું કે મોડિફાઇડ ઉડાન (UDAN) સ્કીમ હેઠળ આગામી 10 વર્ષોમાં 100 એરપોર્ટ અને 200 હેલીપોર્ટ વિકસાવવા માટે 29,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક ફંડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય ઉડ્ડયનના ઈતિહાસમાં આટલા મોટા પાયે આ પ્રકારની આર્થિક સહાય ક્યારેય જાહેર કરવામાં આવી નથી.

મંત્રીશ્રીએ જણાવ્યું કે કાયદાકીય સુધારાને કારણે ભારતીય કેરિયર્સને વાર્ષિક અંદાજે 500 મિલિયન ડોલરની માતબર બચત થશે. અંતમાં તેમણે માહિતી આપી હતી કે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમને વધુ બળ આપવા માટે એક હાઈ-લેવલ સ્ટેકહોલ્ડર કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિ સંબંધિત સરકારી વિભાગો અને વિવિધ ઉદ્યોગ સંગઠનોના નોડલ અધિકારીઓની બનેલી છે, જે સમયાંતરે આ ક્ષેત્રના માળખાની સમીક્ષા કરશે અને તેને વધુ વૈશ્વિક અને મજબૂત બનાવવા માટે મહત્વની ભલામણો રજૂ કરશે.
આ પ્રસંગે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સીનીયર ઇકોનોમિક એડવાઇઝર શ્રી અમિત રે, આઈએફએસસીએના ચેયરમેન શ્રી કે. રાજારમન, ફિક્કીના ચેરમેન શ્રી જ્યુર્ગેન વેસ્ટરમાયર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સેક્રેટરી શ્રી સમીરકુમાર સિંહા ઉપસ્થિત રહ્યા હતા.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2259028)
મુલાકાતી સંખ્યા : 107