નીતિ આયોગ
નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે 'સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી' અંગે વર્કશોપનું આયોજન કરાયું
મહિલા સશક્તિકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી
प्रविष्टि तिथि:
07 MAY 2026 5:15PM by PIB Ahmedabad
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપુર્ણા દેવીની ખાસ ઉપસ્થિતિમાં IIM અમદાવાદ ખાતે 7 મે 2026ના રોજ સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5: જાતિ સમાનતા પર NITI-SSM વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન NITI આયોગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા અને SDG 5: જાતિ સમાનતા પર રાજ્ય અને જિલ્લા અહેવાલો લોન્ચ કર્યા હતા.
કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ડેટા પોલિસી કન્વર્જન્સ અને લોકલ એક્શન દ્વારા માનવકેન્દ્રિત વિકાસના વિઝનને સાકાર કરવા તરફ આ પહેલ મહત્વપૂર્ણ અને પ્રશંસનીય છે. સરકાર, સમાજ અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરે ત્યારે પરિવર્તનની ગતિ અને તેનો પ્રભાવ વધુ વ્યાપક બને છે. તેમણે ઉમેર્યું હતું કે વર્કશોપમાં યોજાનારી ચર્ચાઓ “વિકસિત ભારત”ના સામૂહિક સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં ડેટા નીતિ નિર્માણની આધારશિલા બની ગયો છે. ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રિયલ-ટાઇમ ડેટા સિસ્ટમ્સ દ્વારા વધુ ચોક્કસ અને અસરકારક હસ્તક્ષેપ શક્ય બન્યા છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટેની યોજનાઓમાં ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ, સમયબદ્ધ મૂલ્યાંકન અને સ્થાનિક સ્તરે પ્રતિસાદ વ્યવસ્થા અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશ “વુમન લેડ ડેવલપમેન્ટ”ના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે મિશન પોષણ 2.0, મિશન શક્તિ અને મિશન વાત્સલ્ય જેવી યોજનાઓ દ્વારા પોષણ, સુરક્ષા અને સશક્તિકરણના ત્રણેય સ્તંભો પર કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોષણ ટ્રેકર એપ મારફતે 10 કરોડથી વધુ માતાઓ અને બાળકોના આરોગ્યનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 4.25 કરોડથી વધુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓને DBT મારફતે 20 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આથી માતા અને બાળકના આરોગ્યમાં સુધારો થયો છે તેમજ માતૃત્વ મૃત્યુદરમાં ઘટાડો લાવવામાં મદદ મળી છે. મિશન શક્તિ અંતર્ગત વન સ્ટોપ સેન્ટર, મહિલા હેલ્પલાઇન, મહિલા સહાય ડેસ્ક, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને સેફ સિટી પ્રોજેક્ટ જેવી પહેલોએ મહિલાઓ માટે મજબૂત સુરક્ષા કવચ ઉભું કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની વર્કફોર્સ ભાગીદારી 2017-18ના 23.3 ટકાથી વધીને 2023-24 દરમિયાન આશરે 41 ટકા સુધી પહોંચી છે, જે મહિલા સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. દેશની 10 કરોડથી વધુ મહિલાઓ સ્વસહાય જૂથો સાથે જોડાઈ ગ્રામીણ અર્થતંત્રમાં આત્મનિર્ભરતાનો નવો અધ્યાય લખી રહી છે. તેમણે જણાવ્યું કે દેશમાં 14 લાખથી વધુ ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિઓ ગ્રામ વિકાસનું નેતૃત્વ કરી રહી છે. મહિલા સરપંચો ગામના આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્યને પ્રાથમિકતા આપે છે. “નારી શક્તિ વંદન અધિનિયમ”ને ઐતિહાસિક પગલું ગણાવતા તેમણે કહ્યું કે મહિલાઓને રાજકીય પ્રતિનિધિત્વમાં આરક્ષણ આપીને મહિલા નેતૃત્વ આધારિત વિકાસને સંવિધાનિક શક્તિ આપવામાં આવી છે.
વર્કશોપમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષા વકીલ પણ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમણે કહ્યું કે, મહિલા સશક્તિકરણ માત્ર વિકાસનો મુદ્દો નથી પરંતુ ન્યાય, સમાનતા, ગૌરવ અને સામાજિક પરિવર્તનનો આધારસ્તંભ છે. તેમણે જણાવ્યું હતું કે વિકાસ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સર્વસમાવેશક અને સમાનતાપૂર્ણ હોય.

મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મહિલા કેન્દ્રિત સુશાસનની મજબૂત પાયાની સ્થાપના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થઈ હતી. “બેટી બચાઓ”, “કન્યા કેળવણી મહોત્સવ” અને “શાળા પ્રવેશોત્સવ” જેવી પહેલોએ માત્ર યોજનાઓ નહીં પરંતુ સામાજિક જનઆંદોલનનું બન્યું હતું. આ પહેલોએ સમાજમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર મહિલાઓને માત્ર કલ્યાણ યોજનાઓના લાભાર્થી તરીકે નહીં પરંતુ વિકાસના સમાન ભાગીદાર તરીકે માને છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ગુજરાત સરકારે જેન્ડર બજેટિંગ અંતર્ગત રૂ. 1.62 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે રાજ્યના કુલ બજેટના 39.94 ટકા જેટલી છે. આ ફાળવણી રાજ્યની મહિલા સંવેદનશીલ અને સમાનતાપૂર્ણ નીતિઓ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માતૃત્વ લાભ કવરેજ 8.9 ટકાથી વધીને 97.7 ટકા સુધી પહોંચ્યું છે, જ્યારે સંસ્થાગત પ્રસૂતિનું પ્રમાણ 99.94 ટકા સુધી પહોંચ્યું છે. મહિલાઓના સ્વસહાય જૂથોને મળતી સંસ્થાગત ઋણ સહાયમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
અંતમાં મંત્રીએ જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માટે માત્ર યોજનાઓ પૂરતી નથી, પરંતુ સામાજિક માનસિકતા પરિવર્તન અને સમૂહ સ્તરે સતત જાગૃતિ પણ જરૂરી છે. મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધારવી, ડિજિટલ સમાવેશ મજબૂત બનાવવો, મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું અને સુરક્ષિત કાર્યસ્થળો ઊભા કરવાનું આગામી સમયનું મુખ્ય લક્ષ્ય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્કશોપ SDG-5ના લક્ષ્યો હાંસલ કરવા તેમજ વધુ સમાનતાપૂર્ણ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
ઉપરાંત, કાર્યક્રમમાં નીતિ આયોગના સભ્ય શ્રી રાજીવ કુમાર સેન, IIM અમદાવાદના શ્રીમતી પ્રોફેસર વિદ્યા વેમીરેડ્ડી, નીતિ આયોગના પ્રોગ્રામ ડિરેક્ટર શ્રીમતી અન્ના રોય, IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર શ્રી ભરત ભાસ્કર, ભારત ખાતે સંયુક્ત રાષ્ટ્રના રેસિડેન્ટ કોઓર્ડિનેટર શ્રી સ્ટિફન પ્રિસ્નર, નીતિ આયોગના સભ્ય શ્રી ડૉ. એમ. શ્રીનિવાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ “વિકસિત ભારત” અને “વિકસિત ગુજરાત”ના વિઝનને સાકાર બનાવવા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને સમયની સૌથી મોટી આવશ્યકતા ગણાવી હતી.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2258763)
आगंतुक पटल : 73
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English