કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

કેબિનેટે ભારતના સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) ના ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવાની મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 05 MAY 2026 7:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વર્તમાન 33 થી 4 વધારીને 37 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવા માટે 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) એક્ટ, 1956' માં સુધારો કરવા માટે સંસદમાં 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ બિલ, 2026' રજૂ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

મુદ્દાવર વિગતો:

'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ બિલ, 2026' સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં 04 નો વધારો કરવાની એટલે કે 33 થી વધારીને 37 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવાની જોગવાઈ કરે છે.

મુખ્ય અસર:

ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થવાથી સર્વોચ્ચ ન્યાયાલય વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે કામગીરી કરી શકશે અને ઝડપી ન્યાય સુનિશ્ચિત થશે.

ખર્ચ:

ન્યાયાધીશો અને સહાયક સ્ટાફના પગાર તેમજ અન્ય સુવિધાઓ પાછળનો ખર્ચ ભારતની સંચિત નિધિ (Consolidated Fund of India) માંથી મેળવવામાં આવશે.

પૃષ્ઠભૂમિ:

ભારતના બંધારણની કલમ 124 (1) માં અન્ય બાબતોની સાથે જોગવાઈ કરવામાં આવી હતી કે "ભારતની એક સર્વોચ્ચ અદાલત રહેશે જેમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને, જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા મોટી સંખ્યા નક્કી ન કરે ત્યાં સુધી, સાતથી વધુ અન્ય ન્યાયાધીશો રહેશે નહીં...".

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનો કાયદો 1956 માં 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) એક્ટ, 1956' દ્વારા ઘડવામાં આવ્યો હતો. આ કાયદાની કલમ 2 માં ન્યાયાધીશોની મહત્તમ સંખ્યા (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) 10 હોવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 1960' દ્વારા વધારીને 13 અને 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 1977' દ્વારા વધારીને 17 કરવામાં આવી હતી. જો કે, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના કાર્યકારી ન્યાયાધીશોની સંખ્યા કેબિનેટ દ્વારા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય 15 ન્યાયાધીશો સુધી મર્યાદિત રાખવામાં આવી હતી, જે 1979 ના અંત સુધી ચાલુ રહી હતી, જ્યારે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની વિનંતી પર આ મર્યાદા પાછી ખેંચી લેવામાં આવી હતી.

'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 1986' દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય, 17 થી વધારીને 25 કરવામાં આવી હતી. ત્યારબાદ, 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 2008' દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા 25 થી વધારીને 30 કરવામાં આવી હતી.

મૂળ કાયદામાં વધુ સુધારો કરીને 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 2019' દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા છેલ્લે 30 થી વધારીને 33 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવામાં આવી હતી.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2258224) મુલાકાતી સંખ્યા : 5
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi