કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે ₹5,659.22 કરોડના કોટન પ્રોડક્ટિવિટી મિશનને મંજૂરી આપી, જે કપાસ ક્ષેત્રને પુનર્જીવિત કરવા તરફનું ઐતિહાસિક પગલું: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ


કોટન પ્રોડક્ટિવિટી મિશન ખેડૂતોની આવક, ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો કરશે: કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

સંશોધન, ટેકનોલોજી અને વિસ્તરણ સેવાઓ કપાસની ખેતીમાં નવું પરિવર્તન લાવશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

5F વિઝન વધુ મજબૂત બનશે, ખેડૂતોથી લઈને ટેક્સટાઇલ ઉદ્યોગ સુધી મજબૂત ગ્રોથ લિંક બનાવવામાં આવશે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

SCO સહયોગ ખાદ્ય સુરક્ષા, સુરક્ષિત વ્યાપાર અને કૃષિ સંરક્ષણ પ્રણાલીઓને મજબૂત કરશે: કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ

પોસ્ટેડ ઓન: 05 MAY 2026 8:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે કોટન પ્રોડક્ટિવિટી મિશનને મંજૂરી આપી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ મિશનની મંજૂરી અને તેની સાથે એસસીઓ (SCO) સભ્ય દેશો સાથે કૃષિ પેદાશોના સુરક્ષિત વ્યાપાર, પ્લાન્ટ ક્વોરેન્ટાઇન અને ફાયટોસેનિટરી સહયોગ અંગેનો કરાર એ ખેડૂતો, કૃષિ અર્થતંત્ર અને દેશની ખાદ્ય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ પહેલ કપાસની વાવણી કરતા ખેડૂતોને આધુનિક સંશોધન, અદ્યતન ટેકનોલોજી અને સુધારેલી ઉત્પાદન પ્રણાલીઓ સાથે જોડશે, જ્યારે સુરક્ષિત કૃષિ વ્યાપારને પણ મજબૂત બનાવશે, જંતુઓ સંબંધિત જોખમો ઘટાડશે અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં વધારો કરશે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા કોટન પ્રોડક્ટિવિટી મિશનની મંજૂરી એ દેશના કપાસ વાવણી કરતા ખેડૂતો માટે અત્યંત પ્રોત્સાહક, દૂરંદેશી અને પરિવર્તનકારી નિર્ણય છે. તેમણે નોંધ્યું હતું કે વૈશ્વિક કપાસ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 21 ટકાથી વધુ છે અને કપાસની ખેતી 11.447 મિલિયન હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જે આ ક્ષેત્રને લાખો ખેડૂતોની આજીવિકા તેમજ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કપાસ ક્ષેત્ર લાંબા સમયથી ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ઓછી ઉત્પાદકતા, વરસાદ આધારિત ખેતી, ગુલાબી ઇયળ (પિંક બોલવોર્મ) સામે પ્રતિકારકતા, આબોહવા સંબંધિત જોખમો, જમીનનું ધોવાણ, નબળી પાક વ્યવસ્થાપન પદ્ધતિઓ, ગુણવત્તાયુક્ત ઇનપુટ્સની મર્યાદિત ઉપલબ્ધતા અને પ્રાદેશિક અસમાનતાઓ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદનમાં ઘટાડો અને વપરાશ તેમજ પુરવઠા વચ્ચે વધતી જતી ખાઈએ સ્પષ્ટ કર્યું છે કે કપાસ ક્ષેત્રમાં તાત્કાલિક વ્યાપક, સંગઠિત અને વૈજ્ઞાનિક હસ્તક્ષેપની જરૂર હતી.

તેમણે ઉમેર્યું હતું કે કોટન પ્રોડક્ટિવિટી મિશન ખેડૂતોની આવકમાં વધારો કરીને, ગુણવત્તાયુક્ત કપાસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરીને અને ભારતના પરંપરાગત ટેક્સટાઇલ ક્ષેત્રને પુનર્જીવિત કરીને આ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ મિશન ટેક્સટાઇલ ક્ષેત્રના સંકલિત 5F વિઝન (Farm, Fibre, Factory, Fashion and Foreign - ફાર્મ, ફાઇબર, ફેક્ટરી, ફેશન અને ફોરેન) સાથે સુસંગત છે અને તે દેશને કૃષિથી લઈને ઉદ્યોગ સુધી એક મજબૂત અને ટકાઉ વેલ્યુ ચેઈન પ્રદાન કરશે.

તેમણે માહિતી આપી હતી કે આ મિશન માટે કુલ ₹5,659.22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેનો પ્રથમ મુખ્ય ઘટક સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ સહિતના વ્યૂહાત્મક હસ્તક્ષેપો દ્વારા કપાસની ઉત્પાદકતા અને ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઘટક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DA&FW) અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE) દ્વારા લાગુ કરવામાં આવશે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે DARE હેઠળ, કપાસની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં સુધારો લાવવાના હેતુથી સંશોધન આધારિત હસ્તક્ષેપો પાછળ ₹555.05 કરોડ ખર્ચવામાં આવશે. આ પહેલ હેઠળ, જંતુ પ્રતિકારકતા, ઉચ્ચ જીનિંગ ટકાવારી, બહેતર ઉપજ, શ્રેષ્ઠ ફાઇબર ગુણવત્તા, જૈવિક તાણ સામે સહિષ્ણુતા (biotic stress tolerance), ટ્રાન્સજેનિક ટેકનોલોજી, ટીલિંગ, જીનોમ એડિટિંગ અને પ્રદેશ-વિશિષ્ટ એક્સ્ટ્રા-લોન્ગ સ્ટેપલ, રંગીન તેમજ દેશી કપાસની જાતો પર વિશેષ ભાર આપીને કપાસની 24 નવી ઉચ્ચ ઉપજ આપતી અને આબોહવા-સ્થિતિસ્થાપક જાતો તેમજ હાઇબ્રિડ વિકસાવવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે DA&FW હેઠળ, પાક ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજીના મોટા પાયે વિસ્તરણ માટે ₹3,804.17 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આમાં ફિલ્ડ લેવલ પર ડેમોન્સ્ટ્રેશન (પ્રદર્શન) આધારિત હાઇ-ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ્સ (વધુ ગીચ વાવેતર પદ્ધતિ), નેરો-સ્પેસિંગ પ્લાન્ટિંગ સિસ્ટમ્સ (ઓછા અંતરે વાવેતર પદ્ધતિ), એક્સ્ટ્રા-લોન્ગ સ્ટેપલ જાતો અને સંકલિત પાક વ્યવસ્થાપન પદ્ધતિઓના પ્રચારનો સમાવેશ થશે.

તેમણે જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં આ મિશન 14 કપાસ ઉત્પાદક રાજ્યોના 140 જિલ્લાઓમાં લગભગ 24 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેશે અને તેનાથી આશરે 32 લાખ ખેડૂતોને ફાયદો થવાની અપેક્ષા છે. રાજ્ય સરકારો અને ICAR દ્વારા અમલીકરણ એ સુનિશ્ચિત કરશે કે નવી ટેકનોલોજી, સુધારેલી પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક સલાહ સેવાઓ સીધી ખેડૂતો સુધી પહોંચે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ મિશનનો ઉદ્દેશ્ય 2031 સુધીમાં વર્તમાન કપાસ ઉત્પાદકતાના સ્તરને હેક્ટર દીઠ આશરે 440 કિલોગ્રામ લિન્ટથી વધારીને 755 કિલોગ્રામ લિન્ટ કરવાનો છે. તેવી જ રીતે, કપાસનું ઉત્પાદન વર્તમાન 297 લાખ ગાંસડીથી વધારીને 2031 સુધીમાં 498 લાખ ગાંસડી કરવાનો લક્ષ્યાંક છે. તેમણે જણાવ્યું હતું કે આ લક્ષ્યાંકો માત્ર કપાસ ઉત્પાદનને નવી ઊંચાઈઓ પર લઈ જશે એટલું જ નહીં, પરંતુ દેશના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ગુણવત્તાયુક્ત કાચા માલની સ્થિર ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરશે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા એસસીઓ (SCO) સભ્ય દેશો સાથેના કરારની મંજૂરી એ કૃષિ ક્ષેત્ર માટે અન્ય એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. આ કરારનો ઉદ્દેશ્ય ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સભ્ય દેશો વચ્ચે કૃષિ પેદાશોના સુરક્ષિત વ્યાપારને સરળ બનાવવાનો અને કૃષિ વ્યાપારમાં જંતુઓના ઉપદ્રવના જોખમને ન્યૂનતમ કરવા માટે પ્લાન્ટ ક્વોરેન્ટાઇન અને ફાયટોસેનિટરી પગલાંને મજબૂત કરવાનો છે.

તેમણે જણાવ્યું હતું કે આ સહયોગ માળખા હેઠળ, સભ્ય દેશો પ્લાન્ટ ક્વોરેન્ટાઇન સિસ્ટમને મજબૂત કરવા, માહિતી અને અનુભવો શેર કરવા, ક્ષમતા નિર્માણની પહેલ હાથ ધરવા, ટેકનિકલ સહયોગ અને સંશોધનને પ્રોત્સાહન આપવા, નિયમનકારી પ્રણાલીઓ પર સાથે મળીને કામ કરવા, જંતુ-મુક્ત વિસ્તારો સંબંધિત માહિતીનું આદાનપ્રદાન કરવા અને સંયુક્ત કાર્યક્રમો, તાલીમ વર્કશોપ, પરિષદો, જાગૃતિ અભિયાનો તેમજ ફિલ્ડ કવાયતોનું આયોજન કરવા માટે સાથે મળીને કામ કરશે.

તેમણે ઉમેર્યું હતું કે આ સહયોગ કૃષિ સુરક્ષા માળખાને મજબૂત બનાવશે, વ્યાપારિક વિશ્વાસ વધારશે અને લાંબા ગાળાના પ્રાદેશિક સહયોગને એક નવો આયામ આપશે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે જ્યાં કોટન પ્રોડક્ટિવિટી મિશન ખેડૂતોને ઉચ્ચ ઉત્પાદન, બહેતર ગુણવત્તા અને વધેલી આવક સાથે સશક્ત બનાવશે, ત્યાં એસસીઓ (SCO) સહયોગ કૃષિ વ્યાપારને વધુ સુરક્ષિત, વધુ વ્યવસ્થિત અને વધુ વૈજ્ઞાનિક બનાવશે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનો દરેક નિર્ણય ખેડૂત કલ્યાણ, કૃષિ પ્રગતિ, ખાદ્ય સુરક્ષા અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવે છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2258213) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu