નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

GST અને કસ્ટમ્સની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે DGTS દ્વારા વિશેષ પહેલ: પ્રિન્સિપલ એડીજી


ઔદ્યોગિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સંવાદ કરવાનો ઉદ્દેશ્ય

વ્યવહારુ અને નીતિગત મુદ્દાઓ અંગે કરદાતાઓ પાસેથી સૂચનો માટે સીધું આમંત્રણ

પોસ્ટેડ ઓન: 27 APR 2026 7:18PM by PIB Ahmedabad

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS), અમદાવાદ ઝોનલ યુનિટના પ્રિન્સિપલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિત કુમારે આજે 27 એપ્રિલ, 2026ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સીજીએસટી (CGST) ઓફિસ, સુરતના કોન્ફરન્સ રૂમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.

 શ્રી સુમિત કુમારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ આ સપ્તાહે સુરત અને તેની આસપાસના વિસ્તારોના વ્યાપક પ્રવાસે રહેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને જીએસટી (GST) અધિકારીઓ સાથે બેઠકો યોજશે. આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય જીએસટી અને કસ્ટમ્સને લગતા વ્યવહારુ અને નીતિગત પ્રશ્નોનો ગ્રાઉન્ડ લેવલ પર શક્ય તેટલી ઝડપથી ઉકેલ લાવવાનો છે. આ મુલાકાતનો હેતુ કરદાતાઓ સુધી પહોંચવાનો, તેમની ફરિયાદો સાંભળવાનો અને ઉકેલવાનો તથા દક્ષિણ ગુજરાતમાં ટેક્સ શિક્ષણની જરૂરિયાતો પર ચર્ચા કરવાનો છે.

DGTS અમદાવાદ ઝોનલ યુનિટની વાર્ષિક કામગીરી અને સિદ્ધિઓનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS), અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા કર જાગૃતિ અને જાહેર આઉટરીચના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલના મુખ્ય અંશો નીચે મુજબ છે:

· વ્યાપક આઉટરીચ કાર્યક્રમો: વિભાગે વર્ષ દરમિયાન 1૦૦ થી વધુ કરદાતા આઉટરીચ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.

· વિશાળ જાહેર સહભાગિતા: ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમો દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલોમાં 1,૦૦,૦૦૦ થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી એક નોંધપાત્ર પાસું રહ્યું હતું.

· જાગૃતિ અને શિક્ષણ: આ સત્રોનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને શિક્ષિત કરવાનો અને પરોક્ષ કર પ્રણાલી (Indirect Taxes Ecosystem) અંગે તેમને માહિતગાર કરવાનો હતો.

· ફરિયાદ નિવારણ: આ કાર્યક્રમો કરદાતાઓ દ્વારા સામનો કરવામાં આવતી ટેક્સ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.

· GST 2.0 પહેલ: વિવિધ હિતધારકોના પ્રતિભાવોને આધારે, જીએસટી કાઉન્સિલે GST 2.0 હેઠળ ઘણા પરિવર્તનકારી સુધારાઓ રજૂ કર્યા છે. આ સંદર્ભમાં, સરકાર ભવિષ્યના પડકારોને ઉકેલવા અને ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે તેની પ્રતિબદ્ધતામાં અડગ છે.

· અતિથિ 2.0 એપ (Atithi 2.0 App): શ્રી સુમિત કુમારે જણાવ્યું હતું કે અતિથિ એપ (અતિથિ 2.0) એ ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા લોન્ચ કરવામાં આવેલી એક મોબાઈલ એપ્લિકેશન છે. આ એપ ખાસ કરીને ભારત આવતા અને જતી વખતે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બેગેજ ડિક્લેરેશન પ્રક્રિયાને ડિજિટલ અને ઝડપી બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ ક્લિયરન્સનું ડિજિટાઈઝેશન કરવાનો છે. આ એપનો ઉપયોગ કરીને મુસાફરો અગાઉથી જ તેમના મોબાઈલ પર બેગેજ ડિક્લેરેશન કરી શકે છે.

· વ્યવહારુ સમસ્યાઓ: કરદાતાઓને તેમની રોજિંદી કામગીરીની સમસ્યાઓ સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને મેઇલ દ્વારા DGTS અમદાવાદના ધ્યાન પર લાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સામાન્ય અને વ્યવહારુ સમસ્યાઓનું નિવારણ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે.

 સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા ઓગસ્ટ 2015માં સ્થપાયેલ, DGTS કરદાતાઓની સુવિધા માટે તેની પ્રતિબદ્ધતાને સતત મજબૂત કરી રહ્યું છે. નવેમ્બર 2015 માં રચાયેલ અમદાવાદ ઝોનલ યુનિટ, ચાર મુખ્ય રાજ્યો—ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં કામગીરીનું નિરીક્ષણ કરે છે. આ ઝોનલ યુનિટ ત્રણ CGST ઝોન (અમદાવાદ, વડોદરા અને જયપુર), એક કસ્ટમ્સ ઝોન (ગુજરાત) અને એક સંયુક્ત CGST અને કસ્ટમ્સ ઝોન (ભોપાલ) ને આવરી લે છે, જેની હેઠળ કુલ 25 એક્ઝિક્યુટિવ કમિશનરેટ કાર્યરત છે.

વિભાગની કામગીરીના મુખ્ય ક્ષેત્રો અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, કરદાતાઓ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરી કરદાતાઓની ફરિયાદો ઉકેલવી અને નીતિગત માંગણીઓને ઉચ્ચ સ્તરે પહોંચાડવી. કરદાતા શિક્ષણ, ઈ-હેલ્પલાઈન, સેવોત્તમ અને કરદાતા સેવા કેન્દ્રો (ASK Centres) ની કામગીરી પર દેખરેખ રાખવી. સેવા વિતરણમાં સુધારો કરવા માટે ગ્રાહક સંતોષ સર્વેક્ષણો હાથ ધરવા. આરટીઆઈ (RTI) એક્ટ અને સત્તાવાર ભાષા (રાજભાષા) નીતિઓના અમલીકરણ પર દેખરેખ રાખવી અને ચેમ્બર ઓફ કોમર્સ અને ઔદ્યોગિક સંગઠનો સાથે જાહેર આઉટરીચ બાબતે સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવાનું છે.

ઉલ્લેખનીય છે કે DGTS (અમદાવાદ ઝોનલ યુનિટ) મુખ્ય રાજ્યોમાં કરદાતાઓ અને વિભાગ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. શ્રી સુમિત કુમારની આ મુલાકાત સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના કરદાતાઓ સુધી પહોંચવાનો વધુ એક પ્રયાસ છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2256050) મુલાકાતી સંખ્યા : 73
આ રીલીઝ વાંચો: English