સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટપાલ વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડવા પૂરતી સંસ્થા રહી નથી; તે હવે એક આધુનિક અને ગતિશીલ સંસ્થામાં પરિવર્તિત થઈ રહી છે

પોસ્ટેડ ઓન: 18 MAR 2026 11:11AM by PIB Ahmedabad

ટપાલ વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડવા પૂરતી સંસ્થા રહી નથી; તે હવે એક આધુનિક અને ગતિશીલ સંસ્થામાં પરિવર્તિત થઈ રહી છે જે રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે.

કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા દ્વારા 17 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હી ખાતે, સંચાર રાજ્ય મંત્રી ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની, સચિવ (પોસ્ટ) કુમારી વંદિતા કૌલ અને ડાયરેક્ટર જનરલ (પોસ્ટ) શ્રી જિતેન્દ્ર ગુપ્તા ની ઉપસ્થિતિમાં ‘24 સ્પીડ પોસ્ટ’, ‘24 સ્પીડ પોસ્ટ પાર્સલ’ અને ‘48 સ્પીડ પોસ્ટ’ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં આ સેવાઓ છ મુખ્ય શહેરો — દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે 24 થી 48 કલાકની અંદર સ્પીડ પોસ્ટની ખાતરીપૂર્વકની ડિલિવરી સુનિશ્ચિત કરશે.

નવી સેવાઓના મુખ્ય મુદ્દાઓ:

  • સુરક્ષિત અને પ્રમાણિત ડિલિવરી માટે OTP આધારિત ડિલિવરી
  • ગ્રાહકો માટે SMS એલર્ટ સાથે રિયલ-ટાઈમ એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ સુવિધા
  • વિલંબ થવા પર 100% મની-બેક ગેરંટી
  • રવિવાર અને રજાના દિવસોમાં ડિલિવરી (રાષ્ટ્રીય રજાઓ સિવાય)
  • બિઝનેસ ગ્રાહકો માટે BNPL (હમણાં બુક કરો, પછી ચૂકવો) સુવિધા
  • વધારે(Bulk) બુકિંગ માટે મફત પિકઅપ સુવિધા
  • વ્યવસાયિક ઉપયોગ માટે API ઇન્ટિગ્રેશન સુવિધા
  • કોર્પોરેટ ગ્રાહકો માટે કેન્દ્રિય બિલિંગ સિસ્ટમ

આ અવસરે, પોસ્ટલ નેટવર્કમાં નવી લોન્ચ થયેલી આ પ્રીમિયમ પ્રોડક્ટ્સનો વ્યાપક પ્રચાર થાય તે હેતુથી, રાજકોટ રીજીયન ઓફીસના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી પવનકુમાર દાલમિયા ના અધ્યક્ષસ્થાને રાજકોટ રીજીયન ઓફીસ ના  કોન્ફરન્સ હોલમાં રાજકોટ વિભાગના મુખ્ય ગ્રાહકો સાથે ‘ગ્રાહક સંમેલન’ (Customer Meet) યોજવામાં આવ્યું હતું. આ મિટિંગમાં રાજકોટ ના ઘણા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ગ્રાહક સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોમાં આ નવી પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને તેના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો. આ દરમિયાન, આ સેવાઓ સાથે જોડાયેલી વિશેષતાઓ, સર્વિસ સ્ટાન્ડર્ડ્સ અને વ્યવસાયિક તકો વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી, અને ગ્રાહકોને ઝડપી તથા વધુ વિશ્વસનીય ડિલિવરી માટે ભવિષ્યમાં આ સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુમાં, ઈન્ડિયા પોસ્ટની હાલની સેવાઓ તેમજ નવી લોન્ચ કરાયેલ પ્રીમિયમ પ્રોડક્ટ્સ અંગે ગ્રાહકો પાસેથી મૂલ્યવાન પ્રતિસાદ (Feedback) એકત્રિત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થયેલા સૂચનો સેવાની ગુણવત્તા સુધારવા અને ગ્રાહક અનુભવને વધુ બહેતર બનાવવામાં મદદરૂપ થશે.

ટપાલ વિભાગ કાર્યક્ષમ, વિશ્વસનીય અને ગ્રાહક- કેન્દ્રિત પોસ્ટલ અને લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

SM/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2241592) મુલાકાતી સંખ્યા : 85
આ રીલીઝ વાંચો: English