માહિતી અને પ્રસારણ મંત્રાલય
PIB જમ્મુ મીડિયા ટૂર ટુ ગુજરાતનો પ્રારંભ; મીડિયા ટીમે અમદાવાદમાં મુખ્ય વિકાસલક્ષી અને હેરિટેજ સાઇટ્સની મુલાકાત લીધી
ટીમે અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર અને સાબરમતી મલ્ટિમોડલ હબની મુલાકાત લીધી
DG PIB અમદાવાદે જમ્મુથી ગુજરાત આવેલા મીડિયા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું
પોસ્ટેડ ઓન:
23 FEB 2026 8:38PM by PIB Ahmedabad
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), જમ્મુ દ્વારા આયોજિત ગુજરાતની મીડિયા ટૂરનો આજે પ્રારંભ થયો હતો, જેનો ઉદ્દેશ્ય મીડિયા પ્રતિનિધિઓને રાજ્યના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને અગ્રણી સંસ્થાઓ વિશે પ્રત્યક્ષ એક્સપોઝર પૂરો પાડવાનો છે.
અમદાવાદ પહોંચ્યા પછી, મીડિયા પ્રતિનિધિ મંડળે PIB અમદાવાદના ડાયરેક્ટર જનરલ (DG) શ્રી પ્રશાંત પાઠરાબેની મુલાકાત લીધી હતી. ડાયરેક્ટર જનરલે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને સરકાર અને મીડિયા વચ્ચેના ઇન્ટરફેસને મજબૂત કરવામાં આવી પહેલોના મહત્વ પર ભાર મૂક્યો હતો. જમ્મુથી આવેલા મીડિયા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ PIB ના ડાયરેક્ટર સુશ્રી નેહા જલાલી કરી રહ્યા છે.

મીડિયા કર્મચારીઓનું સ્વાગત કરતા, DG શ્રી પાઠરાબેએ ગુજરાતની વસ્તી વિષયક અને સામાજિક-આર્થિક પ્રોફાઇલની રૂપરેખા આપી હતી. તેમણે ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ વિશે મીડિયાકર્મીઓને માહિતગાર કર્યા હતા. શ્રી પાઠરાબેએ ઉલ્લેખ કર્યો હતો કે પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને અન્ય પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત ગુજરાત રાજ્ય નાણાકીય સેવાઓ અને IT ક્ષેત્રે મોટી હરણફાળ ભરી રહ્યું છે. તેમણે 2030 માં અમદાવાદમાં યોજાનારી આગામી યુથ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને વિશ્વ કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે લેવામાં આવી રહેલી વિવિધ પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરતા, ડાયરેક્ટર સુશ્રી નેહા જલાલીએ હાઇલાઇટ કર્યું હતું કે આવા મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ્સ વ્યાવસાયિક જોડાણને મજબૂત કરવામાં અને વિકાસલક્ષી પહેલોની ઊંડી સમજને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આયોજિત મીડિયા ટૂર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે પ્રત્યક્ષ એક્સપોઝર પ્રદાન કરે છે, જેનાથી માહિતપ્રદ અને વિશ્વસનીય રિપોર્ટિંગની ખાતરી મળે છે.
આ પ્રસંગે આસિસ્ટન્ટ ડાયરેક્ટર PIB ગુજરાત સુશ્રી સુમન એ. મચ્છર અને મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર શ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા અને PIB ના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જલંધરથી આવેલા મીડિયા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ PIB જલંધરના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસર શ્રી વિક્રમ સિંઘે કર્યું હતું.

પ્રવાસના પ્રથમ દિવસ દરમિયાન, મીડિયા પ્રતિનિધિ મંડળે ઐતિહાસિક સત્યાગ્રહ આશ્રમ, કોચરબની પણ મુલાકાત લીધી હતી, જે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી 1915 માં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત પ્રથમ આશ્રમ હતો. ટીમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેના ઐતિહાસિક મહત્વ અને સત્યાગ્રહની ફિલસૂફીને ઘડવામાં તેની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળોને આશ્રમ માટે કરવામાં આવી રહેલી પુનઃસંગ્રહની પહેલો અને ગાંધીજીના વારસાને જાળવવા અને તેનું સન્માન કરવા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.

પ્રતિનિધિ મંડળે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ) સાઇટની પણ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ મીડિયા વ્યક્તિઓને અત્યાર સુધી પ્રોજેકટમાં થયેલ પ્રગતિ, ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલી ટેકનોલોજીકલ પ્રગતિ અને આ ક્ષેત્રમાં કનેક્ટિવિટી, આર્થિક વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર હાઈ-સ્પીડ રેલ કોરિડોરની અપેક્ષિત અસર વિશે માહિતગાર કર્યા હતા. ટીમને માહિતગાર કરવામાં આવી હતી કે રેલ કોરિડોર એ 508-કિલોમીટરનો હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે જે પ્રતિ કલાક મહત્તમ 320 કિમીની ઝડપ માટે રચાયેલ છે અને તે મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી અને ગુજરાતના 12 સ્ટેશનોને જોડશે, જેનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે મુસાફરીનો સમય ઘટીને લગભગ બે કલાક થઈ જશે. આ પ્રોજેક્ટમાં અર્થક્વેક ડિટેન્શન અને ઓટોમેટિક ટ્રેન કંટ્રોલ સહિત અદ્યતન સુરક્ષા પ્રણાલીઓનો સમાવેશ થાય છે અને તેમાં એલિવેટેડ ટ્રેક, ટનલ-જેમાં દરિયાની નીચે ટનલ વિભાગનો સમાવેશ થાય છે-અને મોટી નદી પરના પુલોના નિર્માણનો સમાવેશ થાય છે.

પ્રતિનિધિ મંડળે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા વિકસાવવામાં આવી રહેલા સાબરમતી હાઈ સ્પીડ રેલ મલ્ટિમોડલ હબની પણ મુલાકાત લીધી હતી. મીડિયા ટીમ સાથે વાતચીત કરતા, પ્રિન્સિપાલ પ્રોજેક્ટ મેનેજર શ્રી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે મલ્ટિમોડલ હબ ભારતીય રેલવે, મેટ્રો, BRTS અને હાઈ સ્પીડ રેલ જેવા અનેક મોડ્સને સંકલિત કરશે જે મુસાફરોને સીમલેસ કનેક્ટિવિટી અને મુસાફરીમાં સરળતા પૂરી પાડશે. તેમણે માહિતી આપી હતી કે આ હબમાં એક જ સંકુલમાં કોમર્શિયલ, હોટેલ અને ઓફિસો ઉપરાંત અંદાજે 1300 વાહનો માટે 4-સ્તરનું પાર્કિંગ હશે અને તેને દરરોજ અંદાજે એક લાખ મુસાફરોને હેન્ડલ કરવા અને અંદાજે 700 વ્યક્તિઓની વેઇટિંગ કેપેસિટી માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં, મીડિયા પ્રતિનિધિ મંડળ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને આઇકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓની મુલાકાત લેશે.
મીડિયા ટૂર એ મીડિયા સાથે સહયોગી સંબંધ બાંધવા અને સરકારની મુખ્ય પહેલો અને સિદ્ધિઓ અંગેની માહિતીના વ્યાપક પ્રસાર માટે PIB નો પ્રયાસ છે.
SM/NP/GP/JD
(રીલીઝ આઈડી: 2231928)
મુલાકાતી સંખ્યા : 102