નાણા મંત્રાલય
સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)ગુજરાતની 188મી બેઠક
પોસ્ટેડ ઓન:
19 FEB 2026 4:17PM by PIB Ahmedabad
બેંક ઓફ બરોડા દ્વારા 18 ફેબ્રુઆરી 2026ના રોજ દેના લક્ષ્મી ભવન, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC) ની 188મી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા SLBC ગુજરાતના ચેરમેન અને બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી લલિત ત્યાગી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારના GLPCના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અજય પ્રકાશ (IAS); RBI અમદાવાદના રિજીયોનલ ડાયરેક્ટર શ્રી અમરેશ રંજન; નાબાર્ડના જનરલ મેનેજર શ્રીમતી નિધિ શર્મા; ગુજરાત સરકારના નાણા વિભાગના ડાયરેક્ટર (IF) શ્રી અમિત મીના અને SLBCગુજરાતના કન્વીનર તથા બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર શ્રી અશ્વિની કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરકાર, RBI, નાબાર્ડ,વિવિધ બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને તમામ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરોએ પણ હાજરી આપી હતી, જેમાં ગુજરાતમાં નાણાકીય સમાવેશન અને આર્થિક વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી.

અધ્યક્ષશ્રીએ રાજ્યના 91% થી વધુના મજબૂત સીડી (CD)રેશિયો અને સ્થિર ધિરાણ વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટકાઉ આર્થિક પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે સંતુલિત પોર્ટફોલિયો વિસ્તરણ, મજબૂત સાયબર જોખમ સંચાલન અને કેન્દ્રીય બજેટના "કર્તવ્ય" સિદ્ધાંતો સાથેના જોડાણ પર ભાર મૂક્યો હતો.

ગુજરાત સરકારના જી.એલ.પી.સી. (GLPC)ના મેનેજિંગ ડિરેક્ટરે મહિલા સંચાલિત આર્થિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સખી મંડળો (SHG) અને બેંક વચ્ચેના જોડાણને વધુ ઊંડું બનાવવા પર ભાર મૂક્યો હતો. આર.બી.આઈ. (RBI), અમદાવાદના ક્ષેત્રીય નિયામકે રાજ્યના બદલાતા ઔદ્યોગિક માળખાને ધ્યાનમાં રાખીને કૃષિ અને નબળા વર્ગોને અપાતા ધિરાણમાં રહેલી ખામીઓને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જ્યારે નાબાર્ડ (NABARD) ના જનરલ મેનેજરે કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓના ધિરાણના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો.

ગુજરાત સરકારના નાણા વિભાગના નિયામક (IF)એ બાકી રહેલા બેંકિંગ સુવિધા વિનાના ગામડાઓને સમયબદ્ધ રીતે આવરી લેવા, ખેડૂતોને ઔપચારિક ધિરાણની સરળ ઉપલબ્ધતા અને ક્ષેત્ર સ્તરે નાણાકીય સાક્ષરતાના આઉટરીચ કાર્યક્રમોને વધુ તેજ બનાવવા માટે આહવાન કર્યું હતું.
કન્વીનર, SLBC (સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી) ગુજરાત દ્વારા રાજ્યભરમાં બેન્કિંગ કામગીરીની એજન્ડા મુજબ સમીક્ષા રજૂ કરવામાં આવી હતી. આ મંચ પર ધિરાણ પ્રવાહ (credit flow), નાણાકીય સમાવેશી પહેલો, ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને સેવા વિતરણ પદ્ધતિ જેવા મુખ્ય પરિમાણો પર ચર્ચા કરવામાં આવી હતી. એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગુજરાતે 31.12.2025 સુધીમાં વાર્ષિક ધિરાણ યોજના (ACP) હેઠળ કુલ અગ્રતા ક્ષેત્રના ધિરાણ વિતરણના લક્ષ્યાંકનો 94% હિસ્સો હાંસલ કર્યો છે.
વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA)દ્વારા ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ (e-NWR)દ્વારા પ્લેજ ફાયનાન્સ (ધિરાણ) પર એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષિત કોલેટરલ-આધારિત ધિરાણ માટેની વિવિધ તકો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો (LDMs)નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બેઠકના અંતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર શ્રી અતુલ રાઠી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
(રીલીઝ આઈડી: 2230241)
મુલાકાતી સંખ્યા : 20