સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
ગુજરાત LSAમાં ટેલિકોમ ક્ષેત્રની આપત્તિ સજ્જતા અંગે STDCCની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
પોસ્ટેડ ઓન:
18 FEB 2026 6:30PM by PIB Ahmedabad
ટેલિકોમ વિભાગ (DoT), ગુજરાત હેઠળની સ્ટેટ ટેલિકોમ ડિઝાસ્ટર કોઓર્ડિનેશન કમિટી (STDCC) એ આજે ગુજરાત LSAમાં આપત્તિ વ્યવસ્થાપન માટે ટેલિકોમ ક્ષેત્રની સજ્જતાની સમીક્ષા કરવા અને તેને વધુ મજબૂત કરવા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું.
આ બેઠક DoT ગુજરાતના ટેકનોલોજી વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને STDCCના વડા શ્રી ગિરીશ કટારિયા (ITS) ના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમિતિએ આપત્તિ પૂર્વેના નિવારણ અને આપત્તિ પછી ટેલિકોમ સેવાઓના પુનઃસ્થાપન માટેની હાલની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) ની વ્યાપક સમીક્ષા કરી હતી.
કોમન એલર્ટિંગ પ્રોટોકોલ (CAP) દ્વારા વહેલી ચેતવણીઓ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આપત્તિ સમયે નેટવર્ક જળવાઈ રહે તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ અને 'સેલ ઓન વ્હીલ્સ' (Cell on Wheels) જેવી વધારાની સુવિધાઓ વધારવા અંગે પણ ચર્ચા થઈ હતી.
આપત્તિ દરમિયાન સંચારના વિવિધ માધ્યમોના ઉપયોગ માટે 'ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો'ના સહયોગથી 'હેમ રેડિયો' પર એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે સામાન્ય નેટવર્ક નિષ્ફળ જાય ત્યારે હેમ રેડિયો એક સ્વતંત્ર અને ભરોસાપાત્ર માધ્યમ સાબિત થઈ શકે છે.
બેઠકમાં સંબોધન કરતા શ્રી ગિરીશ કટારિયાએ જણાવ્યું હતું કે, "ટેલિકોમ એ આપત્તિ વ્યવસ્થાપનનો મુખ્ય આધાર છે. આપત્તિના સમયે આપણો પ્રતિસાદ ઝડપી, એકીકૃત અને અસરકારક રહે તે માટે આજની બેઠક એક મહત્વપૂર્ણ કવાયત હતી. અમે ગુજરાતના લોકો માટે મજબૂત ટેલિકોમ નેટવર્ક સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ."
બેઠકના અંતે નિયમિત મોક ડ્રિલ યોજવા અને તમામ મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓને કુદરતી આપત્તિઓ સામે ટકી શકે તે રીતે સજ્જ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2230065)
મુલાકાતી સંખ્યા : 80