કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતની નેપાળ અને માલદીવ સાથે કૃષિ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર થઈ ચર્ચા


નેપાળને ઉન્નત જાતના બિયારણ ઉપલબ્ધ કરાવવાનું ભારત સરકારનું આશ્વાસન

કૃષિ સંશોધન, લાઈવસ્ટોક (પશુધન) અને એગ્રો-ક્લાઈમેટિક પરિસ્થિતિઓ પર સહયોગ અંગે સહમતિ

પોસ્ટેડ ઓન: 05 FEB 2026 9:49PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં 12, સફદરજંગ રોડ સ્થિત પોતાના આવાસ પર નેપાળના કૃષિ અને પશુધન મંત્રી શ્રી ડૉ. મદન પ્રસાદ પરિયાર અને માલદીવના કૃષિ અને પશુ કલ્યાણ રાજ્ય મંત્રી અહમદ હસન દીદી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ભારત, નેપાળ અને માલદીવ વચ્ચે કૃષિ ક્ષેત્રમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત કરવા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું કે નેપાળ અને માલદીવ ભારતના નજીકના મિત્ર રાષ્ટ્રો છે અને તેમની સાથે ભારતના સંબંધો માત્ર દ્વિપક્ષીય નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ભાવનાત્મક પણ છે. બેઠકમાં કૃષિ સંશોધન, ઉન્નત બિયારણ, લાઈવસ્ટોક (પશુધન), મૃદા સ્વાસ્થ્ય (જમીનનું આરોગ્ય) તથા એગ્રો-ક્લાઈમેટિક પરિસ્થિતિઓને અનુરૂપ કૃષિ વિકાસના વિવિધ પાસાઓ પર વિચાર-વિમર્શ થયો હતો.

બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, પૂસા, નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રે થઈ રહેલા અદ્યતન સંશોધન કાર્યોનો લાભ નેપાળ અને માલદીવના કૃષિ ક્ષેત્રની ઉન્નતિમાં પણ આપવામાં આવશે. નેપાળને ઉન્નત જાતના બિયારણ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત અને નેપાળ વચ્ચે કૃષિ સંશોધનના ક્ષેત્રમાં અગાઉથી એક સમજૂતી પત્ર (MoU) અસ્તિત્વમાં છે, જેના હેઠળ બંને દેશો મળીને અનેક ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છે અને સહયોગને વધુ વિસ્તાર આપવા પર સહમતિ બની છે. લાઈવસ્ટોકના ક્ષેત્રમાં પણ વ્યાપક ચર્ચા થઈ હતી.

તેમણે જણાવ્યું કે બિમ્સ્ટેક (BIMSTEC) સંમેલન દરમિયાન ભારતનેપાળ વચ્ચે એક સંયુક્ત વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી હતી જેના માધ્યમથી કૃષિ સહયોગને વધુ અસરકારક બનાવવામાં આવશે. માલદીવ સાથે પણ તેની વિશિષ્ટ એગ્રો-ક્લાઈમેટિક પરિસ્થિતિઓને અનુરૂપ મૃદા (જમીન), ઉન્નત બિયારણ, તાલીમ અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સહયોગ પર વિચાર-વિમર્શ થયો હતો, જેમાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. બેઠકમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક ડૉ. એમ. એલ. જાટ, માલદીવના કૃષિ અને પશુ કલ્યાણ મંત્રાલયના કાયમી સચિવ મોહમ્મદ અનીસ અને કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2224166) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , हिन्दी