ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
ભારતીય માનક બ્યુરો અમદાવાદ (BIS) દ્વારા 79માં સ્થાપના દિવસની ઉજવણી
પોસ્ટેડ ઓન:
06 JAN 2026 7:57PM by PIB Ahmedabad
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ભારત સરકારના ગ્રાહક બાબતો વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતનું રાષ્ટ્રીય ધોરણ સંસ્થાન છે. BIS 1947થી ઉદ્યોગો અને ઉપભોક્તાઓની સેવા કરી રહ્યું છે. અગાઉ ભારતીય ધોરણ સંસ્થા (ISI) તરીકે ઓળખાતું BIS સંરૂપતા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ તથા અન્ય યોજનાઓ દ્વારા ગુણવત્તા પ્રોત્સાહિત કરે છે. ISI માર્ક આજે ભારતીય ઘરોમાં ગુણવત્તાનો પર્યાય બની ગયો છે, જ્યારે હોલમાર્કિંગ યોજનાએ સોનાની શુદ્ધતા માટે ઉપભોક્તાઓને સર્વોચ્ચ વિશ્વાસ પૂરો પાડ્યો છે.
X02J.jpeg)
યુવા પેઢીમાં ગુણવત્તા અંગે જાગૃતિ વધારવા માટે BIS દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 10,000થી વધુ સ્ટાન્ડર્ડ્સ ક્લબ્સ સ્થાપવામાં આવ્યા છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગુણવત્તા અને માનકીકરણ વિષયક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ અને અનુભવ મેળવી રહ્યા છે. BIS ગુજરાત રાજ્યમાં 1971થી અમદાવાદ સ્થિત કાર્યાલય દ્વારા સેવા આપી રહ્યું છે. છેલ્લા વર્ષોમાં ગુજરાતના ઉદ્યોગોએ BIS પાસેથી 6,000થી વધુ લાયસન્સ મેળવ્યા છે, જે સમગ્ર દેશમાં આપવામાં આવેલા કુલ લાયસન્સના 12 ટકા કરતા વધુ છે. આ આંકડો રાજ્યની ગુણવત્તા, નવીનતા અને ભારતીય ધોરણો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

BISના 79મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે BIS દ્વારા 06 જાન્યુઆરી 2026ના રોજ IIT ગાંધીનગર ખાતે જિબાબેન પટેલ મેમોરીયલ ઓડિટોરિયમમાં ગુણવત્તા સંમેલન (Quality Conclave) નું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન થી કરવામાં આવી, જેમાં માનનીય શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકી, ગુજરાત સરકારના ખોરાક, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો મંત્રી, શ્રી સુમિત સેંગર,, નિદેશક અને પ્રમુખ, BIS અમદાવાદ અને પ્રોફેસર રજત મૂના, નિર્દેશક, IIT ગાંધીનગર ઉપસ્થિત રહ્યા. સ્વાગત પ્રવચનમાં શ્રી સુમિત સેંગરે BISની છેલ્લા 78 વર્ષની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડતાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના લક્ષ્યો સિદ્ધ કરવામાં ભારતીય ધોરણોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. પ્રોફેસર રાજત મૂનાએ BISને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી અને જાહેરહિતને કેન્દ્રમાં રાખી માનકો ઘડવામાં BISના યોગદાનની પ્રશંસા કરી.
73DD.jpeg)
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ, જેમાં મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને ઝીરો ડિફેકટ-ઝીરો ઇફેકટની દૃષ્ટિ વ્યક્ત કરવામાં આવી હતી, તે શ્રી અજય ચંદેલ, વૈજ્ઞાનીક-'સી', BIS અમદાવાદ દ્વારા વાંચવામાં આવ્યો. શ્રી સુનિલ પરેખ, ચેરમેન, CERCએ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષણની આવશ્યકતા અને ઉપભોક્તા સુરક્ષા માટે BISની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો. ડૉ. એસ. પી. સિંહ, ડિરેકટર જનરલ, કૌશલ્યા દ સ્કિલ યુનિવર્સિટીએ ઉત્પાદન પ્રક્રિયામાં માત્રા સાથે ગુણવત્તા પર પણ સમાન ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી.
કાર્યક્રમને સંબોધતાં માનનીય મંત્રી શ્રી રમણભાઈ ભીખાભાઈ સોલંકીએ ભારતીય ધોરણોના રાષ્ટ્રીય વિકાસમાં યોગદાનને રેખાંકિત કરી BISને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. શ્રી વિપિન ભાસ્કર, સંયુક્ત નિર્દેશક, BIS અમદાવાદે BISની વિવિધ પ્રવૃત્તિઓ અને પહેલોની માહિતી આપતી પ્રસ્તુતિ કરી. શ્રીમતી અનિંદિતા મહેતા, CEO, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરે ઉપભોક્તા ઉત્પાદન સલામતી વિષય પર ટેકનિકલ વ્યાખ્યાન આપી અને ઉપભોક્તા સંરક્ષણ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
કાર્યક્રમ દરમિયાન એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ તથા ઉદ્યોગો અને ગુજરાત પ્લાયવુડ એસોસિયેશન સહિતના હિતધારકો દ્વારા ટેકનિકલ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. કાર્યક્રમનો સમાપન શ્રી વિપિન ભાસ્કર દ્વારા આભારવિધિ સાથે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરેક માટે એક યાદગાર અને આનંદપ્રદ અનુભવ હતો.
(રીલીઝ આઈડી: 2211880)
મુલાકાતી સંખ્યા : 115