મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

સુરતની સાત વર્ષીય ચેસ ચેમ્પિયન વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર


બાળ દિવસ પર પ્રધાનમંત્રી સાથે આત્મીય સંવાદનો અવસર મળ્યો પ્રજ્ઞિકાને

प्रविष्टि तिथि: 30 DEC 2025 5:18PM by PIB Ahmedabad

માત્ર સાત વર્ષની ઉંમરે વિશ્વસ્તરે ભારતનું નામ રોશન કરનાર સુરતની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વીર બાલ દિવસની પૂર્વસંધ્યાએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞિકાના પિતા સુરતમાં GST અધિકારી તરીકે ફરજ બજાવે છે.તેની આ સિદ્ધિ સુરત અને ગુજરાત માટે ગર્વની ક્ષણ બની છે

સર્બિયામાં આયોજિત FIDE વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં તમામ 9 મેચ જીતીને પરફેક્ટ 9/9 સ્કોર સાથે વિશ્વ ખિતાબ જીતનાર પ્રજ્ઞિકાએ નાની વયે જ અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે. તે અનેક વખત ગુજરાત રાજ્ય ચેમ્પિયન રહી ચૂકી છે તેમજ રાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા બની છે. તેણે ગુજરાત અંડર-7 ગોલ્ડ, ગુજરાત ચેમ્પિયનશિપનો ખિતાબ તેમજ રાષ્ટ્રીય સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

પ્રજ્ઞિકા લક્ષ્મીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી અને આશ્ચર્યજનક રીતે માત્ર છ મહિનામાં જ તેણે સ્ટેટ ચેમ્પિયનશિપ જીતી હતી. તેણે પોતાની મોટી બહેન વાકા લક્ષ્મી વરેણ્યા સાથે રમતાં રમતાં ચેસ પ્રત્યે રુચિ વિકસાવી હતી. ચેસ સાથે સાથે તે અભ્યાસમાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રહી છે.

પ્રધાનમંત્રી સાથે મુલાકાતનો અનોખો અનુભવ

બાળ દિવસના અવસર પર પ્રજ્ઞિકા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળવા માટે અત્યંત ઉત્સાહી હતી. જ્યારે પુરસ્કાર વિજેતા અન્ય 19 બાળકો સાથે તેને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરવાની તક મળી, ત્યારે પ્રધાનમંત્રીએ તેને પાસે બોલાવીને તેની ભાવતી વાનગી વિશે પુછતાં પ્રજ્ઞિકા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સાથે જ પ્રધાનમંત્રીએ મોટા થઈને શું બનવું છે તે અંગે પૂછતાં પ્રજ્ઞિકાએ આત્મવિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે તે એક સારી ચેસ પ્લેયર બનવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં આયોજિત વીર બાલ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે તેમણે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતા 20 બાળકો સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જેને તેમણે અત્યંત આનંદદાયક અને પ્રેરણાદાયી અનુભવ ગણાવ્યો હતો.

 


(रिलीज़ आईडी: 2209850) आगंतुक पटल : 46