મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટેની સંસદીય પરામર્શ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી
प्रविष्टि तिथि:
18 DEC 2025 7:55PM by PIB Ahmedabad
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય માટે સંસદ સભ્યોની સંસદીય પરામર્શ સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક મિશન વાત્સલ્ય યોજના પર કેન્દ્રિત હતી.

મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા અને રાજ્યસભા બંનેના સંસદ સભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં ડૉ. બચ્છવ શોભા દિનેશ, શ્રીમતી જોબા માઝી, ડૉ. સુધા મૂર્તિ અને શ્રીમતી મંજુ શર્માનો સમાવેશ થાય છે, જેમણે પોતાના મંતવ્યો અને નિરીક્ષણો રજૂ કર્યા હતા.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ શ્રી અનિલ મલિકે સમિતિને મિશન વાત્સલ્ય યોજનાના ઉદ્દેશ્યો, વ્યાપ અને પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી અજીત કુમાર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન, સંસદ સભ્યોએ દેશભરમાં મિશન વાત્સલ્યના અમલીકરણને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે મૂલ્યવાન સૂચનો અને નિરીક્ષણો શેર કર્યા હતા. શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સભ્યોના રચનાત્મક સૂચનો બદલ તેમનો આભાર માન્યો હતો અને અધિકારીઓને આ સૂચનોની તપાસ કરવા તથા તેમના અસરકારક સમાવેશ માટે જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

આઉટરીચ અને પાયાના સ્તરે જોડાણના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીએ સંસદ સભ્યોને તેમના સંબંધિત મતવિસ્તારોમાં યોજના વિશે જાગૃતિ લાવવા માટે ફિલ્ડ વિઝિટ (સ્થળ મુલાકાત) કરવા વિનંતી કરી હતી. તેમણે તેમને પ્રતિસાદ આપવા અને પાયાના સ્તરે આવતી પડકારોને ઉજાગર કરવા પણ પ્રોત્સાહિત કર્યા હતા, જેથી મંત્રાલય લક્ષિત લાભાર્થીઓને સેવાઓની સરળ અને અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લઈ શકે.
બેઠકનું સમાપન મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી સાવિત્રી ઠાકુરના સમાપન સંબોધન સાથે થયું હતું, જેમાં તેમણે તમામ સભ્યોના મૂલ્યવાન પ્રતિસાદ અને સૂચનો બદલ આભાર માન્યો હતો.

SM/JY/GP/JD
(रिलीज़ आईडी: 2206286)
आगंतुक पटल : 13