સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની 150મી વર્ષગાંઠ નિમિત્તે પોસ્ટ વિભાગ વર્ષભર વિવિધ કાર્યક્રમોનું કરી રહ્યું છે આયોજન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સામૂહિક રીતે 'વંદે માતરમ' ગાયું.
વંદે માતરમ માત્ર ભારતનું રાષ્ટ્રીય ગીત નથી, પરંતુ તેનો દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ ઊંડો સંબંધ છે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
Posted On:
07 NOV 2025 3:09PM by PIB Ahmedabad
દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક એવા રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે, પોસ્ટ વિભાગ દેશભરની તમામ પોસ્ટ ઓફિસોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ ક્રમમાં, 7 નવેમ્બરના રોજ અમદાવાદમાં પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને 'વંદે માતરમ' ગાયું અને 'વંદે માતરમ'નું મહત્વ સમજાવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે વંદે માતરમ ફક્ત ભારતનું રાષ્ટ્રીય ગીત નથી, પરંતુ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ઊંડો જોડાયેલો છે. જ્યારે બંકિમચંદ્ર ચેટર્જીએ 7 નવેમ્બર, 1875 ના રોજ વંદે માતરમ લખ્યું, ત્યારે તે ભારતના આત્માનું ગીત બન્યું. માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે વર્ણવતા, આ ગીતે ભારતની જાગૃત એકતા અને આત્મસન્માનની ભાવનાને કાવ્યાત્મક અભિવ્યક્તિ આપી. આ ગીત ટૂંક સમયમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિનું કાયમી પ્રતીક બની ગયું. મિશ્ર સંસ્કૃત અને બંગાળી ભાષામાં રચાયેલ, આ ગીત સૌપ્રથમ તેમની નવલકથા "આનંદ મઠ" માં સમાવિષ્ટ ગીત તરીકે પ્રકાશિત થયું. રવિન્દ્રનાથ ટાગોરે 1896 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં આ ગીત ગાયું હતું. ભાષા અને પ્રદેશને પાર કરીને, આ ગીત સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભારતના સામૂહિક આત્માનો અવાજ બન્યું. તેનો વિવિધ ભાષાઓમાં અનુવાદ થયો અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને દેશભક્તિના પ્રતીક તરીકે લોકોમાં લોકપ્રિય બન્યું. ભારતની સ્વતંત્રતા પછી, બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ 'વંદે માતરમ' ને રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે પોસ્ટ વિભાગે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ને દેશ અને વિદેશમાં ફેલાવવામાં અને ટપાલ ટિકિટો દ્વારા યુવાનો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 'વંદે માતરમ' ના 150 વર્ષ (1875-2025) ને ઐતિહાસિક બનાવવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7 નવેમ્બર, 2025 ના રોજ તેના પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. ટપાલ ટિકિટો ફક્ત આપણા ઇતિહાસની ઝલક જ નહીં પરંતુ રાષ્ટ્રની લાગણીઓ અને સાંસ્કૃતિક વારસાનું પણ જતન કરે છે. અગાઉ, 30 ડિસેમ્બર, 1976 ના રોજ, ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 'વંદે માતરમ' પર એક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.
સહાયક નિદેશક શ્રી વારિસ એમ. વહોરાએ જણાવ્યું કે પોસ્ટ વિભાગ "વંદે માતરમ"ની 150વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે. આ કાર્યક્રમોમાં "વંદે માતરમ" નું સમૂહ ગાયન અને ક્વિઝ સ્પર્ધાઓ, તેમજ સેમિનાર, વર્કશોપ, શાળા-કોલેજના કાર્યક્રમો અને વિવિધ પ્રદર્શનોનો સમાવેશ થશે. "વંદે માતરમ" થીમ પર આધારિત ફિલાટેલિક સામગ્રીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ બધાનો હેતુ રાષ્ટ્રગીતના ગૌરવશાળી ઇતિહાસ, તેના સાંસ્કૃતિક મહત્વ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પ્રસંગે સહાયક નિદેશક શ્રી રીતુલ ગાંધી, શ્રી વારીસ એમ. વહોરા, લેખા અધિકારી શ્રીમતી પૂજા રાઠોર, સહાયક લેખા અધિકારી શ્રી રામ સ્વરૂપ મંગાવા, સહાયક અધિક્ષક શ્રી જીનેશ પટેલ, શ્રી રમેશ પટેલ, શ્રી રોનક શાહ, શ્રી આર. ટી. પરમાર, શ્રી હાર્દિક રાઠોડ, શ્રી એસ. એન. ઘોરી, શ્રી દીપક વાઢેર, શ્રી આર. એ. શેખ અને નિરીક્ષક સુશ્રી પાયલ પટેલ, સુશ્રી નિલોફર ઘોરી, સુશ્રી સોનલ દેસાઈ, શ્રી યોગેન્દ્ર રાઠોડ, આશિષ પટેલ, સાક્ષી સાહુ સહિત સહિત અનેક અધિકારીઓ-કર્મચારીઓ હાજર રહ્યા હતા.
(Release ID: 2187321)
Visitor Counter : 22