રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાતની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ


ઉધના-બ્રહ્મપૂર અમૃત્ત ભારત ટ્રેનને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા

અમૃત્ત ભારત એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેન બે મહિના બાદ દૈનિક ધોરણે શરૂ કરવામાં આવશે- રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
દેશના પાંચ રાજ્યોને જોડતી ટ્રેન સુરત અને ઓડિશા વચ્ચેના લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવશે: શ્રી અશ્વિની વૈષ્ણવ

Posted On: 27 SEP 2025 4:48PM by PIB Ahmedabad

રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ થયો છે. સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાથી વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવીને ટ્રેનનો શુભારંભ કરાવ્યો હતો. સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા હજારો ઓડિશાવાસીઓને સસ્તી અને આરામદાયક મુસાફરીનો અમૃત્ત ભારત ટ્રેનના રૂપમાં વધુ એક વિકલ્પ મળ્યો છે.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ ઉધના રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં વિડિઓ કોન્ફરન્સથી જોડાયા હતા. ઉધના-બ્રહ્મપૂર અમૃત્ત ભારત ટ્રેન રવાના થઈ તે વેળાએ ઉધના રેલવે સ્ટેશન ખાતે સેંકડો ઓડિશાવાસીઓએ ઉપસ્થિત રહી તિરંગા લહેરાવી 'જય જગન્નાથ'ના નારાઓ સાથે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરને જોડતી ટ્રેન તા.૫મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય મુસાફરો ખાસ કરીને સુરતમાં સ્થાયી થયેલા ઓડિશાના શ્રમિકોને મુસાફરોને સસ્તા ભાડા સાથે આરામદાયક મુસાફરીનો અનુભવ થશે. નંદુરબાર, જલગાંવ, ભૂસાવલ, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, રાયપુર, ટીટલાગઢ, રાયગડા, વિજયનગર સહિતના પ્રમુખ સ્ટેશનો પર રોકાશે.

કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમૃત ભારત એક્સપ્રેસ સામાન્ય માણસને આધુનિક, સલામત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાના ભારતીય રેલ્વેના અવિરત પ્રયાસોમાં એક સીમાચિહ્નરૂપ કદમ છે. સુરતમાં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની કનેક્ટિવિટી મળી છે. નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે.

રેલવે મંત્રીશ્રીએ વિશેષ જાહેરાત કરતા કહ્યું કે, સ્થાનિક લોકો, જનપ્રતિનિધિઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ સાપ્તાહિક ટ્રેનને બે મહિના બાદ દૈનિક ધોરણે શરૂ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દેશના પાંચ રાજ્યોને જોડશે. ટ્રેન ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત પાંચ રાજ્યોના મહત્ત્વના જિલ્લાઓને જોડશે, જેનાથી રાજ્યો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે. ટ્રેનની શરૂઆત ફક્ત મુસાફરીની સુવિધા નહીં પરંતુ, આર્થિક અને સામાજિક વિકાસનો નવો અધ્યાય પણ ખોલશે. તે સુરત અને ઓડિશા વચ્ચેના લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવશે અને બંને ક્ષેત્રોના વિકાસમાં મદદ કરશે.

ઉપસ્થિત મંત્રીશ્રીઓ, મહાનુભાવોએ પ્રધાનમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઓડિશા ખાતે આયોજિત સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ, મનુભાઈ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તા, વેસ્ટર્ન રેલવેના મુંબઇ ડિવિઝનના DRM પંકજસિંઘ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા..

અમૃત ભારત એક્સપ્રેસની વિશેષતાઓ

* સ્લીપર અને જનરલ ક્લાસ સહિત ૨૨ કોચની સુવિધા

* 1800થી વધુ મુસાફરોની કેપેસિટી

* 130 કિમી પ્રતિ કલાકની ઝડપ

* તમામ કોચમાં સીસી ટીવી કેમેરા, આપાતકાલીન સુવિધાઓ, એલઈડી બોર્ડ

* બંને છેડે એન્જિન ધરાવતી ટ્રેન

* આરામદાયક, ઝટકા રહિત મુસાફરી

* ફાયરપ્રુફ સીટો, વોટર બોટલ સ્ટેન્ડ, ચાર્જીગ પોઈન્ટ, પેન્ટ્રી કારની સુવિધા

અમૃત ભારત એક્સપ્રેસનું સમયપત્રક

ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન નં. 09021/09022 તરીકે ચલાવવામાં આવશે. જેમાં ટ્રેન નં. 19021 ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દર રવિવારે ઉધનાથી રવાના થશે, જ્યારે વળતી યાત્રા ટ્રેન નં. 19022 બ્રહ્મપુર-ઉધના અમૃત્ત ભારત એક્સપ્રેસ દર સોમવારે ઉપડશે. જેમાં જનરલ કોચનું રૂ.495 અને સ્લીપર કોચનું રૂ.795 ભાડું છે.


(Release ID: 2172155) Visitor Counter : 25
Read this release in: English