પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
પ્રથમ ઇન્ડિયા ચીઝ ફેસ્ટિવલ 2025 ભારતીય ડેરી ક્ષેત્રની નવીનતા, વિવિધતા અને વૈશ્વિક આકાંક્ષાઓનું પ્રદર્શન કરે છે
Posted On:
16 SEP 2025 11:30AM by PIB Ahmedabad
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ (DAHD)ના માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (ઇન્ડિયન નેશનલ કમિટી ઓફ IDF)એ 15 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતના આણંદ ખાતે પ્રથમ ઇન્ડિયા ચીઝ ફેસ્ટિવલનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) અને રાષ્ટ્રીય ડેરી સંશોધન સંસ્થા (NDRI), કરનાલના ટેકનિકલ સમર્થનથી યોજવામાં આવ્યો હતો.

આ મહોત્સવનું ઉદ્ઘાટન NDDBના અધ્યક્ષ ડૉ. મીનેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. આર.એસ. સોઢી (પ્રમુખ, ભારતીય ડેરી સંગઠન), ડૉ. ધીર સિંહ (નિર્દેશક, NDRI કર્નાલ), શ્રી રાજીવ (કાર્યકારી નિર્દેશક, NDDB), ડૉ. સુનિતા પિન્ટો (પ્રિન્સિપાલ, SMC કોલેજ ઓફ ડેરી સાયન્સ, આણંદ) અને DAHD અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં ભારતના ઉભરતા ચીઝ ક્ષેત્રનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 12 સહભાગીઓ અને અગ્રણી ડેરી સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને કારીગર ચીઝ ઉત્પાદકોના ચીઝની 59 જાતો એકત્ર કરવામાં આવી હતી. પ્રવૃત્તિઓમાં ચીઝ સ્પર્ધાઓ, પ્રદર્શનો, ટેસ્ટિંગ સત્રો, પેનલ ચર્ચાઓ અને નવીનતા, ગુણવત્તા અને બજારની તકો પર કેન્દ્રિત તકનીકી સેમિનારનો સમાવેશ થતો હતો.

આ મહોત્સવનું સમાપન ઇનામ વિતરણ સમારોહ સાથે થયું હતું. જેમાં વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરવામાં આવી હતી. નોંધપાત્ર વિજેતાઓમાં બેંગલુરુ મિલ્ક યુનિયન લિમિટેડ (રાંધેલું ચીઝ), ઇન્દાપુર ડેરી (પુણે) અને મધર ડેરી (રાંધેલું ન હોય તેવું ચીઝ) તેમજ વિવાંદા ગોરમેટનો સમાવેશ થાય છે, જેણે ઇનોવેટિવ ચીઝ અને નોન-કાઉ મિલ્ક ચીઝ બંને શ્રેણીઓમાં ટોચના પુરસ્કારો મેળવ્યા હતા. પશ્ચિમ બંગાળના માલ્ટીનગરના સ્વદેશી પનીર "ચુરપી"ને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું, જ્યારે કોરોના ડેરીના સ્મોક્ડ ચેડરને તેની સર્જનાત્મકતા અને કારીગરી માટે પ્રશંસા કરવામાં આવી હતી. આ પહેલ ડેરી ક્ષેત્રમાં મૂલ્યવર્ધન, ઉદ્યોગસાહસિકતા અને નિકાસ સંભાવનાને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝન સાથે સુસંગત છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2167041)
Visitor Counter : 2