માનવ સંસાધન વિકાસ મંત્રાલય
ભવિષ્ય માટે તૈયાર નેતાઓનું નિર્માણ: નવા BTech વિદ્યાર્થીઓ માટે IIT ગાંધીનગરે પરિવર્તનકારી ફાઉન્ડેશન પ્રોગ્રામનો પ્રારંભ કર્યો
Posted On:
21 JUL 2025 5:35PM by PIB Ahmedabad
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 2025 ની બેચના નવીન પ્રવેશિત BTech વિદ્યાર્થીઓ માટે 21 જુલાઈ, 2025ના રોજ તેના મુખ્ય ફાઉન્ડેશન પ્રોગ્રામ (FP) નો પ્રારંભ કર્યો. સંસ્થાનો આ અગ્રણી ઉપક્રમ ચાર અઠવાડિયાનો વ્યાપક કાર્યક્રમ છે, જે 21 જુલાઈથી 15 ઑગસ્ટ, 2025 સુધી ચાલશે, જેનો હેતુ વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક યાત્રા જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસને પણ આકાર આપવાનો છે.

ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGNની આ ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે કે તે માત્ર ટેકનિકલી કુશળ જ નહીં પરંતુ સામાજિક રીતે જાગૃત, નૈતિક મૂલ્યોમાં સ્થિર, શારીરિક રીતે સક્રિય અને સર્જનાત્મક રીતે પ્રેરિત એવા સર્વગુણસંપન્ન વ્યક્તિઓનું ઘડતર કરે. આ વર્ષે કાર્યક્રમનું ઉદ્ઘાટન વોલ્વો ગ્રુપ, ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલ બાલીના મુખ્ય અતિથિ તરીકેના હસ્તે થયું.

શ્રી બાલીએ જણાવ્યું, “ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGN દ્વારા શરૂ કરાયેલ એક ઉત્તમ પહેલ છે. મારા માટે, આ માત્ર આગામી ચાર વર્ષ માટેનો ફાઉન્ડેશન પ્રોગ્રામ નથી, આ એક વિકસિત ભારત માટેનો પાયો છે. આ આપણા દેશના ભવિષ્યના નિર્માણનો પાયો છે. તમે એક VUCA (Volatile, Uncertain, Complex, Ambiguous) (અસ્થિર, અનિશ્ચિત, જટિલ, અને દ્વિઅર્થિય) દુનિયામાં પ્રવેશી રહ્યા છો. તેના માટે તૈયાર રહો. હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરો. ભારતમાં, તમે યોગ્ય જગ્યા પર, યોગ્ય લોકો વચ્ચે છો. તમે એવા સમયમાં મોટા થઈ રહ્યા છો જ્યારે ભારત ઊંચાઈ પર જઈ રહ્યું છે. સતત શીખતા રહો.” તેમણે નેતૃત્વના સત્યતા તથા વિશ્વસનીયતાને ભાવિ નેતાઓ માટેના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા અને સહકારની ભાવનાને વધાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
મૂલ્યો અને નૈતિકતા, સર્જનાત્મકતા, ટીમ વર્ક, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમત—આ પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત આ કાર્યક્રમ, સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) માટેની કઠોર શૈક્ષણિક તૈયારી પછી વિદ્યાર્થીઓને એક તાજગીભર્યો વિરામ આપે છે. આ ચાર અઠવાડિયામાં વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, રમતગમત, કલા, સામુદાયિક પહોંચ અને હેન્ડ્સ-ઑન ક્રિએટિવ વર્કશોપ સહિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે.
આ અનુભવો દ્વારા IITGN પોતાના વિદ્યાર્થીઓમાં ખુલ્લુ મન, સહાનુભૂતિ, નેતૃત્વ અને શોધખોળની ભાવના વિકસાવવા માંગે છે. આ કાર્યક્રમમાં વિચારસરણીના નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને નવીનતા લાવનારાઓના પ્રેરણાત્મક સંબોધનો પણ સામેલ છે, જેથી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો સાથે સંપર્ક સાધી શકે અને તેમની પાસેથી શીખી શકે.
પ્રોફેસર રજત મૂનાએ સંસ્થાના ઈતિહાસમાં સૌથી મોટા પ્રવેશમાંના એક તરીકે વિવિધ ડિગ્રી અને વિષયોમાં 900 થી વધુ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. નવા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું, “તમારી રેન્ક તમને નિર્ધારિત ન કરે. હવે જે મહત્વનું છે તે છે કે આગામી થોડાં વર્ષોમાં તમે વ્યક્તિ તરીકે કેટલા વિકાસ પામો છો. ઉત્સુક રહો, ખુલ્લા રહો અને યાદ રાખો, શીખવાનું ક્યારેય બંધ થતું નથી.”
(Release ID: 2146432)