સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડ પોસ્ટથી મેળવો શ્રી સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો પ્રસાદ - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
સોમનાથ માટે ₹270 અને કાશી વિશ્વનાથ માટે ₹251 નો ઈ-મનીઓર્ડર મોકલવો પડશે - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ
Posted On:
09 JUL 2025 8:27PM by PIB Ahmedabad
ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો થોડાં જ દિવસોમાં શરૂ થવાનો છે. દરેક ભક્તની ઇચ્છા હોય છે કે તેઓ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન અને આશીર્વાદ રૂપ પ્રસાદની પ્રાપ્તિ કરે. હવે આવા ભક્તોને નિરાશ થવાની જરૂર નથી. ભારતીય ડાક વિભાગની સ્પીડ પોસ્ટ સેવા દ્વારા લોકો દેશના કોઈ પણ ખૂણામાં ઘરે બેઠા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ (ગુજરાત) અને શ્રી કાશી વિશ્વનાથ (વારાણસી) મંદિરનો પ્રસાદ મંગાવી શકે છે. શ્રાવણ મહિનામાં ડાક વિભાગ દ્વારા આ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત માહિતી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ દ્વારા આપવામાં આવી.
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા એક કરાર અંતર્ગત કોઈપણ શ્રદ્ધાળુ “મેનેજર, શ્રી સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ, જિલ્લો – જૂનાગઢ, ગુજરાત – 362268” ને ₹270 નો ઈ-મનીઓર્ડર મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે છે. આ ઈ-મનીઓર્ડર પર ‘પ્રસાદ માટે બુકિંગ’ નો ઉલ્લેખ કરવાનો રહેશે. ત્યારબાદ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંબંધિત શ્રદ્ધાળુને 400 ગ્રામનું પ્રસાદ પેકેટ સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવશે. આ પ્રસાદમાં 200 ગ્રામના બેસનના લાડૂ, 100 ગ્રામ તલની ચિક્કી અને 100 ગ્રામ માવાની ચિક્કી સમાવેશ થાય છે.
V50D.jpeg)
પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની જેમ જ, વારાણસી સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા કરાર હેઠળ દેશના કોઈપણ ખૂણે રહેલા શ્રદ્ધાળુ માત્ર ₹251 નો ઈ-મનીઓર્ડર પોતાના નજીકના ડાકઘરથી “પ્રવર અધિક્ષક ડાકઘર, વારાણસી (પૂર્વ) મંડળ – 221001”ના નામે મોકલીને સ્પીડ પોસ્ટ દ્વારા શ્રી કાશી વિશ્વનાથનો પ્રસાદ મંગાવી શકે છે. ઈ-મનીઓર્ડર પ્રાપ્ત થતા જ ડાક વિભાગ દ્વારા આપેલા સરનામા પર તરત જ સ્પીડ પોસ્ટ મારફતે પ્રસાદ મોકલી દેવામાં આવશે. શ્રી કૃષ્ણ કુમાર યાદવએ જણાવ્યું કે આ પ્રસાદમાં શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની છબી, મહામૃત્યુન્જય યંત્ર, શ્રી શિવ ચાલીસા, 108 દાણા રુદ્રાક્ષની માળા, બેલપત્ર, માતા અન્નપૂર્ણા પાસેથી ભિક્ષા લેતા ભગવાન શિવની છબીવાળો સિક્કો, ભભૂતિ, રક્ષા સૂત્ર, રુદ્રાક્ષ મણકો, મેવો, મિશ્રીના પેકેટ વગેરે સામેલ છે. સૂકા સ્વરૂપમાં હોવાના કારણે આ પ્રસાદ લાંબા સમય સુધી સાચવી શકાય એવો છે.
તેમણે જણાવ્યું કે, ડાક વિભાગે ભક્તોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ મારફતે સ્પીડ પોસ્ટની વિગતો મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે. આ માટે ભક્તોએ ઈ-મનીઓર્ડરમાં પોતાનું પૂરું સરનામું, પિન કોડ અને મોબાઈલ નંબર લખવો ફરજિયાત રહેશે.
(Release ID: 2143527)