આયુષ
વિશ્વ હોમિયોપેથી દિવસ 2025નું નવી વૈશ્વિક દ્રષ્ટિ સાથે સમાપન
હોમિયોપેથીએ સમગ્ર વિશ્વમાં એક સર્વગ્રાહી, વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ તરીકે લોકપ્રિયતા મેળવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
Posted On:
11 APR 2025 3:34PM by PIB Ahmedabad
વિશ્વ હોમિયોપેથી દિવસ 2025ની બે દિવસીય ઉજવણીને શાનદાર સફળતા સાથે સંપન્ન કરવામાં આવી હતી. જેમાં નીતિ ઘડવૈયાઓ, સંશોધકો, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગ વ્યાવસાયિકો અને હોમિયોપેથીક બિરાદરીના વૈશ્વિક પ્રેક્ટિશનર્સ સહિત 8,000થી વધુ ઉપસ્થિતોએ ભાગ લીધો હતો. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા ભારત સરકારના આયુષ મંત્રાલયના નેજા હેઠળ નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (એનસીએચ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (એનઆઇએચ) ના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમે સંવાદ, જોડાણ અને જ્ઞાનના આદાન-પ્રદાન માટે એક વાઇબ્રન્ટ પ્લેટફોર્મ તરીકે કામ કર્યું હતું. જેથી સંકલિત હેલ્થકેરમાં હોમિયોપેથીના ભવિષ્યના અભ્યાસક્રમને આલેખી શકાય.

બીજા દિવસે બાર ઊંડાણપૂર્વકના સત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ન્યૂરોલોજીકલ અને ન્યૂરો-ડિજનરેટિવ ડિસઓર્ડર્સમાં હોમિયોપેથી, સંકલિત ઓન્કોલોજી, ડર્મેટોલોજી, વેટરનરી મેડિસિનમાં હોમિયોપેથી જેવા મુખ્ય વિષયોને સંબોધિત કરતા 48 જેટલા ઉદ્દઘાટન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ, પુરાવા નિર્માણ, ક્લિનિકલ કેસ ડોક્યુમેન્ટેશન, બાયોમેડિકલ રિસર્ચ અને શિક્ષણમાં એઆઇ એપ્લિકેશન્સ, હોમિયોપેથીક પ્રોડક્ટ્સનું સ્ટાન્ડર્ડાઇઝેશન, શૈક્ષણિક સંશોધન અને સીસીઆરએચની સિદ્ધિઓનો સમાવેશ થાય છે.

આ દિવસને સીસીઆરએચના મહાનિદેશક ડૉ. સુભાષ કૌશિકે આપેલા સમાપન પ્રવચન દ્વારા પણ ઉજવવામાં આવ્યો હતો, જેમણે હોમિયોપેથીમાં કેટલીક અગ્રણી હસ્તીઓને આ ક્ષેત્રમાં તેમના અનુકરણીય યોગદાન માટે સન્માનિત પણ કરી હતી. ડો.કૌશિકે વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષણવિદો અને અન્ય હિતધારકોને તેમની ઉત્સાહપૂર્ણ ભાગીદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સીસીઆરએચ, એનસીએચ અને એનઆઇએચની ટીમોને આ ઇવેન્ટને સફળ બનાવવામાં અમૂલ્ય સાથસહકાર આપવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી.

હોમિયોપેથીના ક્ષેત્રમાં સંશોધન અને શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવવાની પોતાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ)એ દેશભરની અગ્રણી હોમિયોપેથી કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે કેટલાક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં અનુરાધા હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, બેંગાલુરુ, ડો. ડી. વાય. પાટીલ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, પિંપરી, પુણે, સરકારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, બેંગાલુરુ, કર્ણાટક, એસ.એન.જે.બી.ની શ્રીમતી કે.બી. આબાદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, શ્રી આર. પી. ચોરડિયા હોસ્પિટલ અને ભામાશા શ્રી વી. ડી. મહેતા, દેવ-વિજય પી.જી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી એન્ડ રિસર્ચ સેન્ટર, ચાંદવડ, લક્ષ્મીબેન હોમિયોપેથી ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર, ભાંડુ, જિલ્લો મહેસાણા, રાજસ્થાન વિદ્યાપીઠ હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ડાબોક, ઉદયપુર, રાજસ્થાન અને પારૂલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત સામેલ છે. આ ભાગીદારીનો ઉદ્દેશ શૈક્ષણિક આદાનપ્રદાન, સંયુક્ત સંશોધન પહેલો અને હોમિયોપેથીક શિક્ષણ અને પુરાવા-આધારિત પ્રેક્ટિસની ગુણવત્તા અને પહોંચ વધારવા ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.
હોમિયોપેથીક ઉદ્યોગ દ્વારા શ્રેષ્ઠ પદ્ધતિઓ અને નવીનતાઓ દર્શાવતું એક પ્રદર્શન બંને દિવસ દરમિયાન ચાલુ રહ્યું હતું. જેમાં ઉપસ્થિતોએ વ્યાપક રસ દાખવ્યો હતો.
વિશ્વ હોમિયોપેથી દિવસના પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હોમિયોપેથી બંધુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને એક પ્રેરણાદાયી સંદેશ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે, "આ દિવસ ચિકિત્સાના ક્ષેત્રમાં હોમિયોપેથીના કાયમી યોગદાનની યાદ અપાવે છે. તે વૈકલ્પિક હેલ્થકેર સિસ્ટમ્સના મહત્વને પણ દર્શાવે છે. જે સારા સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપે છે." આ સમારંભના ઉદઘાટન પ્રસંગે ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષ મંત્રાલયનાં રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રતાપરાવ જાધવ તથા ગુજરાત સરકારનાં રાજ્ય કક્ષાનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
અર્થપૂર્ણ ચર્ચાઓ, વ્યૂહાત્મક સહયોગ અને પુરાવા-આધારિત પ્રેક્ટિસ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા સાથે, વિશ્વ હોમિયોપેથી ડે 2025 એ એક પ્રેરણાદાયી નોંધ સાથે સમાપન કર્યું હતું. જેણે આ ક્ષેત્રમાં સતત પ્રગતિ અને નવીનતા માટે સૂર સ્થાપિત કર્યો હતો.
AP/IJ/GP/JD
(Release ID: 2120933)
Visitor Counter : 44