યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

સાયકલને ફેશનના રૂપમાં નહીં પેશન તરીકે ચલાવવાની છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયા


રાજકોટમાં આત્મિય યુનિવર્સિટીથી યોજાયેલ સાયક્લોફન-2025ને કેન્દ્રીય મંત્રી શ્રીએ લીલીઝંડી આપી

‘સાયકલની ટોકરી, સ્વાસ્થ્યની લોટરી’ અને સાયકલને પ્રદૂષણનું સોલ્યુશન ગણાવીને ડો. માંડવિયાએ લોકોને દર રવિવારે સાયકલિંગ કરવા હાકલ કરી

Posted On: 06 APR 2025 4:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ રાજકોટમાં આયોજિત સાયકલિંગ ઈવેન્ટ સાયક્લોફન-2025ને આત્મીય યુનિવર્સિટી ખાતેથી લીલી ઝંડી આપી હતી. તેમણે આ સાયકલોફનમાં સામેલ થવા માટે રોટરી ક્લબ મિડટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના સક્રિય સહયોગ અને 4000થી વધુ સાયકલિસ્ટ્સનો આભાર માન્યો હતો.

શ્રી માંડવિયાએ કહ્યું હતું કે રોટરી ક્લબની પ્રેરણાથી યોજાયેલો સાયકલિંગનો આ કાર્યક્રમ ખરેખર આવકાર્ય છે. આ એક પ્રેરણારૂપ ઘટના છે અને લોકોને સ્વસ્થ રહેવા અને ફિટ રહેવા તરફનો એક માર્ગ છે.

શ્રી માંડવિયાએ વધુમાં કહ્યું હતું કે સાયકલને ફેશનના રૂપમાં નહીં પેશનના રૂપમાં ચલાવવાની છે. સાયકલની ટોકરી, સ્વાસ્થ્યની લોટરી છે અને સાયકલ એ સ્વસ્થ રહેવાનો મંત્ર છે. તેમજ સાયક્લિંગ એ પ્રદૂષણનું સોલ્યુશન છે એટલે દરેક સન્ડેના રોજ આપણે એક કલાક માટે સૌ સાયકલિંગ કરીએ તો સૌ સ્વસ્થ રહેશે અને દેશ સ્વસ્થ થશે અને પીએમ મોદીનું જે વિકસિત ભારત@ 2047નું સ્વપ્ન છે એ સંપન્ન થઈ શકશે, એમ તેમણે ઉમેર્યું હતુ.

થીયા થીયરી ઓફ એજ્યુકેશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4 હજારથી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. આ સાયક્લોફનની સાથે રજિસ્ટ્રેશન કરાવનારના નામે રોટરી મીડટાઉન સદ્ભાવના વૃધ્ધાશ્રમ સાથે મળી એક વૃક્ષ વાવશે અને ચાર વર્ષ સુધી તે વૃક્ષની સંભાળ લેશે, તેમજ જેટલા લોકો સાયકલિંગ કરશે તેના 1 કિ.મી. દિઠ પાંચ રૂપિયાનું ડોનેશન રોટરી ક્લબ મીડટાઉન આપશે. જેમાંથી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની શાળાના બાળકોને નોટબુક આપવામાં આવશે એમ રોટરી ક્લબ મિડટાઉનના પ્રમુખ દિવ્યેશભાઈ અઘેરાએ જણાવ્યું હતું.  સાયક્લોફનમાં રાજકોટ મહાનગરપાલિકા, આત્મિય યુનિવર્સિટી સહિતની સંસ્થાઓનો સહયોગ હતો.

AP/IJ/GP/JD


(Release ID: 2119550) Visitor Counter : 80