માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

બોરસદનાં યુવા ચિત્રકાર પહોંચ્યા waves કોમિક્સની સેમી-ફાઇનલમાં


વેવ્સ યુવા કલાકારોને આપે છે કારકિર્દીને ઉજ્જવળ બનાવવાની તક

Posted On: 02 APR 2025 5:56PM by PIB Ahmedabad

1થી 4 મે, 2025 દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)ના ભાગરૂપે 32  જેટલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (સીઆઇસી) શરૂ કરવામાં આવી છે. જેમાં સીઝન-1એ 1,100 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સહિત 85,000 રજિસ્ટ્રેશનને પાર કરવાની નવી સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ 32 વિવિધ પડકારોમાંથી પસંદગી પ્રક્રિયા બાદ પસંદ કરાયેલા 750થી વધુ ફાઇનલિસ્ટને તેમના વ્યક્તિગત પડકારો, તેમની પ્રતિભા અને કુશળતાના પરિણામ અને આઉટપુટને પ્રદર્શિત કરવાની અનન્ય તક મળશે, આ ઉપરાંત પિચિંગ સેશન સહિત તેમના સંબંધિત ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે નેટવર્કિંગની તકો અને માસ્ટરક્લાસ, પેનલ ડિસ્કશન, પરિષદો વગેરે દ્વારા વૈશ્વિક દિગ્ગજો પાસેથી શીખવાની તક મળશે.

આ 32 પડકારોમાંથી એક એવી કોમિક્સ ક્રીએટર ચેમ્પિયનશિપમાં બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં ભગાભાઈનાં ફળિયામાં રહેતા યુવા ચિત્રકાર તેજસભાઈ ગિરીશભાઈ પટેલ સેમી – ફાઈનલ સુધી પહોંચ્યા હતા. આ સ્પર્ધા ત્રણ મહિના સુધી ચાલી હતી. જેમાં કુલ ત્રણ રાઉન્ડમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં 3 પૃષ્ઠ અને ત્રીજા રાઉન્ડમાં 4 પૃષ્ઠની પોતાની કલ્પનાનાં કોમિક્સ પાત્ર ડિઝાઇન કરવાનું હતું. જે અંગે તેજસભાઈએ જણાવ્યું હતું કે, કોમિકની વિઝ્યુઅલ આર્ટ શૈલી મેં મારી જાતે વિકસાવવાની કોશિશ કરી છે. તે સંપૂર્ણપણે હેન્ડમેડ છે, જેમાં માત્ર બ્લેક પેન અને પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાની નાની વિગતો પેન દ્વારા ઉમેરવામાં આવી છે અને દરેક પૃષ્ઠને એક પેઇન્ટિંગ જેવી અસર આપવાનો પ્રયાસ કર્યો છે. આ કોમિકના સંવાદ હિન્દીમાં ભાષામાં લખાયા છે. આ કોમિક તૈયાર કરવા અંગે તેમણે કહ્યું કે, “મારી પ્રેરણા બાળપણમાં જોયેલા કાર્ટૂન, ટાઇમ ટ્રાવેલ મૂવીઝ અને બ્રહ્માંડ સંબંધિત છબીઓમાંથી લેવામાં આવી છે. આ પ્રયોગોના માધ્યમથી, મેં મારી પોતાની દૃશ્યકળાની અનન્ય શૈલી શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આજ સુધી એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે તેને વિકસાવતો રહ્યો છું.”

કોમિકના પાત્રલેખન વિષે તેજસભાઈએ કહ્યું હતું કે, આ કોમિકમાં મુખ્ય પાત્ર પ્રોફેસર પિક વિન છે, જે મારાં પોતાની ભાવનાઓ, વિચારધારા અને ટાઇમ ટ્રાવેલ તથા બ્રહ્માંડ પ્રત્યેની રસપ્રક્રિયાને વ્યક્ત કરે છે. એક દ્રશ્યમાં, જ્યારે ભવિષ્યમાં મદદની જરૂર હોય છે, ત્યારે પ્રોફેસર પિક વિન ભૂતકાળના પિક વિન ને પૂછે છે— "શું તું મારી મદદ કરીશ?" અહીં મેં મારી વિચારધારા રજૂ કરી છે કે, "તમે જાતે જ તમારી મદદ કરી શકો છો."

Waves અંગે તેમણે કહ્યું હતું કે, જે મારાં આર્ટવર્કને ખુલીને રજૂ કરવાની મંજૂરી આપે તેવી તકોથી વંચિત ન રહી જાઉં એ માટે પ્રયત્નશીલ રહું છું. તેથી જ મેં વેવ્સની આ કોમિક સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેના વિષે મને સોશિયલ મીડિયા એપ્લિકેશન દ્વારા જાણકારી મળી હતી. આ ચેમ્પીયનશીપમાં ભાગ લઇ મેં મારા શોખ અને કારકિર્દીને આગળ લઇ જવાનો પ્રયત્ન કર્યો છે. આ ચેલેન્જમાં ત્રણ રાઉન્ડમાંથી મારી કોમિક ટોચના 30 વ્યાવસાયિક આર્ટિસ્ટ્સમાં પસંદ થઈ એનો મને આનંદ છે.

INDRAVADANSINH JHALA


(Release ID: 2117916) Visitor Counter : 118