વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું


કંડલાના દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની સ્થાપના માટે "મેઈડ-ઇન-ઇન્ડિયા" હેઠળ ઉત્પાદિત ઈલેક્ટ્રોલાઈઝર્સ સ્થાપિત થશે

ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે ગુજરાતનું મહત્ત્વપૂર્ણ પગલું

Posted On: 19 MAR 2025 1:20PM by PIB Ahmedabad

નવીન ઉર્જાના ક્ષેત્રે દેશભરમાં મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં પણ તેને અનુરૂપ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ઊર્જા પરિવર્તન માટે ગુજરાતમાં એક મહત્ત્તવપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા ખાતે સ્થાપિત થવા જઈ રહેલા 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે "મેઈડ-ઇન-ઇન્ડિયા" હેઠળ ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને વર્ચ્યુઅલી ફ્લેગ ઑફ કરાવ્યું હતું.

ગ્રીન હાઇડ્રોજન માટે DPAનું વિઝન

કંડલા પોર્ટને ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકસાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અનુરૂપ DPA- કંડલા દ્વારા ડિસેમ્બર 2024માં પોર્ટ સંચાલિત 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કે જેને પછીથી 10 મેગાવોટ ક્ષમતા સુધી વધારવામાં આવશે તેની સ્થાપવા માટે કામગીરી શરૂ કરી હતી. આ પગલું ભારતના દરિયાઇ ક્ષેત્રમાં ટકાઉ ઉર્જા અપનાવવા તરફનો એક મહત્ત્તવપૂર્ણ પ્રયાસ છે. આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઇજનેરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેના પરિણામે બંદરના ઓપરેશનલ માળખામાં નવીનતા અને તકનીકી શ્રેષ્ઠતાને પ્રોત્સાહન મળશે.

ત્રણ મહિનાના રેકોર્ડ સમયમાં 1 મેગાવોટના ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન

ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં L&Tને એક પ્રસ્થાપિત સંસ્થા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આશરે એક વર્ષ પહેલા ઉદ્ઘાટીત કરેલા હજીરાના 1 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની સ્થાપના પણ આ જ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. કંડલા ખાતે નિર્માણાધિન ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવાનું કામ પણ L&Tને સોંપવામાં આવ્યું. મેઈડ-ઇન-ઇન્ડિયા પહેલ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા L&T એ ફક્ત ત્રણ મહિનાના રેકોર્ડ સમયમાં આ 1 મેગાવોટ ઇલેક્ટ્રોલાઇઝરનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું. ઇલેક્ટ્રોલાઇઝર કોઈપણ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે, જે હાઇડ્રોજન ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જુલાઈ 2025 સુધીમાં કાર્યરત કરવાનું લક્ષ્ય

કંડલા ખાતે સાઇટનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી, આ ઇલેક્ટ્રોલાઇઝર્સને ટૂંક સમયમાં સાઇટ પર એસેમ્બલ કરવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ જુલાઈ 2025 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેની અંદાજિત ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 18 કિલો ગ્રીન હાઇડ્રોજન છે. જે દર વર્ષે આશરે 80-90 ટન થાય છે. તેનાથી DPA કંડલા દેશનું પ્રથમ એવું બંદર બનશે જ્યાં બંદરની પરિસરમાં જ સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને કાર્યરત ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હોય. આ સુવિધામાંથી ઉત્પાદિત ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ ફ્યુઅલ સેલ દ્વારા સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે, જે બંદર પર સ્વ-નિર્ભર અને પર્યાવરણને અનુકૂળ પાવર સોલ્યુશન્સ માટે માર્ગ મોકળો કરશે.

વધુમાં, DPA પાસે પ્લાન્ટમાં જરૂરી મોડ્યુલોનો સમાવેશ કરીને ગ્રીન એમોનિયા ઉત્પાદનને એકીકૃત કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓ છે. આ વૈશ્વિક ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવશે અને કાર્બન તટસ્થતા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ફાળો આપશે. આ સીમાચિહ્નરૂપ ધ્યેયથી ભારતને માનનીય પ્રધાનમંત્રીશ્રીના ટકાઉ અને આત્મનિર્ભર ભારતના વિઝનની નજીક લાવે છે, સાથોસાથ 2050 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યની પ્રતિબદ્ધતા સાથે પણ સુસંગત છે.

ફ્લેગ-ઓફ કાર્યક્રમમાં કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ટી.કે.રામચંદ્રન, IRSME, ચેરમેન-DPA સુશિલકુમાર સિંહ અને L&T ગ્રીન એનર્જીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેરેક એમ. શાહ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે DPAના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીધામથી વર્ચ્યુઅલી આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2112679) Visitor Counter : 73