નાણા મંત્રાલય
DRI દ્વારા ગુજરાત ATSની સાથે સંયુક્ત કાર્યવાહીમાં અમદાવાદ ખાતેથી 88 કિલો સોનાની લગડીઓ, 19.66 કિલો જડેલા સોનાના દાગીના અને 1.37 કરોડ રૂપિયા રોકડનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
Posted On:
18 MAR 2025 12:39PM by PIB Ahmedabad
ગુજરાત ATS તરફથી મળેલી માહિતીના આધારે દાણચોરી સામે એક મહત્વપૂર્ણ સફળતા મેળવતા ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ 17 માર્ચ, 2025ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના અધિકારીઓ સાથે અમદાવાદના પાલડીમાં એક રહેણાંક ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન 87.92 કિલોગ્રામ સોનાની લગડીઓ મળી આવી હતી, જેની કિંમત લગભગ ₹ 80 કરોડ છે. ઉપરોક્ત મોટાભાગની સોનાની લગડીઓ પર વિદેશી માર્ક છે, જે દર્શાવે છે કે તેને ભારતમાં દાણચોરી કરીને લાવવામાં આવી હતી.

આ તપાસમાં અન્ય કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે જેમાં: (i) હીરાથી જડેલી પેટેક ફિલિપ ઘડિયાળ, જેકબ એન્ડ કંપનીની ઘડિયાળ અને ફ્રેન્ક મુલર ઘડિયાળ સહિત 11 લક્ઝરી ઘડિયાળો (ii) હીરા અને અન્ય કિંમતી પથ્થરોથી જડેલા 19.66 કિલોગ્રામ વજનનું ઝવેરાત. ઉપરોક્ત ઝવેરાત અને લક્ઝરી ઘડિયાળોનું મૂલ્યાંકન ચાલુ છે. વધુમાં ઉપરોક્ત રહેણાંક પરિસરમાંથી ₹1.37 કરોડની રોકડ પણ મળી આવી છે.
આ તપાસ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર મોટા ફટકા સમાન છે અને આર્થિક ગુનાઓ સામે લડવા અને રાષ્ટ્રની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે DRIની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.
હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2112125)
Visitor Counter : 150