સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાત યુનિવર્સિટીમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન


આ કલ્ચરલ મીટમાં દેશના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી સંગીત, નૃત્ય, નાટકની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે

નવી દિલ્હી સંગીત નાટક એકેડેમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચાએ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

‘કલાકુંભ’ એક અદ્ભુત સંગમ છે જ્યાં કલા અને સર્જનાત્મકતા, વ્યવસાય અને ઉદ્યોગ સાથે મળે છેઃ શ્રીમતી સંધ્યા પુરેચા

Posted On: 07 MAR 2025 12:15PM by PIB Ahmedabad

ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ રેવન્યૂ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ બોર્ડ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025, ‘કલાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નવી દિલ્હીના સંગીત નાટક અકાદમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચાએ કર્યું હતું.

આ પ્રસંગે શ્રીમતી સંધ્યા પુરેચા જણાવ્યું કે, આ એક ખૂબ જ મોટો અને અદ્ભૂત સંગમ છે, જ્યાં કલા અને સર્જનાત્મકતા, વ્યવસાય અને ઉદ્યોગ સાથે મળે છે.  આ આયોજન માટે ગુજરાતથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. કહેવાય છે કે ગુજરાતીઓ કલા અને સંસ્કૃતિ નહીં પણ વ્યવસાય કરી શકે છે. ત્યારે અહીં આયોજિત કલા મહાકુંભ અને તે પણ મહેસૂલ મંત્રાલય અને આવકવેરા મંત્રાલય દ્વારા દર્શાવે છે કે ગુજરાત એક એવું રાજ્ય છે જે ગતિ અને નવીનતાનું પ્રતીક છે.

મહાકુંભના આયોજનને યાદ કરતા તેમાણે કહ્યું કે, “કલા કુંભ એક એવું નામ છે જેણે મને ખૂબ પ્રભાવિત કરી છે. કારણ કે તાજેતરમાં જ આપણે મહાકુંભનું ભવ્ય સમાપન જોયું.  જ્યાં હજારો ભક્તો આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરવા માટે એકઠા થયા હતા.  એક કુંભ હમણાં જ સમાપ્ત થયો છે અને અહીં એક નવો કુંભ, ‘કલાકુંભ’ શરૂ થઈ રહ્યો છે. અહીં તમે આ મહા કલા કુંભમાં બે અલગ અલગ દુનિયા, સંસ્કૃતિ અને વર્તુળ, બે અલગ અલગ દ્રષ્ટિકોણ, બે અલગ અલગ ભાષાઓ અને બે અનોખી તકનીકો સાથેની દુનિયાનો સંગમ જોઈ શકશો.

ગુજરાતના આવકવેરા વિભાગના મુખ્ય કમિશનર શ્રી સતીશ શર્માએ પોતાના સ્વાગત પ્રવચનમાં હેનરી ફોર્ડનું એક વાક્ય ટાંકતા કહ્યું કે તમને લાગે છે કે તમે કરી શકો છો, તો તમે સાચા છો, તેનું પરિણામ આ કલાકુંભ છે.  રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કદાચ માણસ અને પ્રાણી વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. જે આપણા જીવનને સુખી અને સંપૂર્ણ બનાવે છે. જો તમે કોઈ તણાવમાં હોવ અને કોઈ રમત કે કોઈ પ્રદર્શન કલા સાથે જોડાશો, તો તે તણાવ દૂર થઈ જાય છે. આવકવેરા અને GST બંને વિભાગોમાં કરવામાં આવતું કામ ખૂબ જ તણાવપૂર્ણ છે. આવા વાતાવરણમાં જો આપણે આ રીતે આપણા શોખને આગળ ધપાવી શકીએ તો તે આપણા કામમાં ઘણી મદદ કરે છે અને આપણું જીવન પૂર્ણ બનાવે છે.

સેન્ટ્રલ રેવન્યૂ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ બોર્ડ (CRSCB) દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે રમતગમત અને સાંસ્કૃતિક મેળાવડાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાણા મંત્રાલય, મહેસૂલ વિભાગ હેઠળના આવકવેરા, CGST અને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરે છે.

ઓલ ઈન્ડિયા સીઆરએસસીબી કલ્ચરલ મીટ દેશના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરતી સંગીત (શાસ્ત્રીય અને લોક), નૃત્ય (શાસ્ત્રીય અને લોક), નાટક (હિન્દી અને પ્રાદેશિક/અંગ્રેજી) ની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરે છે. આ સાંસ્કૃતિક મેળાનું આયોજન ત્રણ સ્તરે કરવામાં આવે છે. જેમાં દરેક ઝોન (ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ) હેઠળની કચેરીઓના કર્મચારીઓ સબ-ઝોનલ મીટ, ઝોનલ મીટ અને રાષ્ટ્રીય મીટમાં ભાગ લે છે અને તેમની સાંસ્કૃતિક પ્રતિભાનું પ્રદર્શન કરે છે. આ સાંસ્કૃતિક મેળાવડામાં દેશના મહેસૂલ વિભાગ હેઠળ સેવા આપતા લગભગ 250-300 કર્મચારીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરે છે.

ગુજરાત, અમદાવાદના પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ એ 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન કર્યુ છે. તા. 07 અને 08 માર્ચ 2025 ના રોજ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલ અને ઝુલોજી ઓડિટોરિયમ ખાતે વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિજેતા કલાકારોને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.

 

 

AP/IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2109007) Visitor Counter : 112