ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં નેતૃત્વ હેઠળ લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ મેળો જવાહર મેદાન ખાતે યોજાશે

Posted On: 06 MAR 2025 1:46PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તીકરણના અભૂતપૂર્વ આયામો સર કરતા આગામી તારીખ 9 માર્ચથી 12 માર્ચ, 2025  દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા માહિતી આપવમાં આવશે.

તારીખ 9 માર્ચના રોજ સવારે 10:30 કલાકે મહિલા-અધિકાર, સમાનતા અને સશક્તિકરણ”નાં વિષય સાથે શ્રીમતી નિમુબેન બાંભણિયા, માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના વરદ હસ્તે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સ્વ સહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરેલી અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે. સાથે જ  “દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન” અંતર્ગત 03 ગ્રામ સંગઠનોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 2 સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ લોનનું વિતરણ અને 40 લખપતી દીદીને શિલ્ડ અને કીટ આપી સન્માનિત કરવામાં આવશે.  

તારીખ 10  માર્ચ, 2025ના રોજ સવારે 10:30 થી 01:15 સુધી સ્ત્રી “શક્તિ, મુક્તિ અને પ્રગતિ” વિષય પર લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવશે. ઉપરાંત “ગ્રામીણ ઉદ્ધમિતા” વિષય પર ઇરમા, આણંદના વક્તા દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવશે. બપોરે 02:30થી 05:00  દરમિયાન “સ્ત્રી સશક્તિકરણ” વિષય પર વિખ્યાત મોટીવેશનલ સ્પીકર સુશ્રી નેહલબેન ગઢવી દ્વારા અને “મહિલા આરોગ્યના વિવિધ પાસા”  વિષય પર સુપ્રીન્ટેન્ડન્ટશ્રી, સર ટી. હોસ્પીટલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે.

તારીખ 11 માર્ચના રોજ સવારે 10:30 થી 12:30 દરમિયાન કૃષિ તજજ્ઞો દ્વારા “પ્રાકૃતિક અને ગૌ આધારીત ખેતી” વિષય પર અને બપોરે 3:30 થી 6:10 દરમિયાન “નારી તું નારાયણી” વિષય પર મોટીવેશનલ સ્પીકર શ્રી તુષાર શુક્લા દ્વારા તેમજ “ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવનાઓ” વિષય પર ઈડીઆઈઆઈના સીનિયર પ્રોગ્રામ મેનેજરશ્રી નિશિત પટેલ દ્વારા  વક્તવ્ય આપવામાં આવશે.

આત્મનિર્ભરતાએ દરેક માણસનુ સપનુ હોય છે. આ સપનાને પૂર્ણ કરવા સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમા “પંડિત દીન દયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન” (ડે એનઆરએલએમ)નું  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ થઇ રહ્યુ છે.  

આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી 100  વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં આર્ટ, ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડ વર્ક, તેમજ કળા, કારીગરી, શૃંગાર અને ખાદ્ય સામગ્રીઓનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108759) Visitor Counter : 118