ગૃહ મંત્રાલય
CISF એ "સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ સાથે અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે
Posted On:
04 MAR 2025 2:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)એ તેના 56માં સ્થાપના દિવસે એક નવી પહેલ "સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" દ્વારા ઉજવવા માટે તૈયાર છે. આ એક સાયકલ રેલી છે, જે ભારતના 6,553 કિમી લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી પર મુસાફરી કરશે. જેના ભાગરુપે સાયકલ સવારોની બે ટીમો આ અદભૂત યાત્રાની એકસાથે શરૂઆત કરશે—એક ટીમ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા લખપત જિલ્લા (પશ્ચિમી તટ)માંથી અને બીજી ટીમ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બક્કાલી (પૂર્વી તટ)માંથી શરૂઆત કરશે. 25 દિવસ સુધી ભારતના સમુદ્રી કાંઠાના જમીન માર્ગોની યાત્રા કર્યા બાદ, આ બંને ટીમો 31 માર્ચ, 2025ના રોજ તમિલનાડુના કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક સ્મારક ખાતે ભેગી થશે. આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા સમયે ડેપ્યુટી આઈજી મમતા રાહુલ, સિનિયર કમાન્ડન્ટ કપિલ વર્મન, મનમોહન સિંહ યાદવ અને કમાન્ડન્ટ રાકેશ ચૌધરી ઉપસ્થિત હતા.
આ મહત્ત્વાકાંક્ષી યાત્રા માત્ર શારીરિક શક્તિની તપાસ નથી, પણ CISFની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે તેની મહત્વની ભૂમિકાનો પ્રબળ સંદેશ પણ આપે છે. ભારતની વિસ્તૃત તટલાઈન 250થી વધુ બંદરગાહોનું ઘર છે. જેમાં 72 મોટા બંદરો છે, જે દેશના 95% વેપાર અને મોટાભાગના તેલ આયાતને સંભાળે છે. આ બંદરગાહો વેપાર માટે મહત્વના પ્રવેશદ્વાર છે અને રિફાઇનરી, શિપયાર્ડ અને ન્યુક્લિયર પાવર પ્લાંટસ જેવા મહત્વપૂર્ણ બાંધકામો ધરાવે છે, જેના કારણે તેમની સુરક્ષા ખૂબ જ આવશ્યક બની જાય છે.

આ રેલીના મુખ્ય ઉદ્દેશ્યો:
- સમુદ્ર કિનારે વસતા સમુદાયોમાં જાગૃતિ ફેલાવવી: નાગરિકોને માદક દ્રવ્ય, હથિયારો અને વિસ્ફોટકોની ચોરી અને સ્મગલિંગ જેવા સંભવિત જોખમો વિશે શિક્ષિત કરવા અને તેમને પ્રોત્સાહન આપવું.
- સમુદાયોને મજબૂત બનાવવા-સુરક્ષા એજન્સીની ભાગીદારી: સ્થાનિક સમુદાયો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સારું સમન્વય પ્રસ્થાપિત કરવો. જેથી એક મજબૂત સુરક્ષા નેટવર્ક વિકસિત થઈ શકે.
- દેશભક્તિની ભાવનાને જાગૃત કરવી : રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહીત કરવી અને સ્વતંત્રતા સેનાનીઓ, સુરક્ષા કર્મીઓ અને તેમના પરિવારજનો દ્વારા અપાયેલાં બલિદાનોને યાદ કરવા.
- ભારતની સમૃદ્ધ સાગરીક સંસ્કૃતિનો ઉત્સવ: આ રેલી ભારતની વિવિધ સમુદ્રી પરંપરાઓ, ઈતિહાસ અને ભૂગોળ વિશે લોકોને શિક્ષિત કરવા માટે એક મંચ તરીકે કામ કરશે. જેના કારણે આપણા તટિયાઓના સમુદાયો અને તેમના રાષ્ટ્ર પ્રત્યેના યોગદાનની વધુ પ્રશંસા કરવામાં આવશે.
ભાગ લેનારાઓની તૈયારી અને સમાવેશ:
- ભાગ લેનારાઓ: આ અભિયાનમાં 125 CISF કર્મચારીઓ ભાગ લેશે. જેમાં 14 બહાદુર મહિલાઓ સામેલ છે. આ શક્તિ અને સહનશક્તિનો સંતુલિત પ્રતિક છે. તમામ ભાગીદારોને એક મહિના સુધી વિશેષ તાલીમ આપવામાં આવી છે. જે લાંબા અંતરના સાયકલિંગ માટે જરૂરી પોષણ, સહનશક્તિ અને સલામતી પર કેન્દ્રિત છે.
- તૈયારી: સાયકલ ચાલકોએ વ્યાવસાયિક સાયકલિસ્ટો સાથે વિશેષ તાલીમ સત્રમાં ભાગ લીધો છે. જેથી તેઓ લાંબા અંતરના સાયકલિંગના કૌશલ્યો વિકસાવી શકે. આ તાલીમમાં સાયકલની જાળવણી, યોગ્ય મુદ્રા અને અસરકારક પેડલિંગ ટેકનિક જેવી મહત્વની બાબતો શીખવવામાં આવી છે.
કાર્યક્રમનું ઉદ્ઘાટન અને મુખ્ય આયોજન સ્થળ:
- ભારત સરકારના ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રી દ્વારા 7 માર્ચ, 2025ના રોજ આ ઐતિહાસિક કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ રાષ્ટ્રનું ધ્યાન ખેંચે તેવી અપેક્ષા છે. કારણ કે તે સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષા જાળવવામાં સતર્કતા અને તૈયારીના મહત્વ પર ભાર મૂકે છે.

આ અભિયાન દરમિયાન પાંચ મુખ્ય સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાશે:
- લખપત કિલ્લો (ગુજરાત)
- બક્કાલી (પશ્ચિમ બંગાળ)
- ગેટવે ઓફ ઈન્ડિયા (મુંબઈ)
- કોણાર્ક (ઓડિશા)
- વિવેકાનંદ રોક મેમોરિયલ (કન્યાકુમારી)
આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, CISF કર્મચારીઓ સાથે પરસ્પર સત્ર અને કાંઠાના સુરક્ષાને લગતી મહત્વની માહિતી આપવામાં આવશે.
"સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" અભિયાન સાથે જોડાઓ”
CISF તમામ નાગરિકોને આ ઐતિહાસિક સાયકલિંગ રેલીમાં જોડાવા આમંત્રિત કરે છે. તમે આમાં શારીરિક રીતે અથવા વર્ચ્યુઅલી ભાગ લઈ શકો છો. રેલીની પ્રગતિ જાણવા, કાર્યક્રમોમાં ભાગ લેવા અને કાંઠાની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
https://cisfcyclothon.com/
ચાલો, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે એકસાથે પ્રયત્ન કરીએ!

AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2108043)
Visitor Counter : 97