સંસ્કૃતિ મંત્રાલય
azadi ka amrit mahotsav

“સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે : ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ આધારિત ઝાંખી


ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના ‘કીર્તિ તોરણ’થી લઈને 21મી સદીના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કરવામાં આવ્યું છે અસરકારક નિદર્શન

76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Posted On: 22 JAN 2025 10:43PM by PIB Ahmedabad

સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ રહી છે; તે ખરા અર્થમાં માત્ર રાજ્ય કિન્તુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસના અભૂતપૂર્વ સંમિશ્રણને અસરકારકતાથી સાકારિત કરી રહી છે. ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના સોલંકીકાળના કીર્તિ તોરણથી લઈને 21મી સદીની અજાયબી સ્વરૂપ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું કિર્તી તોરણ છે; તો છેડે 21મી સદીની શાનસમું 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે. બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ છે. જેમાં સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મવર્ષની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રોની શ્રુંખલા, પૂર્વ વડાપ્રધાન વાજપાયીજીની 100મી જન્મજયંતીના પ્રતિક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી-આભલાની કલાકૃતિઓ ઝાંખીને ચાર ચાંદ લગાવી રહ્યા છે.

ગુજરાતની ઝાંખીના અગ્રભાગમાં યુનેસ્કોની હેરિટેજ સાઈટમાં સામેલ આનર્તપુર હાલના વડનગર સ્થિત 12મી સદીનું સોલંકીકાળનું કીર્તિ તોરણ દર્શાવવામાં આવ્યું છે. જેની ફરતે કચ્છી માટી-આભલાની કલાકૃતિની સાથે જનજાતીય દેવ બાબા પિથોરાની સ્મૃતિમાં રેખાંકિત થયેલા પિથોરા ચિત્રો’’ની શ્રુંખલા દર્શાવવામાં આવી છે.

ઝાંખીના પૃષ્ઠ ભાગમાં સંરક્ષણ-ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના પ્રકલ્પો પૈકી વડોદરામાં તાતા એડવાન્સડ સિસ્ટમ લિમિટેડના મારફતે તૈયાર થનારા ભારતીય વાયુદળના સી-295 એરક્રાફ્ટના યુનિટ અને તેની નીચે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના બે છેડાના જોડતો તકનીકી અદ્વિતીયતાના નમૂનારૂપ અટલ બ્રિજ, સેમી કંડકટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમી કંડકટર ચીપ અને તેની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો અને તેની નીચે ઓટોમોબાઇલ-મેન્યુફેક્ચરીંગ હબ તરીકે પ્રસ્થાપિત થઇ રહેલો ગુજરાતનો ઓટો-મશીન ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે.

ઝાંખીના અંતિમ ભાગમાં દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦-મી જન્મજયંતીની સ્મરણાંજલિના ભાગરૂપે 21મી સદીની શાન અને દેશભરના ખેડૂતો મારફતે એકત્રિત કરવામાં આવેલા લોખંડથી નિર્માણાધીન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની 182 મીટર ઊંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી દર્શાવવામાં આવ્યું છે. જેની નીચેના ભાગમાં જગતમંદિર દ્વારકાની પાવનભૂમિ અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓનું નિદર્શન કરવામાં આવ્યું છે. દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિની સામગ્રી પ્રતિષ્ઠિત ચેનલ ડિસ્કવરી દ્વારા પૂરી પાડવામાં આવી છે

ગુજરાતની ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિન્તુ અર્વાચીન દુહાના તાલે રાજ્યના જોમવંતા મણીયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો છે.

વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 16 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક શ્રી કિશોર બચાણી, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક શ્રી જીગર ખુંટ યોગદાન આપી રહ્યાં છે. ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રી સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે.

AP/IJ/GP/JD


(Release ID: 2095303) Visitor Counter : 68