યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

નહેરુ યુવા કેન્દ્ર - માય ભારત અમદાવાદ દ્વારા 16મો આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો


ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદીવાસી ભાઈ-બહેનો માટે વિવિધ શૈક્ષણિક અને અનુભવાત્મક શિક્ષણ અંગેના સત્રોનું સફળ આયોજન કરાયું

Posted On: 19 JAN 2025 9:52PM by PIB Ahmedabad

ભારત સરકારના ગૃહ મંત્રાલય અને યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નહેરુ યુવા કેન્દ્ર - માય ભારત અમદાવાદ દ્વારા આયોજિત 16મા આદિવાસી યુવા આદન પ્રદાન કાર્યક્રમ, કે જે ગુજરાત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, નિકોલ, અમદાવાદ ખાતે 18.01.2025થી 19.01.2025 સુધી યોજવામાં આવ્યો, તેં કેમ્પના બીજા દિવસે આજે તા. 19.01.2025ના રોજ કેમ્પ આયોજકો દ્વારા ઓડિશા અને છત્તીસગઢથી આવેલા 200 આદીવાસી ભાઈ-બહેનો અને તેમને અહીં લઇને આવેલા 20 એસ્કોર્ટ માટે વિવિધ શૈક્ષણિક અને અનુભવાત્મક શિક્ષણ અંગેના સત્રોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાતઃ કાળે પ્રતિભાગી યુવાનોને રાજ્ય યોગ બોર્ડના અમદાવાદ પૂર્વ સમન્વયક શ્રી પ્રફુલ સાવલિયા અને તેમની ટીમ દ્વારા યોગાભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા અંગે શૈક્ષણિક અને પ્રેક્ટિસ સેશન દ્વારા જાગરૂક કરવામાં આવ્યા. ત્યાંજ આજ રોજ યોજાયેલ વિવિઘ શૈક્ષણિક અને અનુભવ શિક્ષણ આધારિત સત્રોમાં વિવિધ વિષય તજજ્ઞો અને નિષ્ણાંતો દ્વારા પ્રતિભાગી યુવાનોને શિક્ષિત અને જાગરૂક કરવામાં આવ્યા હતા. જેમાં સંવિધાન એકેડેમીના ફાઉન્ડર ડૉ વિકલ્પ કોટવાલ દ્વારા ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્રીય એકત્રીકરણમાં આદિવાસી યુવાનોની ભૂમિકા અંગે અને શારદા ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી હિના પટેલ દ્વારા યુવા અને મહિલા સશક્તીકરણ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

બપોરના સત્રમાં ગાંધીનગર યુનિવર્સિટીના સહાયક પ્રાધ્યાપક ડૉ રાજેશ લકુમ દ્વારા આદિવાસી યુવા કૌશલ વિકાસ અને કરિયર માર્ગદર્શન સાથે આદીવાસી બજેટ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બીજા સત્રમાં સાબરમતી યુનિવર્સિટીના સહાયક પ્રાધ્યાપક ડૉ શીતલ હિરસ્કર દ્વારા આદીવાસી યુવાનો સામેના પડકારો અને તેના સમાધાન અંગે પ્રતિભાગી યુવાનોનું માર્ગદર્શન કર્યું. સત્રના અંતમાં આદીવાસી રિસર્ચર શ્રી સર્વેશ્વર સાહુ દ્વારા આદિવાસી યુવાનોની ભારતને વિકસિત બનાવવામાં ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત કાર્યક્રમનું આયોજન પ્રિતેશ કુમાર ઝવેરી, જીલ્લા યુવા અઘિકારી, નેહરુ યુવા કેન્દ્ર, અમદાવાદની કચેરી દ્વારા જિલ્લા પ્રશાસન અને રાજ્ય નિર્દેશક NYKS -MYBHARAT ગુજરાતની કચેરીના સહયોગથી 24 જાન્યુઆરી સુધી કરવામાં આવી રહ્યો છે.

AP/IJ/GP/JD


(Release ID: 2094393) Visitor Counter : 44